તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
જિલ્લા પંચાયતમાં નવો ઇતિહાસઃ સામાન્ય સભા માટે ૪પ પ્રશ્નો
પાંચ સભ્યોએ પ્રશ્નો પૂછયા, બાકીના પાસે પ્રશ્નો નથી અથવા પૂછવાની ઇચ્છા નથી

રાજકોટ તા. ૧રઃ જિલ્લા પંચાયતમાં તા. ર૧ સોમવારે સવારે ૧૧-૩૦ વાગ્યે પ્રમુખ
શ્રીમતી
પ્રવીણાબેન રંગાણીની અધ્યક્ષતામાં મળનાર સામાન્ય સભા માટે શાસક અને વિપક્ષના પાંચ સભ્યોએ ૪પ પ્રશ્નો પૂછયા છે. છેલ્લા દસકામાં સામાન્ય સભામાં સૌથી વધુ પ્રશ્નો પૂછાવાનો ઇતિહાસ સર્જાયો છે. પંચાયતની સામાન્ય ચૂંટણી ૬ મહિના પછી આવી રહી છે. ચૂંટણી પૂર્વ તા. ર૧મીની સામાન્ય સભા પછી એક કે બે સભા મળે તેવા સંજોગો છે. નવા નાણાકીય વર્ષમાં પ્રથમ વખત સામાન્ય સભા આવી રહી છે.
વિપક્ષી નેતા મનસુખ સાકરિયાએ ર૦ પ્રશ્નો પૂછયા છે. ભાજપના કંચનબેન બગડાના અને ગીતાબેન ટીલારાના ૪-૪ તથા પી. જી. કયાડાના ૧ર મળી કુલ ૪પ પ્રશ્નો રજુ થયા છે. બાકીના ૩૧ સભ્યોને કંઇ પ્રશ્ન પૂછવા જેવું લાગ્યું નથી. જે સભ્યોએ પ્રશ્નો પૂછયા છે તેમાં શિક્ષણ, આરોગ્ય, બાંધકામ, ખેતીવાડી સહિત લગભગ તમામ શાખાઓને સ્પર્શતા પ્રશ્નોનો સમાવેશ થઇ જાય છે. ૪પ પ્રશ્નો હોવાથી ચર્ચાનો ૧ કલાકનો સમય ઓછો પડે તેવી શકયતા છે. સામાન્ય સભાને અનુલક્ષીને પંચાયતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ૪પ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી પણ કોઇ મુદ્દા રજુ થઇ શકે છે. જિલ્લા પંચાયતમાં સામાન્ય રીતે શુષ્ક રહેતી સામાન્ય સભા આ વખતે ગરમ માહોલવાળી બની શકે છે.
(2:53 PM IST)










