તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
મનપા કચેરીમાં જ આપ-પોલીસ વચ્ચે ઝપાઝપી : ડઝનેક કાર્યકરોની અટકાયત
શહેરના તુટેલા રોડ-રસ્તા પ્રશ્ને આમઆદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન

રાજકોટ તા. ૯: શહેરના તુટેલા રોડ રસ્તા અને ખાડાઓ મુદ્દે ખુદ મુખ્યમંત્રીએ તંત્રની ઝાટકણી કર્યા બાદ તમામ વિપક્ષો પણ આ મુદ્દો હાથ ઉપર લઈ વિરોધ પ્રદર્શન સાથે અવનવા કાર્યક્રમો આપી રહ્યા છે.
શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે મહાનગરપાલિકાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે રોડ-રસ્તા મુદ્દે રજૂઆત કરી વિરોધ પ્રદર્શન યોજવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. પરંતુ બપોરે ૧૧ વાગ્યે કાર્યકર્તાઓ ભેગા થતાં જ પોલીસે કાર્યકરોને રજૂઆત કરતા રોકતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં અંતે પોલીસે તમામ કાર્યકર્તાઓને વેનમાં બેસાડી પોલીસ ચોકી ખાતે ધકેલી દેતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં રોષ વ્યાપી ગયો હતો.
શહેરમાં ડીઆઈપાઈપલાઈનની કામગીરી સમયસર પૂર્ણ ન થતાં પેચવર્ક કામ ચોમાસામાં તંત્રએ શરૂ કર્યુ હતું. જેના લીધે તકલાદી કામ થતાં વરસાદી પાણીમાં પેચવર્ક સહિતના રોડ રસ્તાઓ ધોવાઈ ગયા હતાં અને શહેરભરમાં દેકારો બોલી ગયેલ ખાડાઓ મુદ્દે વિપક્ષ તેમજ પ્રજાજનોએ તંત્રને આડેહાથ લીધું હતું.
આ ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચતા અંતે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ યોજી તમામ મહાનગરપાલિકાઓ, પાલિકાઓ, ગ્રામ પંચાયત, હાઈવે ઓથોરીટી સહિતના વિભાગના અધિકારીઓને રોડ રસ્તા મુદ્દે રિતસરના ખખડાવી નબળા કામ કરનાર કોન્ટ્રાક્ટરોને ઘરભેગા કરી લોકોની સમસ્યા તાત્કાલીક હલ થાય તેવા પ્રયત્નો કરવાના આદેશ જારી કરતા છેલ્લા બે દિવસથી મહાનગરપાલિકાનો તમામ સ્ટાફ ૨૪ કલાક ખાડા પુરવાની કામગીરીમાં લાગી ગયો છે.
જેમાં ડે. કમિશનરની અધ્યક્ષતામાં રાત્રીના સમયે ચાલુ વરસાદે પણ ખાડા પુરવાનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે. ત્યારે વિરોધ પક્ષો પણ તંત્રમાં રજૂઆત કરી વિરોધ પ્રદર્શનો યોજી રહ્યા છે.
રોડ રસ્તા મુદ્દે આમ આદમી પાર્ટીએ પણ આજે કોર્પોરેશનમાં આવેદન દેવાનો અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ગોઠવેલ હતો. કચેરી ખુલતા જ આપના જ કાર્યકરો કચેરીમાં એકઠા થઈ થાળી વગાડી વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ હતું. તેમજ શાસકપક્ષ અને તંત્રની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતાં.
પરંતુ આ વિરોધ પ્રદર્શનની અગાઉથી જાણ હોય આજે સેન્ટ્રલઝોન કચેરી ખાતે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ અને વિરોધ પ્રદર્શન ચાલુ થતાં જ પોલીસે આપના કાર્યકરોને રજૂઆત કરતા રોકયા હતાં જેના લીધે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. પરિણામે ૧૨થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૨.૧૯)
(2:58 PM IST)










