News of Friday, 11th July 2025
રાજકોટમાં કોંગ્રેસે FRC કમિટીનુ બેસણું યોજીને શ્રદ્ધાંજલિઃ તાળાબંધીની ચિમકીઃ તાત્કાલીક ચેરમેનની નિમણુંક કરવા માંગ
ફી નિયંત્રણ સમિતિ રાજકોટ ઝોનના ચેરમેનની છ માસથી ખાલી જગ્યા મામલે : સૌરાષ્ટ્ર ઝોનની સમિતિમાં ૫ મહિનાથી ચેરમેનની નિમણુંક બાકી હોવાથી ૬૫૦ સ્કૂલોની ફી નિયમન અટકયું: ફી નિયમન સમિતિના હાડપિંજરના ફોટાને અગરબત્તી કરી

રાજકોટ તા.૧૧: રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિ આવેલી છે. જેમાં રાજકોટ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ એમ ૧૧ જિલ્લાની ૫૦૦૦થી વધુ ખાનગી શાળાઓની ફી નક્કી થાય છે. હાલ ચેરમેનની જગ્યા છેલ્લા ૫ મહીનાથી ખાલી છે. જેના કારણે સૌરાષ્ટ્રની ૬૫૦ સ્કૂલોની ફી વધારા માટે નિર્ણય અટકેલો હોવાનું સામે આવ્યું છે જેની સીધી અસર સૌરાષ્ટ્રના ૨ લાખ કરતા વધુ વાલીઓ પર જોવા મળી રહી છે. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ પી.જે.અગ્રાવત દ્વારા ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યા બાદ હજુ સુધી નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી. આ મામલે આજે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં FRC કમિટીનું બેસણું કરવામાં આવ્યું હતું અને ફી નિયમન સમિતિના હાડપિંજર સમક્ષ અગરબત્તી કરી તેને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સામાન્ય રીતે શ્રદ્ધાસુમન પુષ્પો અર્પીને કરવામા આવતો હોય છે પરંતુ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ખોટી ચલણી નોટો અર્પીને શ્રદ્ધાંજલિ અર્પી અનોખો વિરોધ કરવામા આવ્યો હતો. આ વિરોધનો હેતુ છે કે સરકાર આ સમસ્યાને ગંભીરતાથી લઇ તાત્કાલિક નવા ચેરમેનની નિયુક્તિ કરે અને વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપે તે છે.
સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા અને રાજકોટના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિમાં ચેરમેનની જગ્યા છેલ્લા ૫ માસથી ખાલી છે. જેને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ૬૫૦ થી વધુ શાળાઓની ફી અટકી પડી છે જેથી અમે આજે અહીં ફી નિયમન સમિતિની કચેરી ખાતે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે. જેમાં ફી નિયમન સમિતિનું બેસણું ગોઠવવામાં આવ્યું હતુ. જેમાં FRC કમિટીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.
રોહિતસિંહે જણાવ્યું હતુ કે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કે રાજકોટ ઝોનના જે ચેરમેન હતા તેમણે ફેબ્રુઆરી ૨૦૨૫માં કોઈ કારણોસર રાજીનામું આપી દીધું હતું.જેથી આ ખાનગી શાળાઓ માટે ‘‘સોનાનો સમય'' સાબિત થયો છે. ઘણા શાળાઓ પોતાના મનમાની ફી ઉઘરાવે છે અને વાલીઓની ફરિયાદને કોઇ સાંભળતું નથી. સ્કૂલો ખોટા ખર્ચા બતાવીને અને કેટલાક ચાર્ટેડ એકાઉન્ટન્ટના સહયોગથી ખોટા ખર્ચાઓ દર્શાવીને પોતાની મનગમતી ફી મંજૂર કરાવી લે છે. કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે રાજ્યસરકારનો શિક્ષણવિભાગ જાણીજોઈને ખાનગી શાળાઓને ખટાવવા માટે જ ચેરમેનની નિમણૂક કરતી નથી જેથી સ્કૂલો પોતાની મનમાની મુજબ ફીના ઉઘરાણા કરી શકે.
આ કાર્યક્રમમા કોંગ્રેસ વિદ્યાર્થીઓ પ્રતિનિધિ રોહિતસિંહ રાજપુત, રણજીત મુંધવા, મયુર શાહ, યશ ભિંડોરા, જીત સોની, પ્રશીલ રાજદેવ, રોનક રવૈયા સહિત જોડાયા હતા.
(3:38 PM IST)










