<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

સેન્‍ટ્રલ ઝોનના કોર્પોરેટરોની અધિકારીઓ ઉપર તડાપીટઃ સત્‍વરે કામ પુરા કરવા સૂચના

મનપામાં ૬ વોર્ડના સંકલનના પ્રશ્નો, પ્રગતિ હેઠળના કામની બંધ બારણે બેઠક

રાજકોટ, તા. ૧રઃ શહેરમાં મુખ્‍ય ખાડાઓ સહીતના સેન્‍ટ્રલ ઝોનના સંકલનના પ્રશ્નો, પ્રગતિ હેઠળના કામોના રીવ્‍યુ અંગે મિટીંગ યોજાઈ હતી. આ મિટીંગમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સેન્‍ટ્રલ ઝોનના કોર્પોરેટરઓ તથા લગત ઝોનના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાને પદાધિકારીઓ તથા વોર્ડ કોર્પોરેટરની ઉપસ્‍થિતિમાં વોર્ડના સ્‍થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્‍ય બાબતો અંગે સંકલન કરી કામો ઝડપથી પૂર્ણ કરી શકાય અને સંકલનના પ્રશ્નોનું સત્‍વરે નિરાકરણ કરી શકાય તે હેતુસર ઝોન વાઈઝ મિટીંગ યોજવાનું નક્કી કરવામાં આવેલ. જે અંતર્ગત આજ તા.૧૧/૦૭/૨૦૨૫, શુકવારના રોજ સેન્‍ટ્રલ ઝોનમાં આવેલ વોર્ડ નં.૨,૩,૭,૧૩, ૧૪,૧૭ કુલ-૬ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓની ઉપસ્‍થિતિમાં સ્‍ટેન્‍ડિંગ કમિટી કોન્‍ફરન્‍સ રૂમ ખાતે યોજાઈ.

આ મિટીંગમાં વોર્ડના સ્‍થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્‍ય બાબતો અંગે સંકલન કરી ચર્ચા વિચારણા કરવામાં આવેલ. જેમાં ખાસ કરીને સેન્‍ટ્રલ ઝોનના વોર્ડ વાઈઝ પ્રગતિ હેઠળના કામો સત્‍વરે અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા, નવા કામોની ટેન્‍ડર પ્રક્રિયા સત્‍વરે પૂર્ણ કરવી, કોમન પ્‍લોટમાં પેવિંગ બ્‍લોકની સાથે બોર રીચાર્જ ફરજીયાત કરાવવું, સર્વેશ્વર ચોક વોકળાનું કામ તાત્‍કાલિક પૂર્ણ કરાવવું, કોર્પોરેટરની ગ્રાન્‍ટના કામો ઝડપથી પૂર્ણ કરવા, ચોમાસા બાદ બાકી વિસ્‍તારમાં ડામર કામ કરવું, સોરઠીયાવાડી વિસ્‍તારમાં ગાર્ડન નવીનીકરણનું કામ તથા મીલપરાથી કેનાલ રોડ વોકળો પાકો કરવાના કામની વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરાવવી.

ઉપરાંત વોર્ડ નં. ૧૪ અને ૧૭માં ડી.આઈ.પાઈપ લાઈનના કામની ટેન્‍ડર પ્રક્રિયા કરવી, સિટીબસના સમયમાં જરૂરીયાત મુજબ ફેરફાર કરવા, આરોગ્‍ય કેન્‍દ્રના ચકાસણી તથા રીપોર્ટ માટેના મશીન શરૂ કરાવવા, કોઠારીયા તરફના નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી જમા થાય છે તે વોર્ડ નં.૧૬ તથા ૧૭માં આવતું હોય જે અંગે હાઇવે ઓથોરીટીને જાણ કરવી, વોર્ડ વાઈઝ સફાઈ, ન્‍યુસન્‍સ પોઈન્‍ટની સફાઈ, ડી.આઈ.ના કામો પૂર્ણ થયા હોય ત્‍યાં મોરમ અને મેટલીંગ કામ કરાવવું.

