News of Friday, 11th July 2025
નરેશભાઈએ દિવ્યાંગ બાળકો સાથે ઉજવ્યો ૬૦મો જન્મદિવસઃ સેવા, સમર્પણ અને સંવેદનાનો ત્રિવેણી સંગમ
૨૫૦ જેટલા દીકરા-દીકરીઓની જે રીતે સાર-સંભાળ રાખવામાં આવી રહી છે તે બદલ સમગ્ર ટ્રસ્ટી મંડળને મારા લાખ લાખ વંદન અને અભિનંદન


રાજકોટ : જીવનના ૬૬૦મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા શ્રી નરેશભાઈ પટેલે પોતાનો જન્મદિવસ ભૌતિક આડંબરથી દૂર રહી, આધ્યાત્મિક ઉન્નતિ અને સમાજ સેવાના ઉત્તમ માર્ગે ઉજવી એક નવો ચીલો ચાતર્યો છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને શ્રી નરેશભાઈ પટેલના મિત્રમંડળ દ્વારા આ વર્ષે તેમના ૬૦મા જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગો અને દિવ્યાંગોની ૮૦ જેટલી સંસ્થાઓમાં વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરીને કરવામાં આવી, જે ખરા અર્થમાં ‘જીવ સેવા એ જ શિવ સેવા' ના સૂત્રને ચરિતાર્થ કરે છે.
આંતરરાષ્ટ્રીય ફલક પર સેવાકીય કાર્યોઃ તા. ૧૧ જુલાઈના રોજ સેવાભાવનાને વરેલા શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યોનું વિસ્તરણ માત્ર ગુજરાત પૂરતું સીમિત ન રહેતા, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પહોંચ્યું. વિદેશની ધરતી પર નૈરોબી, ગુજરાત બહાર ચેન્નઈ, પુણે અને મુંબઈ, આ ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓ-તાલુકાઓમાં આવેલા મનોદિવ્યાંગો અને દિવ્યાંગોના આશ્રમમાં અનેકવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા. આ અનોખી ઉજવણી મનોદિવ્યાંગો/દિવ્યાંગોના કલ્યાણ અને ઉત્થાન અર્થે સમર્પિત હતી.
પોતાના ૬૦મા જન્મદિવસની ઉજવણી માટે શ્રી નરેશભાઈ પટેલ રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલી શ્રી અને શ્રીમતિ છ.શા. વિરાણી બહેરા-મૂંગા શાળા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે નિર્દોષ બાળકો સાથે સમય વિતાવી, તેમના ચહેરા પર ખુશીની લહેર પ્રસરાવી. આ અવસરે શ્રી નરેશભાઈ પટેલના હસ્તે શાળાના તમામ બાળકોને બેગ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલ અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓએ શાળાના પ્રમુખ, મંત્રી, ખજાનચી સહિતના તમામ હોદ્દેદારો અને ટ્રસ્ટીશ્રીઓને ખોડલધામનો ખેસ પહેરાવી, મા ખોડલની પ્રતિમા અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. વળતા પ્રત્યુત્તરમાં શાળાના ટ્રસ્ટીશ્રીઓએ પણ શ્રી નરેશભાઈ પટેલને સૂતરની આંટી પહેરાવી સન્માનિત કરી જન્મદિવસની શુભકામના પાઠવી હતી.
શ્રી અને શ્રીમતિ છ.શા. વિરાણી બહેરા-મૂંગા શાળામાં જન્મદિવસની ઉજવણી -સંગે શ્રી નરેશભાઈ પટેલે ભાવવિભોર થઈને જણાવ્યું હતું કે, ‘વર્ષ ૧૯૬૨ માં દોશી સાહેબે શરૂ કરેલી અને હાલ રજનીભાઈ બાવીશીના નેતળત્વમાં ચાલતી આ સંસ્થામાં ૨૫૦ જેટલા દીકરા-દીકરીઓની જે રીતે સાર-સંભાળ રાખવામાં આવી રહી છે તે બદલ સમગ્ર ટ્રસ્ટી મંડળને મારા લાખ લાખ વંદન અને અભિનંદન. આ સંસ્થાની પવિત્ર જગ્યામાં આવીને આજે મને જન્મદિવસ ઉજવવાનો મોકો મળ્યો તેની મને ખૂબ ખુશી છે. મારા જીવનના આ ૬૦ વર્ષના પ્રવાસમાં મારો પરિવાર, મિત્ર મંડળ, સામાજિક આગેવાનો, સૌ મુરબ્બીઓનો જે પ્રેમ અને હુંફ મળી છે તે બદલ સૌનો આભારી છું. આપના તરફથી ૬૦ વર્ષમાં મને ખૂબ જ પ્રેમ અને લાગણી મળી છે. આજે મારા જન્મદિવસ નિમિત્તે દેશ-વિદેશની ૮૦ જેટલી સંસ્થાઓમાં સેવાકીય કાર્યો હાથ ધરાયા છે તે બદલ સૌ આયોજકોનો હું આભાર વ્યક્ત કરું છું.'
આજે ૧૧ જુલાઈના રોજ મનોદિવ્યાંગો અને દિવ્યાંગોની રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, ભરૂચ, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, મેંદરડા, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, પોરબંદર, વડોદરા, મોરબી, ભુજ, બોટાદ, મહેસાણા, તાપી, નર્મદા, અરવલ્લી, સાબરકાંઠા, ગુજરાત બહાર પુણે, મુંબઈ અને ચેન્નઈ, તેમજ વિદેશમાં કેન્યાના નૈરોબી સહિતના સ્થળોએ ૮૦ જેટલી સંસ્થાઓમાં શ્રી ખોડલધામની સ્થાનિક ટીમે જઈને સંસ્થામાં આશ્રય લઈ રહેલા બાળકો, વડીલો, દીકરા-દીકરીઓને જરૂરિયાત મુજબની વસ્તુઓનું વિતરણ કર્યું હતું. જેમાં ભોજન, સ્કૂલબેગ વિતરણ, સ્ટેશનરી વિતરણ, યુનિફોર્મ વિતરણ, કરિયાણું, આશ્રમમાં ઉપયોગમાં લેવાતી ટીવી, ફ્રિઝ, કોમ્પ્યુટર, સાબુ, તેલ, બેડશીટ, ધાબળા, ચાદર, રેઈનકોટ, છત્રી સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉજવણીથી સંસ્થાઓમાં આશ્રય લઈ રહેલા બાળકો અને વડીલોના ચહેરા પર એક અનોખી ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો.
શ્રી નરેશભાઈ પટેલનું આ કાર્ય સમાજ પ્રત્યેની તેમની ઉંડી સંવેદનશીલતા, નિસ્વાર્થ સેવાભાવના અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતિક છે. તેમણે વંચિતો અને જરૂરિયાતમંદ વર્ગો માટે કાર્ય કરવાનો જે નિર્ધાર કર્યો છે, તે ખરેખર અનુકરણીય છે.
(3:11 PM IST)










