News of Friday, 11th July 2025
બપોરે ઘરેથી નીકળી ગયેલા માટેલ સોસાયટીના નવીન સુદ્રાએ રાતે ટ્રેન હેઠળ પડતું મુકતાં મોત
મહિલા કોલેજ અન્ડર બ્રીજ ઉપર ચબુતરા પાસે રાત્રીના બનાવ અકળ કારણે આત્મહત્યા કરી લીધાની શક્યતાઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૧: શહેરના મહિલા કોલેજ અન્ડર બ્રિજ ઉપર ચબુતરા નજીક રાતે ટ્રેનની ઠોકરે ચડતાં એક યુવાનનું મોત થયું હતું. પોલીસ તપાસમાં આ યુવાન મવડી રોડ માટેલ સોસાયટીમાં રહેતો હોવાનું અને બપોરે ઘરેથી નીકળ્યા બાદ રાતે તેણે ટ્રેનના પાટે જિંદગી ટુંકાવ્યાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ રાતે પોણા અગીયારેક વાગ્યે આમ્રપાલી ફાટકથી ભક્તિનગર રેલ્વે સ્ટેશન વચ્ચેના ટ્રેક પર મહિલા કોલેજ અન્ડર બ્રીજથી આગળ ચબુતરા સામે એક યુવાન ટ્રેનની ઠોકરે આવતાં કમકમાટીભર્યુ મોત થયું હતું.
બનાવની જાણ રેલ્વે પોલીસ સ્ટેશનના એએસઆઇ કમલશેભાઇએ કરતાં માલવીયા નગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. કે. જી. ઝાલા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસમાં મૃતકની ઓળખ થઇ હતી. આ યુવાન મવડી બાપા સિતારામ ચોકમાં આવેલી માટેલ સોસાયટી-૧માં રહેતો નિતીનભાઇ કાંતિભાઇ સુદ્રા (ઉ.વ.૨૭) હોવાનું ખુલતાં તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર નિતીનભાઇ બે ભાઇ અને અકે બહેનમાં નાનો તથા અપરિણીત હતો અને ફર્નિચર કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.
પરિવારજનોના કહેવા મુજબ આવુ પગલુ ભરવું પડે તેવુ કોઇ દેખીતું કારણ નહોતું. પોલીસે આ અંગે તપાસ યથાવત રાખી હતી. બનાવને પગલે સુદ્રા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(2:48 PM IST)










