તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૧૫૧માં વર્ષમાં મંગલ પ્રવેશઃ સ્થાપના ૧૮૭૫, ૯ જુલાઈના રોજ પ્રેમચંદ રાયચંદ નામના ગુજરાતીએ કરી હતી
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં આશરે ૫૫૦૦ કંપનીઓ લીસ્ટેડ છેઃ એશિયાનું સૌથી જૂનું અને પ્રથમ સ્ટોક એક્સચેન્જ છે

રાજકોટ, તા.૧૦: બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના ૯ જુલાઈ ૧૮૭૫ માં થઈ છે. પ્રેમચંદ રાયચંદ નામના ગુજરાતી દ્વારા બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઈ છે. પ્રેમચંદ રાયચંદ કોટન કિંગ તરીકે જાણીતા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જની ગર્ણના એશિયાના પ્રથમ સ્ટોક એક્સચેન્જ તરીકે થાય છે. આશરે ૫૫૦૦ કંપની બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો શેર લીસ્ટેડ છે અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ૫૦% રીટેલ ઇન્વેસ્ટર્સનું હોલ્ડિંગ છે, તો વિદેશી નાણાકીય સંસ્થાઓનું હોલ્ડિંગ આશરે ૨૧.૫૦ ટકા છે. મ્યુચ્યુઅલ ફંડ પણ ૧૩% થી વધુ હોલ્ડિંગ ધરાવે છે. સ્થાનિક નાણાકીય સંસ્થાઓનો હિસ્સો આશરે બે ટકા આસપાસ છે. સૌથી વધુ હિસ્સો એકમાત્ર શેર હોલ્ડર્સ તરીકે સિદ્ધાર્થ બાલચંદ્રન પાસે હોવાનો અહેવાલ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જની રેવન્યુમાં ૮૫% નો ઉછાળો ૨૦૨૪-૨૫ માં જોવા મળ્યો છે. સૌથી જૂની કંપની તરીકે વાડિયા ગ્રુપની કંપનીનાની ગણના થાય છે જેની સ્થાપના ૧૭૩૬ માં થઈ હતી. પ્રથમ મલ્ટીનેશનલ કંપની તરીકે જેની ગણના થઈ છે તે આદિત્ય બિરલા ગ્રુપની ગણતરી થાય છે. સેન્સેક્સ નું ફુલ ફોર્મ એસ.એન્ડ.પી બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેટિવ ઇન્ડેક્સ છે. ટોપ ૩૦ કંપનીઓનો સમાવેશ સેન્સેક્સમાં થાય છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જને આશરે ૧૫૦ વર્ષ પૂરા થાય છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ એ ઘણા ઉતાર-ચઢાવ આ ૧૫૦ વર્ષમાં જોયા છે. ૧૨ માર્ચ ૧૯૯૩ ના રોજ બપોરે ૧:૩૦ વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જ માં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. બોમ્બ બ્લાસ્ટ બિલ્ડીંગના બેઝમેન્ટમાં થયો હતો અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ના ૨૮ માળના બિલ્ડીંગમાં ઘણું બધું નુકસાન થયું હતું. આજુબાજુના બિલ્ડીંગોમાં ઘણું નુકસાન થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઘણા સમય સુધી બંધ રહેલું. આ દિવસે બોમ્બેમાં લોહીની અછત થતા રાજકોટથી શેર બ્રોકરો એ પણ બ્લડ ડોનેટ કરેલું અને દેશભરમાંથી લોહી મુંબઈ પહોંચાડવામાં આવેલું.
આ સિવાય ઘણી બધી લડાઈઓ અને કુદરતી આફતો પણ આ દોઢસો વર્ષમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ એ જોઈ છે. વર્ષો પહેલા બ્રોકરો ભેગા થઈને શેરોના સોદા કરતા હતા. અત્યારની જેમ કોમ્પ્યુટરનો યુગ ન હોવાથી લોકો રાડો પાડીને અને ઇશારાથી કંપનીઓના શેરોના સોદા કરતા. હાથની એક્શન ખૂબ જ મહત્વની હતી. હાથના ઈશારે લીધા- દીધાની ખબર એકબીજા બ્રોકરોને પડી જતી. આ સિસ્ટમ આઉટ ક્રાઈ સિસ્ટમ તરીકે જાણીતી હતી. રાજકોટમાં પણ શેર બ્રોકરો એકઠા થતાં અને આઉટ ક્રાઈ સિસ્ટમથી રાત્રે સોદા કરતા. રાજકોટની શેરબજારોનો સમય રાત્રે ૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધીનો રહેતો, તો કયારે રાત્રે ૨:૦૦ વાગ્યા સુધી સોદા ઓ થતાં. સંપૂર્ણ ભારતભરમાં ફક્ત રાજકોટ જ એવું શહેર છે કે જ્યાં રાત્રિના શેર બ્રોકરો ભેગા મળી સોદાઓ કરતા.
વિશ્વભરમાં જ્યારે કોરોના મહામારી ફેલાયેલી ત્યારે સમગ્ર વિશ્વ બંધ હતું.ત્યારે ભારતના શેરબજારોને ખુલ્લા રાખવામાં આવેલા. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખુલ્લા રહેલા અને કોમોડિટીઝ ના એક્સચેન્જ પણ ખુલ્લા રાખવામાં આવેલા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઘણા કૌભાંડોનો પણ સાક્ષી છે. હર્ષદ મહેતાના વખતે થયેલા કૌભાંડો હોય કે ૨૦૦૭-૦૮ માં આવેલી વૈશ્વિક મંદી હોય, લોકો કયારેય આ ઘટનાઓ ભૂલશે નહીં. આ સિવાય ઘણી રાજકીય ઉથલપાથલ પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જે જોઈ છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર બોમ્બે સ્ટોક એક્સચેન્જ એશિયામાં આગવું સ્થાન ધરાવતું એક્સચેન્જ છે. ગુજરાતીઓનો મોટો ફાળો આ એક્સચેન્જમાં દરેક રીતે છે. શેર રોકાણકારો પણ વધારે ગુજરાતીઓ જ હોય છે. સંકટના સમયમાં એટલે કે બોમ્બ બ્લાસ્ટના સમયેમાં રાજકોટથી ઘણા બ્રોકરો એ તાત્કાલિક બ્લડ ડોનેટ કરી પ્લેનમાં મુંબઈ પહોંચાડવા વ્યવસ્થા કરેલી. આ સમયે પ્રથમ વખત મેં પણ બ્લડ ડોનેટ કરેલું. બધા જ રોકાણકારો અને દરેક લોકોને બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૧૫૧ માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે અભિનંદન
(3:37 PM IST)










