News of Friday, 11th July 2025
રાજકોટની જૂની અને જાણીતી મોટી પેઢીના પાંચ ડિરેક્ટર્સ દ્વારા અધધધ ૨૮ કરોડ ૨૦ લાખનો ટેક્સ ન ભરી સરકાર સાથે છેતરપીંડી કર્યાનો ગુનો: વેરા અધિકારીએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી

રાજકોટઃ શહેરની ખૂબ જૂની જાણીતી અને મોટી એવી ટ્રાવેલ્સ સાથે સંકળાયેલી પેઢીના પાંચ ડિરેક્ટર્સ વિરૂધ્ધ કરોડોની વેટ ચોરી બદલ છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો વેરા અધિકારી દ્વારા ડીસીબી પોલીસ સ્ટેશનનમાં દાખલ કરાવામાં આવતાં ચકચાર મચી છે.
આ બારામાં રેસકોર્સ રિંગ રોડ પર આવેલી સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરીના રાજ્ય વેરા અધિકારીશ્રી સંદિપભાઈ ભીમાભાઇ ચાવડાની ફરિયાદ પરથી પેઢીના પાંચ ડિરેક્ટર્સ વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ- ૩૧૬ (૨) તથા ગુજરાત મુલ્યવર્ધિત વેરા અધિનિયમ-૨૦૦૩ની કલમ-૮૫(૧)(જ), ૮૬(૨) તેમજ કેન્દ્રીય વેચાણવેરા અધિનિયમ-૧૯૫૬
ની કલમ-૯ (૨) મુજબ પેઢીના ડિરેક્ટર્સ દ્વારા રૂ. ૨૮,૨૦,૯૦,૪૨૩ તથા આજદિન સુધીના ચડત વ્યાજ સહિતની રકમ ટેકસ રૂપે સરકારશ્રીમાં નહી ભરી સરકારશ્રી સાથે છેંતરપિંડી, વિશ્વાસઘાત કરી ગુન્હો કર્યાનો આરોપ મુકાયો છે.
ફરિયાદમાં આરોપ મુકાયો છે કે ગોંડલ રોડ, બાયપાસ સર્કલ પાસે આવેલી પેઢી વેટ કાયદા તથા સીએસટી કાયદા મુજબ નોંધણી થયેલ હોઇ જે કંપનીએ વેરા રૂપે નાણાકીય વર્ષ સને ૨૦૦૮-૦૯ થી સને- ૨૦૧૪-૨૦૧૫ના વર્ષનો આકરણી વેરો જે ગુજરાત સરકારશ્રીમાં ભરવાના થતો વેટ રૂા. ૨૮,૧૦,૪૮,૦૩૫ તથા કેન્દ્ર સરકારનો ભરવાનો થતો સી.એસ.ટી.ની રકમ રૂા. ૧૦,૪૨,૩૮૮ મળી કુલ રૂપિયા ૨૮,૨૦,૯૦,૪૨૩ તથા આજદિન સુધીના ચડત વ્યાજ સહિતની રકમ ટેકસ રૂપે સરકારશ્રીમાં નહી ભરી સરકારશ્રી સાથે છેંતરપિંડી, વિશ્વાસઘાત કરેલ છે. વેપારી દ્વારા સરકારશ્રીનાં બાકી લેણાં તિજોરીમાં જમા ન કરાવી સરકારી વેરાની ઉચાપત તેમજ સરકારશ્રી સાથે છેતરપિંડી કરેલ તે બાબતની સરકા૨ તરફે ફરિયાદ આપવામાં આવી છે.
કોમોડીટી તથા ધંધાનો પ્રકાર ફોરવ્હિલ તથા તેના પાર્ટસ ટાયર ટ્યુબ કાર એસેસરીઝના ફેર વેચાણ કરવા માટે ગુજરાત મુલ્યવર્ધિત વેરા/ કેંદ્રિય અધિનિયમ કાયદા હેઠળ ટીન નમ્બર ધરાવે છે. પેઢી દ્વારા ગુજરાત સરકારશ્રીનો ભરવાના થતો વેટ રૂ. ૨૮,૧૦,૪૮, ૦૩૫ તથા કેન્દ્ર સરકારની ભરવાની થતી સી.એસ.ટી.ની રકમ ૧૦,૪૨,૩૮૮ મળી કુલ રૂા. ૨૮,૨૦,૯૦,૪૨૩ તથા ચડત વ્યાજ જેટલી રકમનું માંગણું ઉપસ્થિત થયેલ હતું. જેની આકારણી આદેશ તથા માંગણાં નોટીસની નકલ આ સાથે રાખી વેટ કાયદા તેમજ જમીન મહેસુલ સંહિતાની કલમો મુજબ થયેલ વસુલાતની કાયદાકીય કાર્યવાહી વખતો વખત કરવા છતાં સરકારશ્રીની બાકી રહેતી ઉપરોકત રકમ આજદિન વસુલ થઇ શકેલ નથી. તેમજ વેપારીની પેઢી ગોંડલ રોડ, બાયપાસ સર્કલ ખાતે આવેલ હતી તે પ્રોપર્ટી પણ સરકારશ્રી હસ્તગત કરી વસુલાત ન કરી શકે તે માટે અન્યને વેચાણ કરી દીધેલ છે.
આ નામની કંપનીના રજીસ્ટ્રેશન રેકર્ડ મુજબના ચાલુ ડીરેકટરો તેમજ આ વેપારી કંપની હોઇ જેથી કંપનીના ડીરેકટર તથા તપાસમા ખુલે તે તમામ સામે સરકારશ્રીમાં ધારા ધોરણ મુજબ બાકી રહેતા વેરો ૨૮,૨૦,૯૦,૪૨૩ તથા આજદિન સુધી આ રકમ ઉપર થયેલ ચડત વ્યાજ સાથેનો મહેસુલ વેરો સરકારશ્રીમાં જમા નહી કરાવી સરકારશ્રી સાથે વિશ્વાસઘાત, છેંતરપિંડી કરેલ હોઇ આ રીતે ગુન્હો કરેલ હોઈ આ કંપનીના ડીરેકટરો તથા તપાસમાં ખુલ્લે તે તમામ સામે ધોરણસર થવા ફરીયાદ છે. તેમ વેરા અધિકારીએ જણાવતા ગુનો દાખલ કરી ડીસીબી પોલીસે તપાસ શરૂ કરી છે.
(10:05 PM IST)










