<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

એસઓજીએ કાળીપાટથી રાજકોટના રાહીલને ૧૦ કિલો ગાંજા સાથે દબોચ્‍યો : અફીણ-ગાંજા અન્‍ય ૭ પકડાયા

રાજ્‍યભરમાં નશીલા પદાર્થો શોધી કાઢવાની ડ્રાઇવ અંતર્ગત રાજકોટમાં પોલીસની ૬૦ ટીમોએ પાડયા દરોડોઃ ૪૮૮ મેડીકલ સ્‍ટોર, ૮૯૮ પાન-બીડીના ગલ્લા, ૬૮૪ ચાની લારીઓ ચેક કરી : ભક્‍તિનગર પોલીસે ગુંદાવાડીમાંથી એક શખ્‍સને ૪૭૫ રૂપિયાના અફીણ સાથે, બી-ડિવીઝન પોલીસે એકને ૧૫૧ રૂપિયાના ગાંજા સાથે, એલસીબી ઝોન-૧ ટીમે માંડા ડુગર પાસેથી ૬૦૫ રૂપિયાના ગાંજા સાથે એકને, યુનિવર્સિટી પોલીસે રૈયાધારમાંથી એક શખ્‍સને ૪૪૨૦ રૂપિયાના ગાંજા સાથે પકડયો હતો. તાલુકા પોલીસે ૧૬૭૯ રૂપિયાના ગાંજા સાથે એકને પકડયો હતો. પ્ર.નગર પોલીસના હાથે પણ એક શખ્‍સ રૂા. ૬૩૬૦ના ગાંજા સાથે પકડાયો હતોઃ આજીડેમ પોલીસે પ્રતિબંધીત સિગારેટ-તમાકુ પકડયા

રાજકોટ તા. ૧૦: રાજ્‍યભરમાં ગઇકાલે ગૃહમંત્રી અને પોલીસ વડાએ નશાકારક પદાર્થો ઝડપી લેવા અને આ મામલે કડક કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવ યોજના સુચના આપી હોઇ રાજ્‍યભરની પોલીસે ઠેકઠેકાણે દરોડા પાડયા હતાં. રાજ્‍યભરના મેડિકલ સ્‍ટોર્સમાં ખાસ ચેકીંગ કરાયા હતાં અને શાળા કોલેજો નજીક ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ અંતર્ગત રાજકોટ શહેર એસઓજી તેમજ અલગ અલગ પોલીસ સ્‍ટેશનોની ટીમો દ્વારા ખાસ ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં એસઓજીએ કાળીપાટ ગામ નજીકથી કોઠારીયા રોડના શખ્‍સને ૧૦ કિલો ગાજા સાથે પકડયો હતો. જ્‍યારે અન્‍ય પોલીસ સ્‍ટેશનો દ્વારા ગાંજા, અફીણ, પ્રતિબંધીત સિગારેટના કેસ કરવામાં આવ્‍યા હતાં. આવા કુલ કેસમાં કુલ આઠ કેસ થયા છે.

એસઓજીએ દસ કિલો ગાજાનો કેસ કર્યો હતો. જ્‍યારે ભક્‍તિનગર પોલીસે ગુંદાવાડીમાંથી એક શખ્‍સને ૪૭૫ રૂપિયાના અફીણ સાથે, બી-ડિવીઝન પોલીસે ૧૫૧ રૂપિયાના ગાંજા સાથે એકને, એલસીબી ઝોન-૧ ટીમે માંડા ડુગર પાસેથી ૬૦૫ રૂપિયાના ગાંજા સાથે એકને, યુનિવર્સિટી પોલીસે રૈયાધારમાંથી  એક શખ્‍સને ૪૪૨૦ રૂપિયાના ગાંજા સાથે પકડયો હતો. તાલુકા પોલીસે ૧૬૭૯ રૂપિયાના ગાંજા સાથે એકને પકડયો હતો. પ્ર.નગર પોલીસના હાથે પણ એક શખ્‍સ રૂા. ૬૩૬૦ના ગાંજા સાથે પકડાયો હતો. તેમજ આજીડેમ પોલીસે એક શખ્‍સને પ્રતિબંધીત સિગારેટ સાથે પકડયો હતો. 

