<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

શહેરના નવા વિસ્‍તારો બનશે પાણીદારઃ સમસ્‍યાનો અંત

ન્‍યારી-૧ ડેમ ખાતે ૧૧૭ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ બનશેઃ ૧૫૦ એમએલડીની ક્ષમતા

રાજકોટ તા.૧૦: મનપાની હદમાં નવા ભળેલા વિસ્‍તારોમાં પાણી સમસ્‍યાનો અંત આવશે. કેમ કે, ન્‍યારી ડેમ ખાતે ૧૧૭ કરોડના ખર્ચે ૧૫૦ એમએલડી ક્ષમતાનો ટ્રિટમેન્‍ટ વોટર પ્‍લાન્‍ટ બનાવવા ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યું છે.

આ અંગે મનપાના સતાવર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વેસ્‍ટઝોનમાં કાલાવડ રોડ તેમજ જામનગર રોડ તરફના વિસ્‍તારોમાં સતત વિકાસ થઈ રહ્યો છે. હાલની સ્‍થિતિએ મહાનગરપાલિકા દ્વારા શહેરની અંદાજે ૫.૩૦ લાખ મિલ્‍કતોને દરરોજ ૨૦ મીનીટ પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. જેના માટેના જળસ્ત્રોત મર્યાદિત હોવાથી તેમજ પાણી સપ્‍લાય કરવા માટે ફિલ્‍ટરેશન સહિતની પ્રક્રિયામાં પણ સમય લાગતો હોય છે. આ તમામ પરિસ્‍થિતિના આગોતરા આયોજન પેટે હવે ઈસ્‍ટઝોન, વેસ્‍ટઝોન અને સેન્‍ટ્રલઝોનમાં નવા ઈએસઆર, જીએસઆર અને વોટરટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં સૌપ્રથમ ઝડપથી વિક્‍સિ રહેલા વેસ્‍ટઝોનના મોટાભાગના નવા વિસ્‍તારોને તેમજ રાજકોટ મહાનગરપલિકાની હદમાં ભળેલા માધાપર-મુંજકા, મોટામૈવા, મનહરપુર-૧ અને ઘંટેશ્વર ગામને પીવાનું પાણી પુરુ પાડવા માટે હાલ પાઈપલાઈન નાખવા સહિતની પ્રક્રિયા પૂર્ણ થવામાં  છે. છતાં દરરોજ ૨૦ મીનીટ પુરતા ફોર્સથી પાણી મળી રહે તે માટે વધુ પાણી ટ્રીટ કરવું જરૂરી બન્‍યું છે. જેના માટે ન્‍યારી-૧ ડેમ ખાતે ૧૫૦ એમએલડીનો વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, તેમજ ઈએસઆર, જીએસઆર સહિતનો પ્રોજેક્‍ટ તૈયાર કરવામાં આવશે.

ન્‍યારી ડેમ ખાતે ૧૫૦ એમએલડીની ક્ષમતાનો વોટરટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ બનાવવા માટે રૂા. ૧૧૭ કરોડનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્‍યો છે. આ સ્‍થળ ઉપર પ્રથમ સંપ તૈયાર કર્યા બાદ ઈએસઆર અને જીએસઆર તેમજ અન્‍ય પ્રોજેક્‍ટની કામગીરી હાથ ધરાશે. ન્‍યારી ડેમમાંથી ઉપાડવામાં આવતુ પાણી ઉપરાંત વધારાનું ૧૫૦ એમએલડી પાણીને ટ્રીટ કરવામાં આવશે. જેનું વિતરણ હાલમાં ટેન્‍કરો દોડાવામાં આવી રહ્યા છે. તેવા વિસ્‍તારો તેમજ નવી તૈયાર થનાર સોસાયટીઓ અને હાઈરાઈઝ બિલ્‍ડીંગોમાં આ પાણી સપ્‍લાય કરવામાં આવશે તેવી જ રીતે ટેક્રિકલ કારણોસર કોઈપણ ઝોન વિસ્‍તારમાં પાણી વિતરણ શકય ન હોય ત્‍યારે એક્‍સપ્રેસ ફિડર લાઈન મારફતે અન્‍ય ઝોનમાં પાણી પહોંચાડવાની વ્‍યવસ્‍થા પણ ઉભી કરવામાં આવશે

(4:35 PM IST)