<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

આંગડિયા પેઢીના ૧.૧૦ કરોડની ઉચાપતઃ કર્મચારી સકંજામાં

ડો. યાજ્ઞિક રોડ મ્‍યુનિસિપલ કમિશનરના બંગલા સામે આવેલી આર. કે. એન્‍ટરપ્રાઇઝ પેઢીનો કર્મચારી સોની બજારની બ્રાંચમાંથી રોકડ લઇને નીકળ્‍યા પછી ગૂમ થઇ ગયો હતોઃ સંચાલક યતિનભાઇ ચુડાસમાએ ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતાં કાર્યવાહી : ડીસીબીમાં ગુનો નોંધાતા પીઆઇ એમ. આર. ગોડલીયા, પીઆઇ એમ. એફ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસાઇ વી.ડી. ડોડીયા અને ટીમે ન્‍યુ કેદારનાથમાં રહેતાં બાર હજારના પગારદાર કર્મચારી અનિકેત સુરેલાને પકડી લીધોઃ મદદગારીમાં ગોપાલનગરના ભાર્ગવનું નામ ખુલતાં તે પણ સાણસામાં: રિમાન્‍ડની તજવીજઃ અન્‍યની સંડોવણીની પણ શંકા

રાજકોટ તા. ૧૨: શહેરના ડો. યાજ્ઞિક રોડ પર મ્‍યુનિસિપલ કમિશનરના બંગલા સામે આવેલી આર. કે. એન્‍ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીનો કર્મચારી સોની બજારમાંથી અલગ અલગ પેઢીની કલેક્‍શનની રકમ રૂા. ૧ કરોડ ૧૦ લાખ લઇને નીકળ્‍યા બાદ આ રોકડ અને પેઢીના વાહન સાથે ગાયબ થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. બાર દિવસ પહેલાની આ ઘટનામાં ડીસીબી પોલીસે ગુનો નોંધી આ કર્મચારીને શોધી કાઢયો છે. તેણે રકમ બીજા એક શખ્‍સને આપી હોઇ આ શખ્‍સને પણ સકંજામાં લઇ લેવાયો છે. હજુ વધુ બે શખ્‍સના નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. રોકડ કબ્‍જે કરવાની બાકી હોઇ ઝડપાયેલા બંનેના રિમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ બનાવમાં શહેર ડીસીબી પોલીસ સ્‍ટેશન દ્વારા યુનિવર્સિટી રોડ જે. કે. ચોક આલાપ એવન્‍યુ-૭ બ્‍લોક નં. એ-૭માં રહેતાં યતિનભાઇ બાબુભાઇ ચુડાસમા (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી કોઠારીયા રોડ ન્‍યુ કેદારનાથ સોસાયટી-૫ આઇશ્રી ખોડિયાર મકાન નંદા હોલ સામે રહેતાં અનિકેત અરજણભાઇ સુરેલા (ઉ.વ.૨૨) વિરૂધ્‍ધ આંગડિયા પેઢીના લેવડ-દેવડના રૂા. ૧,૧૦,૦૦,૦૦૦નું કલેક્‍શન કરી આંગડિયા પેઢીમાં જમા નહિ કરાવી ઉચાપત કરી ભાગી જવા અંગે ગુનો દાખલ કરાયો હતો.

યતિનભાઇ ચુડાસમા મ્‍યુનિસિપલ કમિશનર બંગલાની સામે આર. કે. એન્‍ટરપ્રાઇઝ નામે આંગડિયા પેઢી ચાર વર્ષથી ચલાવે છે. તેણે જણાવ્‍યું હતું કે અમારી બીજી બ્રાંચ પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝ યુનિવર્સિટી રોડ પર છે. જેનું સંચાલન મારા મોટા ભાઇ ઇન્‍દ્રેશભાઇ ઉર્ફ પપ્‍પુભાઇ ચુડાસમા કરે છે. તેમજ ડો. યાજ્ઞિક રોડ પર આવેલી પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝનું સંચાલન બે વર્ષથી  અમારા ધંધાર્થી સંજયભાઇ વિનોદભાઇ ભીમાણી સંભાળે છે. પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝની હેડ ઓફિસ સોની બજારમાં છે. જેનું સંચાલન જીતેનભાઇ ઠક્કર સંભાળ છે. આ અમારી પેઢીમાં છેલ્લા ત્રણ વર્ષથી માસીક ૧૨ હજારના પગારથી કેદારનાથ સોસાયટીના અનિકેત સુરેલા નોકરી કરતો હતો. અનિકેતનું કામ આંગડિયા પેઢીના અમારા ગ્રાહકો જે અલગ અલગ પેઢી ધરાવતાં હોઇ તેમની પાસેથી રૂપિયા કલેક્‍શન કરવાનું અને એ રૂપિયા આંગડિયા પેઢીમાં પહોંચાડવાનું હતું.

