News of Friday, 11th July 2025
લોકમેળો રાઇડ વગર ફિકકો બની જશેઃ તંત્ર મચક આપતુ નથીઃ રાઇડ માલીકો આગળ વધતા નથી
માત્ર ર૭ ફોર્મ ભરાયા છેઃ રાઇડનું તો એકપણ ફોર્મ નથીઃ આજે ગાંધીનગરમાં ફરી બેઠક : કલેકટરે રિવાઇઝડ પ્લાન અંગે બેઠક યોજીઃ મેળામાં જમાવટ કરાવવા તંત્રની દોડધામ...

રાજકોટ તા. ૧૧ :.. રેસકોર્સ મેદાન ખાતે દર વર્ષે યોજાતા લોકમેળા પર આ વખતે સહિતના કારણે વિવાદ વકર્યો છે. રાઇડ્સ સંચાલકો દ્વારા SOPના કડક નિયમોના વિરોધમાં મેળાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગઇકાલે સાંજ સુધીમાં માત્ર ૨૭ ફોર્મ ભરાઈને પરત આવ્યા હતા, જ્યારે ૧૩૫ જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા હોવા છતાં, કોઈ પણ ફોર્મ ભર્યા નથી, રાઇડનું તો એક પણ ફોર્મ ભરાયું નથી.
ગઈકાલે રાઇડ્સ સંચાલકોએ મુખ્યમંત્રીના સચિવ સાથે મુલાકાત કરી હતી, પરંતુ તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. આજે પણ યાંત્રિક વિભાગના સચિવ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ રાઇડ્સ સંચાલકોને ત્યાંથી પણ કોઈ સંતોષકારક જવાબ મળે તેવી શકયતા છે.
બીજી તરફ, લોકમેળા સમિતિ દ્વારા મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે કલેક્ટરે લોકમેળા અંગે અધિકારીઓને બોલાવ્યા હતા, આ બેઠકમાં રિવાઇઝ્ડ પ્લાન અંગે વિસ્તળત ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, અન્ય સ્ટોલ ધારકોને લોકમેળામાં ફોર્મ ભરવા માટે કઈ રીતે પ્રોત્સાહિત કરવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર તંત્ર મેળાની જમાવટ થાય તે માટે ભારે દોડધામ કરી રહ્યું છે.
(3:17 PM IST)