ચોમાસા બાદ ડામર રી-કાર્પેટ કરવું, કોર્પોરેશનના તમામ બાકી રહેતા બિલ્‍ડીંગમાં સોલાર સિસ્‍ટમ ઇન્‍સ્‍ટોલ કરાવવી વગેરે બાબતો સંબંધી પદાધિકારીઓએ રીવ્‍યું કરવામાં આવ્‍યું અને લગત અધિકારીઓને કામગીરી સત્‍વરે હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.

આ મિટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, કોર્પોરેટર અલ્‍પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, નેહલભાઈ શુક્‍લ, દેવાંગભાઈ માંકડ, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, સુરેન્‍દ્રસિંહ વાળા, નીતિનભાઈ રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, કેતનભાઈ પટેલ, નિલેષભાઈ જલુ, વર્ષાબેન રાણપરા, વિનુભાઈ ઘવા, રવજીભાઈ મકવાણા, કીર્તીબા રાણા, નાયબ કમિશનર હર્ષદ પટેલ, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, સિટી એન્‍જીનિયર અતુલ રાવલ, પરેશ અઢીયા, કે.પી.દેથરીયા, ભાવેશ જીવાણી, આરોગ્‍ય અધિકારી ડો. જયેશ વકાણી, પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, મ્‍યુનિસિપલ સેક્રેટરી એચ.પી.રૂપારેલીઆ, ડાયરેક્‍ટર પાર્કસ એન્‍ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, ચીફ ફાયર ઓફિસર અમિત દવે, વોર્ડ નં.૨,૩,૭,૧૩,૧૪,૧૭ના વોર્ડ એન્‍જીનિયર, એ.ટી.પી., નાયબ કાર્યપાલક ઈજનેર રોશની, વોર્ડ ઓફિસર, સેનેટરી ઈન્‍સ્‍પેકટર, સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર, ફાયર વિભાગના સ્‍ટેશન ઓફિસર, દબાણ હટાવ અધિકારી, મેનેજર આવાસ યોજના, મેનેજર એસ્‍ટેટ, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, મેનેજર અને પી.એસ.ટુ ચેરમેન એચ.જી.મોલિયા, ગાર્ડન સુપરવાઈઝર વગેરે ઉપસ્‍થિત રહેલ હતા.

 કમિશનર કેમ હાજર રહેતા નથીઃ કોર્પોરેટરોનો આક્રોશ

મેયરે ફોન કર્યો તો પણ ન આવ્‍યાઃ પ્રમુખે મામલો થાળે પાડયો

રાજકોટ : શહેરમાં રોડ-રસ્‍તા સહિતની સમસ્‍યાઓના નિકાલ માટે ગઈકાલે  સેન્‍ટલ માં વોર્ડનાં પ્રતિનિધીઓ, પદાધિકારીઓએ રિવ્‍યુ મીટીંગ યોજી  હતી.  જે અંતર્ગત સેન્‍ટ્રલઝોન કચેરી ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવેલ આ મીટીંગમાં દરેક વિભાગના અધિકારીઓ તેમજ છ વોર્ડના તમામ કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં અને અધિકારીઓ સાથે પ્રગતિ હેઠળના કામો અને લોકોની ફરિયાદોના આધારે હવે પછી થનાર કામો અંગે ચર્ચા કરી હતી પરંતુ શહેરની જવાબદારી જેમના ઉપર છે તેવા મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા મીટીંગમાં ન દેખાતા તરેહ તરેહની વાતો થઈ હતી. અને આ બાબતે તપાસ કરતા માલુમ પડેલ કે, મેયરે ખુદ ફોન કરી મ્‍યુનિસિપલ કમિશનરને મીટીંગમાં ઉપસ્‍થિત રહેવા સુચના આપી હતી. છતાં કમિશનર મીટીંગમાં ન આવતા કોર્પોરેટરોમાં નારાજગી જોવા મળી હતી અંતે મીટીંગમાં ઉપસ્‍થિત શહેર ભાજપ પ્રમુખે  જણાવ્‍યું હતું. હવે પછી મ્‍યુનિસિપલ કમિશનર દરેક મીટીંગમાં ઉપસ્‍થિત રહેશે તેવું આશ્‍વાસન આપી મામલો થાળે પાડ્‍યો હતો.

(3:51 PM IST)