ગત તા. ૩૦/૬/૨૫ના સોમવારે અનિકેત સુરેલા સાંજે પોણા સાતેક વાગ્‍યે અમારી મ્‍યુ. કમિશનરના બંગલા સામે આવેલી આર. કે. એન્‍ટરપ્રાઇઝ ખાતે હતો. ત્‍યારે સોની બજાર પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝવાળ જીતેનભાઇ ઠક્કરનો રૂપિયા કલેક્‍ટ કરી જવા માટેનો ફોન આવતાં અનિકેત મારુ એક્‍ટીવા જીજે૦૩જેએચ-૮૮૮૨ જે અમે ઓફિસના કામમાં વાપરીએ છે તે લઇને સોની બજાર જવા નીકળ્‍યો હતો. લગભગ અડધો કલાક જેવો સમય થઇ જવા છતાં અનિકેત પરત નહી આવતા મેં તેના મોબાઇલ ફોનમાં  અવાર-નવાર ફોન કરતા તેનો મોબાઈલ ફોન સ્‍વીચ ઓફ આવતો હતો.  જેથી મેં જીતેનભાઈ ઠક્કરને ફોન કરી આ બાબતે જાણ કરતા જીતેનભાઇએ જણાવેલ કે અનીકેત સુરેલા સોની બજારમાં આવેલ ડી. કે. આંગડિયામાંથી રૂ.૭૫,૦૦,૦૦૦ તથા એન.આર. એન્‍ટરપ્રાઈઝમાંથી રૂ.૨૫,૦૦,૦૦૦ તથા કીર્તી અંબાલાલ પેઢીમાંથી રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૧૦,૦૦,૦૦૦ની રોકડ લઇ ગયો  છે. જેમાંથી આર.કે.એન્‍ટરપ્રાઈઝ  સોનીબજાર ખાતે રૂ. ૭૧,૦૦,૦૦૦નું પેમેન્‍ટ ચુકવવાનું હતું. તેમજ યાજ્ઞીક રોડ, પ્રાઈમ એન્‍ટરપ્રાઈઝ ખાતે રૂ. ૨૪,૦૦,૦૦૦ તથા બાકીના રૂા. ૧૫,૦૦,૦૦૦ ડો. યાજ્ઞિક રોડની અમારી આર. કે. એન્‍ટરપ્રાઈઝ ઓફીસ ખાતે આપવાના હતા.

આ રકમ સાથે તે જતો રહ્યો હોઇ શોધવા છતાં મળી આવ્‍યો નથી. ૧ કરોડ ૧૦ લાખની રકમ લઇ જઇ અમારી સાથે શ્‍વિસઘાત કરી તે નાશી ગયો હોઇ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં યતિનભાઇએ જણાવતાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એમ. ડામોર અને પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. ડોડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી અનિકેત અરજણભાઇ સુરેલા (ઉ.વ.૨૨-રહે. ન્‍યુ કેદારનાથ સોસાયટી-૫)ને ઝડપી લીધો હતો. તેની પુછતાછમાં પોતાની સાથે આ ઉચાપતમાં ભાર્ગવ મહેશભાઇ રપારકા (કડીયા-રહે. ૨૩, રહે. ગોપાલનગર-૧) પણ સામેલ હોવાનું ખુલતાં તેને પણ પકડી લેવાયો છે. રોકડ કબ્‍જે કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. અન્‍ય બે શખ્‍સના પણ નામ ખુલ્‍યા હોઇ તેની શોધખોળ થઇ રહી છે. ઝડપાયેલા બંનેના રિમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરાઇ છે. (૧૪.૧૦)

 

.

મિત્ર આશિષ જૂગારમાં હારી ગયો હોઇ તેને મદદ કરવા અનિકેતે ઉચાપત કરી'તી!

ઞ્જઅનિકેત સુરેલાની ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ વી. ડી. ડોડીયા અને ટીમે પુછતાછ કરતાં તેણે એવુ રટણ કર્યુ હતું કે પોતાનો આશિષ નામનો મિત્ર જૂગારમાં મોટી રકમ હારી ગયો હોઇ તેને મદદ કરવા માટે બીજા મિત્રો સાથે મળી પોતે જ્‍યાં નોકરી કરે છે તે આંગડિયા પેઢીની રકમની ઉચાપત કરી લીધી હતી. ક્રાઇમ બ્રાંચે ઉચાપતની રકમ કબ્‍જે કરવા વિશેષ તપાસ યથાવત રાખી છે

(4:02 PM IST)