તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
કૈલાશ માનસરોવર યાત્રાઃ તમામ યાત્રાળુ સહીસલામતઃ અશ્વિન દેસાઇ
ખરાબ હવામાન અને બ્રિજ તૂટવા છતાં યાત્રાળુઓ હેમખેમ કૈલાશ માનસરોવર પહોંચ્યાઃ ડાર્ચેનથી કાઠમંડુનો સુરક્ષિત રૂટ પસંદ કરાયો

ચીનમાં આવેલ કૈલાશ સરોવરના તટ ઉપર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાત્રાળુઓનો સમૂહ નજરે પડે છે..
રાજકોટઃ હાલમાં ચાલી રહેલી કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ખરાબ હવામાન, ભારે વરસાદ અને કેટલાક બ્રિજ તૂટવાના બનાવોને કારણે યાત્રાળુઓની સુરક્ષા અંગે ચિંતા વ્યાપી હતી. જોકે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ કૈલાશ માનસરોવર યાત્રાળુઓનો સંપર્ક કરવામાં આવતા રાહતના સમાચાર મળ્યા છે. યાત્રાળુઓએ જણાવ્યું છે કે હાલ તેઓ કૈલાશ માનસરોવર ખાતે હેમખેમ પહોંચી ગયા છે અને તેમને કોઈ પણ જાતની અગવડતા નથી, તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. યાત્રાળુઓની સંપૂર્ણ દેખરેખ જાળવણી કરી રહેલા કેમ્સ-કોર્નરના સીઇઓ-રાજકોટના શ્રી અશ્વિન દેસાઇ (મો.૯૪૨૬૩ ૨૧૦૦૦)એઅકિલાને જણાવેલ કે બધા જ યાત્રાળુઓ ખૂબ જ આનંદમાં છે અને પવિત્ર કૈલાશ માન સરોવરની યાત્રા સંપન્ન કરી પવિત્ર સ્નાન પણ સંપન્ન કર્યુ છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, યાત્રાળુઓએ માહિતી આપી છે કે તેઓ પોતાના નિર્ધારિત શિડ્યુલ મુજબ આગળની યાત્રા પૂરી કરશે. તકેદારીના ભાગરૂપે, તેમણે ડાર્ચેનથી સાગા, નયાલામ, જાંગમો, કોદારી અને ત્યારબાદ કાઠમંડુનો સુરક્ષિત રૂટ પસંદ કર્યો છે, અને ત્યાર પછી તેઓ વતન તરફ પરત ફરશે
જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કૈલાશ માનસરોવર ખાતે ગયેલા રાજકોટ જિલ્લાના તમામ યાત્રીઓ સહી-સલામત છે અને તેઓ કયાંય પણ ફસાયા ન હોવાનું તેમણે જણાવેલું છે. તંત્ર આ તમામ યાત્રીઓના સતત સંપર્કમાં છે અને તેઓ વતન પરત ન ફરે ત્યાં સુધી આ સંપર્ક જાળવી રાખવામાં આવશે તેમ પણ યાદીમાં જણાવાયું છે.(૩૮.૨૪)
(3:33 PM IST)