શહેર એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને અનોપસિંહ ઝાલાની બાતમી પરથી રાજકોટ-ભાવનગર હાઇવે કાળીપાટ ગામ રીંગ રોડ ચોક પાસેથી રાજકોટ કોઠારીયા રોડ ઘનશ્‍યામનગર ખોડિયાર ફેમિલી શોપ સામે જીલ્લાની ટ્રેઇલર પાસે રહેતાં રાહિલ અમીનભાઇ મીનપરા-ઘાંચી (ઉ.વ.૨૨)ને રૂા. ૧,૦૦,૧૪૦ના ૧૦ કિલો ગાંજા સાથે પકડી લીધો હતો.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આ શખ્‍સ અગાઉ કુવાડવા પોલીસના હાથે માદક પદાર્થના કેસમાં પકડાયો હતો અને ગત ડિસેમ્‍બરમાં જેલમાંથી છુટયો હતો. ફરીથી તે ગાંજો વેંચવાના રવાડે ચડયો હતો અને સુરતથી ગાંજો લઇ જંગલેશ્વર તરફ જતો હતો ત્‍યારે કાળીપાટ પાસે પકડી લેવાયો હતો. પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ વિરેન્‍દ્રસિંહ ઝાલા, અરૂણભાઇ બાંભણીયા, હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, હરદેવસિંહ વાળા, કોન્‍સ. અનોપસિંહ ઝાલા, મહિલા કોન્‍સ. મોનાબેન બુસા, ડ્રા.કોન્‍સ. નરપતસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ રહેવરે આ કામગીરી કરી  હતી.

પાનની કેબીનમાં જગદીશ ગાંજો પણ વેંચતો હતો

જ્‍યારે અન્‍ય દરોડામાં બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ જે. આર. સોલંકીની ટીમે ભગવતીપરા આશાબા પીરની દરગાહ પાસે શેરી નં. ૧માં રહેતાં જગદીશ દશરથભાઇ અનેવાડીયા (ઉ.વ.૨૧)ને તેના ઘર નજીક નદી કાંઠે શ્‍યામ પાન નામની કેબીનમાંથી રૂા. ૧૫૧ના ૧૫.૧૬ ગ્રામ ગાંજા સાથે પકડી લીધો હતો. આ શખ્‍સ પાન-મસાલા સાથે ગાંજો પણ વેંચતો હોવાનો પર્દાફાશ થયો હતો.

ગુંદાવાડીમાંથી કાનો અફીણની પડીકી સાથે ઝપટે ચડયો

તેમજ  મેડીકલ સ્‍ટોરમાં દવાની સાથે નશીલા પદાર્થનું વેંચાણ તો નથી થતું ને? તેની તપાસ કરવાની ડ્રાઇવ દરમિયાન ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ એમ. એન. વસાવા સહિતે ગુંદાવાડી શેરી નં. ૧૪/૧૮ના ખુણે રામદેવપીર મંદિર પાસે રહેતાં કાના નારણભાઇ માટીયા (ઉ.વ.૩૨)ને રૂા. ૪૭૫ના ૧૯.૨ ગ્રામ અફીણ સાથે પકડી લીધો હતો.

વાગુદડનો બંટી માંડાડુંગર પાસે ગાંજા સાથે પકડાયો

એલસીબી ઝોન-૧ ટીમના પીએસઆઇ બી. વી. ચુડાસમા અને ટીમ ડ્રાઇવમાં હતી ત્‍યારે બાતમીપરથી આજીડેમથી આગળ માંડા ડુંગર પાસે ભીમરાવનગર-૧૭માં રહેતાં મુળ લોધીકાના વાગુદડના હિતેષ ઉર્ફ બંટી સવજીભાઇ બાબરીયા (ઉ.વ.૩૮)નેરૂા. ૬૦૫ના ૬૦ ગ્રામની વધુના ગાંજા સાથે પકડી લીધો હતો. આ શખ્‍સ મજૂરી કરે છે. તેની વધુ તપાસ આજીડેમ પોલીસે હાથ ધરી હતી.

રૈયાધારમાંથી વૃધ્‍ધની ગાંજા સાથે થઇ ધરપકડ

જ્‍યારે યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ ડી. બી. કારેથા, એએસઆઇ વિરેન્‍દ્રસિંહ ઝાલા સહિતે રૈયાધાર ઝાકીરહુશેન સ્‍કૂલ પાસે જયદાદા પ્રોવીઝનની બાજુના મકાનમાં દરોડો પાડી પ્રવિણ નાનજીભાઇ વાળા (ઉ.વ.૬૦)ને રૂા. ૪૪૨૦ના ગાંજા સાથે પકડી એક મોબાઇલ ફોન પણ કબ્‍જે લીધો હતો અને એનડીપીએસ હેઠળ ગુનો નોંધ્‍યો હતો.

