<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

પત્‍નિને સસરાએ બીજે પરણાવી દેતાં બાંધકામ સાઇટ પર પીન્‍ટુનો ગળાફાંસો ખાઇ આપઘાત!

અયોધ્‍યા ચોક યોગરાજનગરની સાઇટ પર બનાવઃ નવ મહિના પહેલા જ મુળ દાહોદના યુવાનના લગ્ન થયા હતાં: બારોબાર તેની પત્‍નિના બીજા લગ્ન કરાવી દેવાતાં પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૨: શહેરના ૧૫૦ રીંગ રોડ પર અયોધ્‍યા ચોક નજીક બાંધકામની સાઇટ પર મજૂરી કરતાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. નવ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં. દરમિયાન તેની પત્‍નિ રાજકોટમાં જ રહી મજૂરી કરતાં માવતર પાસે ગયા બાદ માવતરે તેણીના લગ્ન બારોબાર બીજા યુવાન સાથે કરી નાંખતા આ કારણે માઠુ લાગતાં આ યુવાને આપઘાત કરી લીધાનું જણાવાયું હતું.

પ્રાપ્‍ત વિગતો મુજબ અયોધ્‍યા ચોકમાં યોગરાજનગરમાં નવી બાંધકામની સાઇટ ચાલુ હોઇ ત્‍યાં હુકમાં દોરી બાંધી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ મારફત થતાં યુનિવર્સિટી પોલીસના સ્‍ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. તપાસમાં આ યુવાન આ સાઇટ પર જ મજૂરી કરતો પિન્‍ટુ સુમાભાઇ ભાભોર (ઉ.વ.૨૧) હોવાનું ખુલ્‍યું હતું. પિન્‍ટુ મુળ દાહોદનો વતની હતો અને હાલ રાજકોટ અલગ અલગ સાઇટ પર કડીયા કામની મજૂરી કરતો હતો. હાલ તે આ સાઇટ પર કામ કરતો હતો.

પિન્‍ટુ ચાર ભાઇમાં બીજો હતો અને પરિવારજનો પણ અહિ જ રહે છે. તેના ભાઇએ કહ્યુ હતું કે પિન્‍ટુના લગ્ન નવ મહિના પહેલા જ અમારા વતનની દિપીકા સાથે થયા હતાં. દિપીકાના માતા-પિતા પણ રાજકોટ રહી મજૂરી કરે છે. એકાદ મહિના પહેલા દિપીકા માવતરે ગયા બાદ તેણીને તેના પિતાએ બારોબાર બીજા યુવાન સાથે પરણાવી દીધી હતી. તેની જાણ પિન્‍ટુને થતાં તેને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે મજૂર પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(4:01 PM IST)