<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

સોની બજારના વેપારી જીજ્ઞેશભાઇ ફીચડીયા સાથે બંગાળી કારીગરની ૩૨ાા લાખની છેતરપીંડી

વર્ષોથી દાગીના બનાવતો હોઇ વિશ્વાસ હતોઃ ૩૦.૮૭ લાખનું સોનુ અને રોકડા બે લાખ લઇને ફોન બંધ કરી ગાયબઃ એ-ડિવીઝન પોલીસે અન્‍વરજુમન મલીક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૨: સોનીબજારમાં ડીજે એન્‍ડ સન્‍સ નામે સોનાના દાગીનાનો વેપાર કરતાં પ્રહલાદ પ્‍લોટના વેપારી સાથે બંગાળી કારીગર ૩૨,૫૪,૦૦૦ની ઠગાઇ કરી ભાગી ગયો છે. વર્ષોથી આ કારીગર દાગીના બનાવી આપતો હોઇ તેના પર વેપારીને વિશ્વાસ હોઇ ૩૦,૮૭,૦૦૦નું ફાઇન સોનુ તેને દાગીના બનાવી દેવા માટે આપ્‍યું હતું. આ સોનુ તેમજ બે લાખની રોકડ તેને આપી હોઇ તે ફોન બંધ કરી ગાયબ થઇ ગયો હતો. તેના વતન બંગાળમાં પણ પહોંચ્‍યો ન હોઇ પોલીસને જાણ કરતાં તપાસ શરૂ થઇ છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પ્રહલાદ પ્‍લોટ શેરી નં. ૩૧/૩૬ના ખુણે રહેતાં જીજ્ઞેશભાઇ કિશોરભાઇ ફીચડીયા (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી કુંભારાવાડા-૪માં રહેતાં અન્‍વરજુમન મીહદુજમાલ મલીક વિરૂધ્‍ધ રૂા. ૩૨,૫૪,૦૦૦ની ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્‍યો છે. જીજ્ઞેશભાઇ ફીચડીયા સોની બજાર ગોલ્‍ડન માર્કેટ ગ્રાઉન્‍ડ ફલોરમાં દુકાન નં. ૨૩-૨૪માં ડીજે એન્‍ડ સન્‍સ નામે સોળ વર્ષથી સોનાના દાગીનાનો વેપાર કરે છે. તેણે જણાવ્‍યું છે કે અમારી દુકાનેથી છેલ્લા દસ વર્ષથી કારીગર અન્‍વરજુમન મલીક દાગીના બનાવવા માટે સોનુ લઇ જતો હતો. તેને હું ઓર્ડર આપુ એ મુજબ દાગીના બનાવી આપતો હતો. મારા આ કારીગરની દુકાન સવજીભાઇની શેરીમાં આવેલી છે, ત્‍યાં બેસી તે સોની કામ કરતો હતો. તે રામનાથપરા કુંભારવાડા-૪માં રહે છે.

જીજ્ઞેશભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે ગત ૧૭/૬ના રોજ સાંજે આઠેક વાગ્‍ે હું દુકાને હતો ત્‍યારે આ કારીગર અન્‍વરજુમન મલીક આવ્‍યો હતો અને તેને ૩૦૨.૬૫૦ ગ્રામ ફાઇન સોનુ આપયું હતું. આ સોનામાંથી ત્રણ ચાર દિવસમાં દાગીના બનાવી આપવાનું મેં તેને કહ્યું હતું. એ પછી તે સોનુ લઇ નીકળી ગયો હતો. બાદમાં મેં જે ઓર્ડર આપ્‍યો હતો તેમાં ફેરફાર કરવાનો હોઇ ૧૯/૬ના રોજ તેને ફોન કરતાં તેનો ફોન બંધ આવતો હતો. જેથી હું તેની દૂકાને રૂબરૂ જતા ત્‍યાં તે હાજર નહોતો. તેના માણસો કામ કરતાં હોઇ તેને પુછતાં કહેલુ કે શેઠ તો બે દિવસ પહેલા ઘરે જવા નીકળી ગયા છે. મેં મારી રીતે તેની શોધખોળ કરી હતી. તેના પત્‍નિને ફછોન કરતાં તેણે કહેલું કે મારા પતિનો ફોન લાગતો નથી, તે ક્‍યાં છે તેની અમને પણ ખબર નથી. જો તે મારી પાસે આવશે તો તમને જાણ કરીશ.

સતત શોધખોળ કરવા છતાં અન્‍વરજુમન મલીક મળતો ન હોઇ અને ફોન પણ લાગતો ન હોઇ અંતે અમે પોલીસને જાણ કરી હતી. તેને મેં રૂા. ૩૦,૮૭,૦૦૦નું ૩૦૨.૬૫૦ ગ્રામ સોનુ દાગીના બનાવવા આપ્‍યું હતું અને બાકીના રૂા. ૩૩ હજાર મજુરીના આપવાના હતાં તે અને રૂા. ૧,૬૭,૦૦૦ એડવાનસ મળી બે લાખ તેના ખાતામાં મેં આરટીજીએસથી મોકલ્‍યા હતાં તે રકમ અને સોનુ મળી કુલ ૩૨,૫૪,૦૦૦ની માલમત્તા લઇ તે ગાયબ થઇ ગયો છે. તેમ વધુમાં જીજ્ઞેશભાઇ ફીચડીયાએ જણાવતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ.આર. ચાવડાએ તપાસ હાથ ધરી છે.

(1:50 PM IST)