News of Friday, 11th July 2025
રૈયાધારના વૃધ્ધ મનસુખભાઇને દોહિત્ર હર્ષે પતાવી દીધા'તા
અમદાવાદ સોલામાં ૧૨ લાખની ચોરીમાં ઝડપાતાં હર્ષે ગિરવે મુકેલા દાગીના છોડાવવા તેના પિતાએ આઠ લાખ પોતાની રીતે અને ૪ લાખ સસરા મનસુખભાઇ પાસેથી લઇને ચુકવણું કર્યુ હતું: આ નાણાની ઉઘરાણી માટે નાનાજી મેણા મારતાં હોઇ અને બીજી રકમનું વ્યાજ પણ માંગતા હોઇ હર્ષે હત્યા કર્યાનું ખુલ્યું :સળીયા જેવા પદાર્થના ઘા ફટકારી પેટ્રોલથી લાશ સળગાવી ઘરે જઇ સુઇ ગયો'તોઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇના માર્ગદર્શનમાં પીઆઇ એચ. એન. પટેલ, એલસીબી પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમોની ભારે મહેનત બાદ ભેદ ખુલ્યોઃ કોઠારીયા રોડ પર રહેતાં હર્ષ બિપીન સોલંકીની વિસ્તૃત પુછતાછ

રાજકોટ તા.૯: શહેરના રૈયાધાર શાંતિનગરના ગેઇટ સામે મોમાઇનગર-૩ મફતીયાપરામાં રહેતાં મનસુખભાઇ આણંદજીભાઇ ટાંક (ઉ.વ.૭૩) નામના કડીયા કુંભાર વૃધ્ધની હત્યાનો ભેદ અંતે ખુલી ગયો છે. આ વૃધ્ધને કોઠારીયા રોડ પર રહેતાં તેની જ દિકરીના દિકરા એટલે કે દોહિત્ર હર્ષ બિપીનભાઇ સોલંકી (ઉ.વ.૨૧)એ સળીયા કે બોથડ પદાર્થના ઘા ફટકારી પતાવી દીધા બાદ લાશને પેટ્રોલથી સળગાવી દીધાનું ખુલ્યું છે. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સીધી દેખરેખ હેઠળ થયેલી તપાસમાં આ રહસ્ય ઉકેલાયુ છે. આરોપી હર્ષની યુનિવર્સિટી પોલીસ, એલસીબી ઝોન-૨ દ્વારા વિસ્તૃત પુછપરછ થઇ રહી છે.
ભારે રહસ્ય સર્જનારી આ ઘટનામાં ભારે મહેનતને અંતે પોલીસને ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે વૃધ્ધ મનસુખભાઇ ટાંકની હત્યામાં તેના જ દોહિત્ર હર્ષ સોલંકીને સકંજામાં લઇ વિસ્તૃત ઢબે પુછતાછ કરતાં તેણે સમગ્ર વિગતો ઓકી હતી અને હત્યા કબુલી હતી. ડીસીપીશ્રી જગદીશ બાંગરવાએ જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનેલા મનસુખભાઇના જમાઇ બિપીનભાઇ સોલંકી કે જે કોઠારીયા રોડ પર રહે છે તેનો દિકરો હર્ષ સોલંકી અમદાવાદ સોલામાં ૧૨ લાખના દાગીનાની ચોરીમાં ઝડપાઇ ગયો હતો. હર્ષે આ દાગીનાની ચોરી કરી ગીરવે મુકી દીધા હતાં. બાદમાં પોલીસે ભેદ ઉકેલી હર્ષને પકડતાં બાર લાખનો મુદ્દામાલ રજૂ કરવાનો થયો હતો.
જે તે વખતે હર્ષના પિતાએ આઠેક લાખ પોતાની રીતે એકઠા કર્યા હતાં અને બાકીના ચાર લાખ તેણે સસરા (હત્યાનો ભોગ બનેલા) મનસુખભાઇ ટાંક પાસેથી લીધા હતાં. આ રકમ હજુ સુધી મનસુખભાઇને પાછી આપી ન હોઇ તે ઉઘરાણી માટે મેણા મારતાં હતાં. વળી અમુક રકમનું વ્યાજ પણ લેતાં હતાં. આ કારણે બિપીનભાઇનો પુત્ર હર્ષ રોષે ભરાયો હતો અને પેટ્રોલ લઇને નાનાજીના ઘરે એ રાતે પહોંચી ગયો હતો. જ્યાં તેણે નાનજી મનસુખભાઇ ઉપર સળીયા જેવા બોથડ પદાર્થથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દઇ બાદમાં લાશને પેટ્રોલથી સળગાવી દીધી હતી અને ઘરે જતો રહ્યો હતો.
હત્યાની આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસે હત્યાનો ભોગ બનેલા મનસુખભાઇ ટાંકના જમાઇ કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ કૈલાસ પાર્ક-૩માં રહેતાં અને કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં તેમના જમાઇ દયાળજીભાઇ બેચરભાઇ વાઘેલાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ બીએનએસની કલમ ૧૦૩ (૧), ૩૩૨ (સી), ૨૩૮ (એ) તથા જીપીએક્ટ ૧૩૫ મુજબ મનસુખભાઇના ઘરમાં પ્રવેશી અજાણ્યા શખ્સે તેમને માથામં કોઇ હથીયારથી ઘા ફટકારી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી બાદમાં લાશને સળગાવી દેવાનો પ્રયાસ કરી પુરાવાનો નાશ કરવા અંગે ગુનો નોંધ્યો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અને ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા તથા એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એચ. એન. પટેલ અને ડી. સ્ટાફ ટીમે તપાસ શરૂ કરી હતી. સાથે એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને તેમની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. અંતે ભેદ ઉકેલાઇ જતાં પોલીસે હાશકારો અનુભવ્યો છે. હર્ષ સોલંકીની હજુ વિસ્તૃત પુછપરછ થઇ રહી છે.
(3:43 PM IST)










