તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
સૌરાષ્ટ્રભરમાં મહોર્રમ પર્વનું સમાપનઃ રાત્રીના ૯ થી ૧ર વાગ્યા સુધીમાં સર્વત્ર તાજીયા ટાઢા થયાઃ ઠેરઠેર હકડેઠઠ મેદની ઉમટી પડીઃ રાજકોટમાં વરસાદની વચ્ચે પણ જુલૂસનો દબદબો યથાવત રહયો

રાજકોટ : શહેરમાં ગઇરાત્રીના તાજીયાઓ ઠંડા કરવામાં આવ્યા હતા. જો કે હાલમાં વરસાદી માહોલ રહયો હોય સમયાંતરે ઝાપટારૂપે વરસાદ વરસતો રહયો હોય સંચાલકોએ જુલુસવેળા તાજીયાઓ ઉપર પ્લાસ્ટીક ઢાંકી રાખ્યા હતા અને બીજી તરફ લોકો વરસાદમાં પણ જુલુસમાં મોટી માત્રામાં ઉમટી પડયા હતા. ખાસ કરીને રાજકોટ જ નહિ પણ સૌરાષ્ટ્રના એક માત્ર એવા જંગલેશ્વર રઝાનગર વિસ્તારના મુસ્લીમ બહુમતી ધરાવતા વિશાળ વિસ્તારમાં બનતા પ૦ જેટલા તાજીયા છેલ્લા રપ વર્ષથી આ વિસ્તારથી બહાર ફરવા જતા નથી. ત્યાં બે દિ' સુધી સમગ્ર રાજકોટના લોકો ઉમટી પડતા જંગલેશ્વર વિસ્તારમાં હકડેઠઠ મેદની ઉમટી હતી. તેમાં પણ આજ વિસ્તારના સબીલ સંચાલકોએ ભારે માત્રામાં ખાણીપીણીનું વિતરણ કર્યુ હતું. ગઇ સાંજે ૧૦ મી મહોર્રમના આશુરાના દિવસે લોકો રોઝા રાખતા હોય છે. ત્યારે સાંજે જ વરસાદ ચાલુ રહેતા આ વિસ્તારના જમાઅતખાનાઓ ખોલી નખાયા હતા અને ત્યાં ભરપેટ નિયાઝ વિતરણ કરાયું હતું. જો કે રાજકોટ શહેરના રાજમાર્ગો ઉપર સદર વિસ્તારમાં પણ તાજીયાના જુલુસોનો દબદબો હતો. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઇકાલે રાત્રીના ૯ થી ૧ર વાગ્યા સુધીમાં આ તાજીયાઓને જમાતખાનામાં પરત મુકી ટાઢા કરાયા હતા અને આ સાથે મહોર્રમ પર્વનું સમાપન કરાયું હતું. રાજકોટ શહેરમાં મહોર્રમ પર્વની ઉજવણીમાં કલાત્મક તાજીયાઓ જુલુસમાં જોડાયેલા, સદર, કોઠારીયા નાકા ચોકમાં ધમાલ અને મેદની નજરે પડે છે. જયારે યા હસન યા હુસેન નુરે નુર તાજીયા કમીટી (૩ લેઉવા પટેલ સોસાયટી ગોષિયા મસ્જીદની સામે જંગલેશ્વર) જે રપ વર્ષથી તાજીયા બનાવીને આયોજન કરે છે. તે માટે મુસ્તાક દેથા, મુસ્તાક સુમરા, સલીમ દેથા, જાવીદ દેથા, અનવર અબ્બાસી, સલીમ અબ્બાસી, અકરમ અબ્બાસી, ઇદ્રિશ પતાની, ઇરફાન ઓડીયા, અમીન ખોડીયા, મોહસીન પીપરવાડીયા, અજીત નાઇ, આસીક સુમરા, ટોસીફ સુમરા, લાલો પીપરવાડીયા, મકબુલ પીપરવાડીયા, નવાઝ મિનિવદીઆ, રિયાઝ મીનીવાડીયા, અરબાઝ ચાવડા, સમીર ચાવડા, ઝાકીર પીપરવાડીયા, પરવેજ પીલુડીયા, સમીર મકરાણી, મોહસીન કોંધીયાએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:19 PM IST)










