News of Wednesday, 9th July 2025
રૈયાના સ્મશાન પાસે ‘કટીંગ' વખતે એલસીબી ઝોન-૨નો દરોડોઃ ૫.૧૪ લાખના દારૂ સાથે ત્રણ ઝડપાયા
રૈયાના અલ્ફાઝ, શિવપરાના અમીરખાં અને ગાંધીગ્રામના યશ ઉર્ફ બીટુની ધરપકડઃ રિક્ષા, એક્ટીવા પણ કબ્જેઃ સુત્રધાર તરીકે રૈયાના ફૈઝલ બ્લોચ અને યોગરાજનગરના વિનય ઉકેડીયાના નામ ખુલ્યા :ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૯: શહેરના રૈયા ગામ સ્મશાન સામે મફતીયાપરામાં ઇંટોના ભઠ્ઠા પાસે વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થતું હતું તે વખતે જ એલસીબી ઝોન-૨ ટીમે દરોરડો પાડી રૈયા ગામ, શિવપરા, ગાંધીગ્રામના ત્રણ શખ્સોને રૂા. ૫,૧૪,૮૦૦ના ૩૯૬ બોટલ દારૂ અને રિક્ષા, ટુવ્હીલર સાથે પકડી લઇ રૂા. ૬,૯૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સુત્રધાર રૈયાના શખ્સ અને અન્ય એક યોગરાજનગરના શખ્સના નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે.
જાણવા મળ્યા મુજબ એલસીબી ઝોન-૨ ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે અગાઉ દારૂના ગુનામાં પકડાયેલ ફૈઝલ બ્લોચ અને વિનયએ રૈયા ગામ સ્મશાન સામે મફતીયાપરામાં ઇટોના ભઠ્ઠા પાસે દારૂનો જથ્થો ઉતાર્યો છે અને કટીંગ કરી રહ્યા છે. આ માહિતી પરથી દરોડો પાડવામાં આવતાં ત્રણ શખ્સ પકડાઇ ગયા હતાં. પોલીસે રૂા. ૫,૧૪,૮૦૦નો રોયલ ચેલેન્જ દારૂ ૩૯૬ બોટલ અને ત્રણ મોબાઇલ ફોન, જીજે૦૩બીયુ-૪૦૨૭ નંબરની રિક્ષા અને જીજે૦૩એમએફ-૨૨૧૫ નંબરનું એક્ટીવા કબ્જે કર્યા હતાં.
જે ત્રણ શખ્સ પકડાયા તેણે પુછતાછમાં પોતાના નામ અલ્ફાઝ ફિરોઝભાઇ ગોરી (ઉ.વ.૨૩-રિક્ષા ડ્રાઇવર, રહે. રેયા ગામ સ્મશાન સામે મફતીયાપરા), અમીરખાં ફિરોઝખાં બ્લોચ (ઉ.વ.૨૫-પ્રાઇવેટ નોકરી, રહે. રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક, શિવપરા-૨) અને યશ ઉર્ફ બીટુ સુરેશભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૨૬-ફુલનો ધંધો, રહે. ગાંધીગ્રામ ભારતીનગર-૪, બંસી કોમ્પલેક્ષ) જણાવ્યા હતાં. ત્રણેયની ધરપકડ કરી પુછતાછ કરવામાં આવતાં કબુલ્યું હતું કે આ દારૂનો જથ્થો રૈયા ગામ સ્મશાન પાસે રહેતાં ફૈઝલ રાજુભાઇ બ્લોચ અને અયોધ્યા ચોક યોગરાજનગરમાં રહેતાં વિનય રાજુભાઇ ઉકેડીયાએ ઉતાર્યો છે. આ બંને હાજર ન હોઇ તેની શોધખોળ હાથ ધરવામાંઆવી છે.
પોલીસના કહેવા મુજબ ઝડપાયેલમાં યશ ઉર્ફ બીટુ અગાઉ ગાંધીગ્રામ પોલીસમાં મારામારી, દારૂના ગુનામાં પકડાયો હતો. જ્યારે સુત્રધાર ફૈઝલ વિરૂધ્ધ અગાઉ ગાંધીગ્રામ, યુનિવર્સિટી પોલીસમાં મારામારી, એટ્રોસીટીના બે ગુના નોંધાયા હતાં. જ્યારે વિનય ઉકેડીયા વિરૂધ્ધ ગાંધીગ્રામ, યુનિવર્સિટી, પ્ર.નગર, લોધીકા પોલીસમાં હત્યા-એટ્રોસીટી, મારામારી-ધમકી, દારૂ, તોડફોડ, જૂગારધારા હેઠળ આઠ ગુના નોંધાઇ ચુક્યા છે. આ બંને ઝડપાયા બાદ દારૂ ક્યાંથી લાવ્યા તેની વિગતો ખુલશે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાની સુચના અનુસાર પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્સ. રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા અને કોન્સ. કુલદીપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી.
(2:10 PM IST)










