<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

દાણાપીઠમાં લાતીપ્‍લોટના વૃધ્‍ધાને ઠગ ત્રિપુટીનો ભેટોઃ રૂા. ૧.૧૦ લાખની બુટી ઉતરાવી લીધી

કેરી લેવા ઉભેલા હીરાબેન પાસે એક મહિલાએ છુટા પૈસાની વાત કરી ભોળવ્‍યાઃ રૂમાલમાં બે શખ્‍સે નોટોનું બંડલ આપ્‍યું તેની સામે બુટી લઇ લીધીઃ ઘરે જઇ જોતાં બંડલમાંથી એક જ સાચી નોટ નીકળીઃ ત્રણની પુછતાછ

રાજકોટ તા. ૧૨: શહેરના લાતી પ્‍લોટમાં રહેતાં એક વૃધ્‍ધાને દાણાપીઠમાં હટાણુ કરવા ગયા ત્‍યારે એક મહિલા અને બે અજાણ્‍યા ગઠીયાઓએ છેતરી તેને રૂા. ૫૦૦ની નોટોના બંડલને નામે એક જ સાચી નોટ અને બાકીની નકલી નોટ રૂમાલમાં વીંટી આપી દઇ તેની સામે આ વૃધ્‍ધાની સોનાની બુટી લઇ ભાગી જતાં પોલીસે શકમદને શોધી કાઢી તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે લાતી પ્‍લોટ-૧૦ સ્‍વસ્‍તીક કારખાના પાસે મોરબી રોડ પર રહેતાં હીરાબેન પરબતભાઇ માલકીયા (ઉ.વ.૬૨) નામના વૃધ્‍ધાની ફરિયાદ પરથી એક મહિલા અને બે પુરૂષ સામે ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે. હીરાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું દાણાપીઠમાં ગત સત્તર જુનના રોજ કરિયાણાનું હટાણું કરવા ગઇ હતી. આ વખતે  એક કેરીની લારીએ હું કેરી લેવા ઉભી હતી ત્‍યારે અજાણી એક મહિલા પણ ત્‍યાં કેરી લેતી હતી. તેણે પણ પાંચસો ગ્રામ કેરી લીધી હતી. તેની પાસે પ૦૦ની નોટ હતી જેથી તેણીએ કહ્યું  કે માજી તમે કેરીના રૂપિયા આપી દ્‌યો હું તમને છુટા કરાવીને  આપુ છું. જેથી મેં એ મહિલાના રૂપિયા લારીવાળાને આપી દીધા હતાં. થો આગળ જઇ એક બટેટાની રેંકડીએ જઇ તેણે બટેટા લીધા હતાં. ત્‍યાં પણ મહિલા પાછળ આવી હતી અને તેણે પણ બટેટા ખરીદ કર્યા હતાં.   એ પછી એ મહિલાએ કહેલું બટેટાના પૈસા પણ તમે આપી દેજો હું તમને છુટા કરાવીને આપુ છું.

ત્‍યારબાદ એ મહિલા એક દુકાનેથી ૫૦૦ની નોટના છુટા કરાવીને આવી હતી અને ચબુતરા ચકોમાં એક બંધ દુકાન હતી ત્‍યાં મને ઓટલા પર બેસાડી કહેલુ કે તમે અહિ બેસો હું તમને રૂપિયાનો હિસાબ કરીને આપી દઉં. આ પછી એ મહિલાની સાથે બે પુરૂષ પણ આવ્‍યા હતાં. તેમાં એક પુરૂષ એમ વાત કરતો હતો કે આ માજી આપણને ઘરેણા આપી દેશે અને તે માણસે મને એક રૂમાલમાં નોટોના બંડલ જેવુ આપ્‍યું હતું. પછી કહેલુ કે આ રૂપિયાનું બંડલ તમે રાખો અને તમે કાનમાં પહેરેલા ઘરેણા અમને આપી દો. મને બંડલ જેવુ દેખાતા રૂમાલ મારી થેલીમાં મુકી દીધો હતો. બીજો રૂમાલ મારા મોઢા પાસે લાવી કહેલુ કે ઘરેણા આમા મુકી દો. જેથી મેં કાનમાં પહેરેલી સોનાની બુટી, સર સાથે કાનમાંથી કાઢી અજાણ્‍યા પુરૂષને આપી હતી. એ પછી અજાણી મહિલાએ મને પુછેલુ કે તમારે ક્‍યાં જવું છે? જેથી મેં મોચી બજાર ચોક તરફ ખાંડ લેવા જવું છે તેમ કહેતાં આગળ જઇ મને એક દુકાન પાસે બેસાડી દીધી હતી. ત્‍યારબાદ અજાણી મહિલા અને તેની સાથેના બે અજાણ્‍યા પુરૂષ જતાં રહ્યા હતાં.

હું પણ બાદમાં ઘરે જતી રહી હતી અને રૂપીયાનું બંડલ કબાટમાં મુકી દીધુ હતું. દરમિયાન શુક્રવારે અગીયારમી તારીખે સાંજે મારા દિકરા મેહુલે મને પુછેલુ કે તમે કેમ સોનાની બુટી પહેરતા નથી? આથી મેં કહેલું  કે મને બજારમાં  બુટીના બદલામાં એક મહિલા અને બે અજાણ્‍યા શખ્‍સે ૫૦૦ની નોટનું બંડલ આપ્‍યુ છે, આ બંડલ મેં કબાટમાં રાખ્‍યું છે. આથી મારા દિકરાએ એ રૂમાલ ખોલીને જોતાં અંદર ઉપર એક જ ૫૦૦ની સાચી નોટ હતી. બાકીની નકલી હતી. આ પછી અમે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્‍યા હતાં. તેમ વધુમાં હીરાબેને જણાવ્‍યું હતું. ઠગ મહિલા અને બે પુરૂષ છેતરીને નકલી પ૦૦ની નોટોનું બંડલ આપી ૧.૧૦ લાખની સોનાની બુટી લઇ ગયા હતાં. પીઆઇ બી. વી. બોરીસાગર અને પીએસઆઇ આર. એસ. ચાવડા, હેડકોન્‍સ. એલ. એ. જતાપરાએ ગુનો નોંધી શકમંદ મહિલા સહિતને અમદાવાદથી શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી છે.

(3:06 PM IST)