વાવડી કારખાનાના રૂમમાંથી બિહારી ગાંજા સાથે મળ્‍યો

ડ્રાઇવ દરમિયાન તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ. હરિપરા, પીએસઆઇ બી.આર. ભરવાડ, પીએસઆઇ એમ.આઇ. શેખ સહિતે વાવડી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયા રાજ ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનાની ઉપરના માળે ઓરડીમાં દરોડો પાડી અહિ રહેતાં મુળ બિહારના શંકરપુરના ધર્મેન્‍દ્ર યમુનાસિંગ કાળુપ્રસાદ યાદવ (ઉ.વ.૪૨)ને રૂા.૧૬૭૯ના ગાંજા સાથે પકડી મોબાઇલ ફોન પણ કબ્‍જે કર્યો હતો.

નરસંગપરામાંથી જય ૬૩૬ ગ્રામ ગાંજા સાથે પકડાયો

જ્‍યારે જુની કલેક્‍ટર કચેરી નજીક નરસંગપરા મદ્રેસા સામે પ્રાંત અધિકારી-૨ની ઓફિસ પાછળ રહેતાં જય સતિષભાઇ રામાવત (ઉ.વ.૨૧)ને પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ જે. એમ. જાડેજા, આર. કે. ગોહિલ સહિતે રૂા. ૬૩૬૦ના ૬૩૬ ગ્રામ ગાંજા સાથે પકડી મોબાઇલ ફોન પણ કબ્‍જે કર્યો હતો. આ શખ્‍સ મજૂરી કરે છે. પીવા માટે લાવ્‍યાનું રટણ કર્યુ હતું.

રોલેક્ષ રોડ પર દૂકાનમાંથી પ્રતિબંધીત તમાકુ, સિગારેટ સાથે એકની ધરપકડ

તેમજ કોઠારીયા સોલવન્‍ટ બીટ રોલેક્ષ રોડ પર ગણેશ કોમ્‍પલેક્ષ પાસે રવિરાંદલ એજન્‍સીમાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, હેડકોન્‍સ. દેવાંગભાઇ પાલા સહિતે દરોડો પાડતાં સરકારે નક્કી કરેલા તમાકુ ઉત્‍પાદનના વેંચાણના ધારાધોરણનો ભંગ થતો હોઇ રૂા. તમાકુના રૂા. ૩૦૦૦ના ૬૦૦ પાઉચ તથા ચેતવણી વગરની સિગારેટના રૂા. ૮૫૦ના ૧૭ બોક્‍સ શોધી કાઢી દૂકાનદાર કોઠારીયા રોડ ગોપાલ હેરીટેજ-૧માં રહેતાં હરેશ મગનભાઇ રામાણી (ઉ.વ.૩૬) સામે  ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

ખાસ ડ્રાઇવ અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, તમામ ડીસીપી, એસીપીની સુચનાઓ અંતર્ગત અલગ અલગ પોલીસની ૬૦ ટીમોએ દરોડા પાડી ૪૮૮ મેડિકલ સ્‍ટોર, ૮૯૮ પાન-બીડીની દુકાનો અને ૬૮૪ ચાની લારી પર ચેકિંગ કર્યુ હતું. જેમાં એસઓજી દસ કિલો ગાંજો પકડવામાં સફળ રહી હતી. તો અન્‍ય પોલીસ સ્‍ટેશનો દ્વારા પણ ગાંજા, અફીણની પડીકીઓના કેસ થયા હતાં.

શહેરના કેટલાક મેડિકલ સ્‍ટોરમાં પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવાઓનું વેચાણ થાય છે અને અનેક દવા વ્‍યસનીઓ વ્‍યસનમાં ઉપયોગમાં લે છે, આવીપ્રવળત્તિ ડામવા પોલીસમેનને ખાનગી ડ્રેસમાં મેડિકલ સ્‍ટોરમાં મોકલવામાં આવ્‍યા હતા અને તેઓ મોબાઇલમાં લખેલી દવા મેડિકલ સ્‍ટોરના સંચાલકને બતાવતા હતા. મોબાઇલમાં લખેલી દવા પ્રિસ્‍ક્રિપ્‍શન વગર આપી શકાય તેવી ન હોઇ મેડિકલ સ્‍ટોરના સંચાલકોએ આવી દવા ન આપતાં તેઓ બચી ગયા હતાં. શાળા કોલેજના ૧૦૦ મીટરના વર્તુળમાં તંબાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ છે. પોલીસે આવી ૮૯૮ દુકાન તપાસી હતી જેમાંથી ૩૨૪ દુકાનો શાળા કોલેજની નજીક હતી અને ત્‍યાં પ્રતિબંધિત વસ્‍તુનું વેચાણ થતું હતું. પોલીસે આવા ૩૨૪ દુકાનદાર સામે કાર્યવાહી કરી રૂ.૬૪૮૦૦નો દંડ વસૂલ્‍યો હતો. (૧૪.૬)

(3:08 PM IST)