News of Friday, 11th July 2025
મોરબી જિલ્લામાં ત્રણ મહત્ત્વપૂર્ણ બ્રિજ પર ભારે વાહનોનો પ્રતિબંધ : માળિયા, વાંકાનેર અને ટીકર રોડના પુલની સુરક્ષા માટે તંત્રનો નિર્ણય!
માળિયા-પીપળીયા સ્ટેટ હાઇવે અને વાંકાનેર-કુવાડવા રોડ પરના મેજર બ્રિજ પર ભારે વાહનો બંધ : ધાંગધ્રા-કુડા-ટીકર રોડ પર રેતીના ટ્રકો સહિતના ભારે વાહનો પર પ્રતિબંધ : વૈકલ્પિક રૂટ જાહેર

રાજકોટ : મોરબી જિલ્લામાં પુલોની સલામતી અને માર્ગ સુવિધાઓ જાળવી રાખવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા આજે ત્રણ અલગ-અલગ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)બી હેઠળ બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાઓ દ્વારા જિલ્લાના ત્રણ મહત્ત્વપૂર્ણ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને વૈકલ્પિક માર્ગો પણ સૂચવવામાં આવ્યા છે. આ નિર્ણય પુલોની સુરક્ષા અને માળખાકીય અખંડિતતા જાળવવા માટે લેવામાં આવ્યો છે.
૧. માળિયા-પીપળીયા સ્ટેટ હાઈવે પરના પુલ પર પ્રતિબંધ:
કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), મોરબીની દરખાસ્ત અને મોરબી પોલીસ અધિક્ષકના હકારાત્મક અભિપ્રાય બાદ આ જાહેરનામું બહાર પડાયું છે. માળિયા-પીપળીયા સ્ટેટ હાઇવે પર માળિયા ગામ પાસે આવેલા મેજર પુલની ડીઝાઇન ટીમ દ્વારા મુલાકાત લેવાવાની હોવાથી અને ફાઇનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ પુલ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વૈકલ્પિક રસ્તા:
* જામનગર જવા માટે (અમદાવાદ/કચ્છ તરફથી આવતા વાહન): માળિયાથી પીપળીયાના હાલના રસ્તાને બદલે, વાહનચાલકોએ માળિયા થી મોરબી-ટંકારા-આમરણ-ધ્રોલ-લતીપર વાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
* માળિયા/કચ્છ જવા માટે (જામનગર/આમરણ તરફથી આવતા વાહન): વાહનચાલકોએ પીપળીયા ચાર રસ્તા થી મોરબી થઇને માળિયા/કચ્છ તરફ જઈ શકાશે.
૨. વાંકાનેર-કુવાડવા રોડ પરના મેજર બ્રિજ પર પ્રતિબંધ:
મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા વાંકાનેર કુવાડવા રોડ પર કિ.મી. ૧૦/૬૦૦ થી ૧૦/૮૦૦ વચ્ચે આવેલા મેજર બ્રિજ પરથી ભારે ટ્રકો કે અન્ય ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ નિર્ણય પણ કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), મોરબીની દરખાસ્ત અને પોલીસ અધિક્ષક, મોરબીના અભિપ્રાયને આધારે લેવાયો છે.
વૈકલ્પિક રસ્તા:
* વાંકાનેર તરફ જવા માટે (રાજકોટ તરફથી આવતા વાહન): બ્રિજના ડાઉન સ્ટ્રીમમાં આવેલા ડાયવર્ઝન પરથી વાંકાનેર તરફ જઈ શકાશે.
* રાજકોટ તરફ જવા માટે (વાંકાનેર તરફથી આવતા વાહન): બ્રિજના ડાઉન સ્ટ્રીમમાં આવેલા ડાયવર્ઝન પરથી રાજકોટ તરફ જઈ શકાશે.
૩. ધાંગધ્રા-કુડા-ટીકર રોડ પરના મેજર બ્રિજ પર પ્રતિબંધ:
ધાંગધ્રા કુડા ટીકર રોડ પર કિ.મી. ૫૦/૦૦ થી ૫૧/૦૦ વચ્ચે આવેલા મેજર બ્રિજ પરથી રેતીના ટ્રકો કે અન્ય ભારે વાહનોના સતત પસાર થવાથી બ્રિજને નુકસાન થવાની સંભાવના છે. આ બ્રિજના મંજૂર થયેલા રિપેરિંગ અને સ્લેબ રિકાસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બ્રિજ પરથી રેતીના ટ્રકો સહિતના અન્ય ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વૈકલ્પિક રસ્તા:
* માધવનગર જવા માટે (હળવદ તરફથી આવતા વાહન): વાહનચાલકોએ ટીકર ગામ થઇને માધવનગર જઈ શકાશે.
* હળવદ જવા માટે (માધવનગર તરફથી આવતા વાહન): વાહનચાલકોએ ટીકર ગામ થઇને હળવદ જઈ શકાશે.
સામાન્ય જોગવાઈઓ અને શિક્ષા:
ત્રણેય જાહેરનામાઓમાં સ્પષ્ટ કરાયું છે કે, જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી મેળવેલા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાઓ આજથી અમલમાં આવ્યા છે અને અન્ય કોઈ જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી ચાલુ રહેશે. વાહનચાલકોને જાહેર કરાયેલા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
(10:01 PM IST)










