તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
વાવડી વિશ્વકર્મા સોસાયટીમાં બિહારના સરબજીતનો નાઇટીથી ફાંસો ખાઇ આપઘાત
છ વર્ષનો પુત્ર શાળાએથી ઘરે આવ્યો ત્યારે પિતા લટકતા મળ્યાઃ પત્નિ કામે ગઇ હતીઃ કારણ અકળઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૦: ગોંડલ રોડ વાવડી વિશ્વકર્મા સોસાયટીમાં રહેતાં સરબજીત લગનભાઇ રામ (ઉ.વ.૩૯) નામના યુવાને સાંજે ઘરમાં પંખામાં પત્નિની નાઇટી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
આપઘાત કરનાર સરબજીત રામ મુળ બિહારનો વતની હતો અને અહિ પરિવાર સાથે રહી ભઠ્ઠીમાં નોકરી કરતો હતો. તેને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. બુધવારે કારખાનામાં રજા હોઇ તે ઘરે હતો. તેની પત્નિ પ્રાઇવેટ કામ કરતી હોઇ તે ગઇકાલે કામે ગઇ હતી અને ત્રણેય સંતાન શાળાએ ભણવા ગયા હતાં.
સાંજે છ વર્ષનો દિકરો શાળાએથી છુટીને ઘરે આવ્યો ત્યારે પિતા દરવાજો ખોલતાં ન હોઇ બારીમાંથી જોતાં તે લટકતાં દેખાતાં દેકારો મચાવતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. તેના પત્નિ નીરમાદેવીને જાણ થતાં તે પણ આવી ગઇ હતી. બેભાન હાલતમાં સરબજીતને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તે ચાર ભાઇ અને ચાર બહેનમાં બીજો હતો. તેના ભાઇએ કહ્યુ઼ હતું કે આપઘાત કરવુ઼ પડે તેવું કોઇ કારણ નહોતું. તાલુકા હેડકોન્સ. ભોજભાઇ મોભ વધુ તપાસ કરે છે.
(4:33 PM IST)










