<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

માતાએ રાતે પેટ ભરાવી સુવડાવી પછી એક વર્ષની આરાધના જાગી જ નહિ

રેલનગર બાંધકામની સાઇટ પર રહેતાં એમપીના દંપતિએ દિકરી ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૭: રેલનગરમાં બાંધકામની સાઇટ પર મજૂરી કરી ત્‍યાં જ રહેતાં મધ્‍યપ્રદેશના દંપતિની એક વર્ષની દિકરીનું બેભાન હાલતમાં મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. રાતે માતાએ દિકરીને પેટ ભરાવી સુવડાવી હતી. સવારે તેણી ન જાગતા બેભાન હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ રેલનગર કર્ણાવતી સ્‍કૂલ પાસે ડીએન ક્‍વાર્ટરની સાઇટ પર રહી મજૂરી કરતાં મુળ એમપીના પ્રકાશ વસુનીયાની દિકરી આરાધના (ઉ.વ.૧)ને રાતે માતાએ દુધ પીવડાવી સુવડાવી હતી. સવારે તેણી ન જાગતાં બેભાન હાલતમાં ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. બાળકી ત્રણ બહેનથી નાની હતી. એકાદ દિવસથી તેણીને તાવ પણ આવતો હોવાનું જણાવાયું હતું. હોસ્‍પિટલ મારફત જાણ થતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. માસુમ દિકરીના મોતથી દંપતિ શોકમાં ગરક થઇ ગયું હતું.

(4:20 PM IST)