તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
એરપોર્ટમાં નોકરીના નામે ૨૦૦ યુવાન-યુવતિઓ સાથે ફ્રોડ
કેકેવી ચોક પાસે ટ્રેનીંગ સેન્ટર વિરૂધ્ધ પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ : એક-એક લાખથી વધુની ફી ઉઘરાવી લીધીઃ કોર્ષ પુરો થયા પછી એરપોર્ટને બદલે હોટેલોમાં બાર-પંદર હજારની નોકરી અપાવાઇઃ ભોગ બનનારાઓમાં રોષ

છેતરાઇ ગયાના રોષ સાથે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૭: શહેરના કેકેવી ચોકમાં એક ટ્રેનીંગ સેન્ટર દ્વારા ૨૦૦ જેટલા યુવક, યુવતિઓને એરપોર્ટમાં નોકરીના નામે તાલિમ આપી એક એક લાખથી વધુની ફી ઉઘરાવી લીધા બાદ એરપોર્ટને બદલે હોટેલોમાં દસ બાર હજારના પગારની નોકરીઓ આપી દઇ ફ્રોડ કરવામાં આવ્યાના આક્ષેપો સાથે નોકરીવાંચ્છુઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતાં અને લેખિત ફરિયાદ કરી હતી.
ભોગ બનેલા યુવાન, યુવતિઓએ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી જણાવ્યું હતું કે કેકેકવી હોલ પાસે આવેલી સંસ્થા ઘણા સમયથી વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ખીલવાડ કરે છે. કોઇ વિદ્યાર્થી સાથે અન્યાયન ન થાય તે જોવા કાર્યવાહી કરવા માંગણી છે. દરેક વિદ્યાર્થી પોતાના સપના સાકાર કરવા ઇચ્છતા હોઇ તેને લાલચ આપી ફી વસુલી આવી સંસ્થા ફ્રોડ કરતી હોઇ તેની સામે કડક કાર્યવાહી કરવા અમારી માંગણી છે. રજૂઆત અંકિતકુમાર, જીગર સોલંકી સહિતની આગેવાની હેઠળ થઇ હતી.
ભોગ બનેલા છાત્રોએ કહ્યું હતું કે દોઢ બે વર્ષથી અહિ છાત્રો એક લાખ કે તેથી વધુની ફી ભરીને તાલીમ લેતાં હતાં. શિવરાજભાઇ ઝાલા આ ફ્રેન્ક ફીન નામની સંસ્થાના સંચાલક છે. અમને છ મહિના અને અગિયાર મહિના એમ બે કોર્ષની તાલિમ અપાતી હતી. અમને એવુ કહેવાયુ હતું કે તાલિમ પુરી થયે તમને એરપોર્ટમાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે અથવા કેબીન ક્રુ મેમ્બર તરીકે નોકરી મળશે. જો કે આ તાલિમ પુરી થયા પછી એરપોર્ટમાં સારા પગારની નોકરીને બદલે બધાને હોટેલોમાં બાર પંદર હજારના પગારની નોકરીએ રાખી દેવામાં આવ્યા હતાં.
આ રીતે રાજકોટ, જામકલ્યાણપુર, જામનગર તેમજ આસપાસના અનેક ગામો, શહેરોના ૨૦૦ જેટલા છાત્રોએ એક લાખ કે તેથી વધુની ફી ભરીને તાલિમ લીધી છે. આ તમામ સાથે ફ્રોડ થયું હોઇ તપાસ કરવા અમારી માંગણી છે. તેમ રજૂઆતમાં જણાવાતાં તપાસ શરૂ થઇ છે.
(3:53 PM IST)










