<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

રાજકોટના જાણીતા ફાયનાન્‍સર બીશુભાઇ વાળાએ વતન ભંગડા ગામે ગાત્રાળ માતાજીના મઢે રિવોલ્‍વરથી ફાયરીંગ કરી આત્‍મહત્‍યા કરીઃ અરેરાટીઃ બીમારીથી કંટાળી પગલુ ભર્યાની શક્‍યતા

રાજકોટઃ રાજકોટના સોૈરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર વિસ્‍તારમાં રહેતાં જાણીતા ફાયનાન્‍સર બીશુભાઇ બહાદુરભાઇ વાળા (ઉ.વ.૬૦)એ પોતાના મુળ વતન સરધારના ભંગડા ગામે વહેલી સવારે માતાજીના મઢ પાસે પોતાની પરવાનાવાળી રિવોલ્‍વરથી ફાયરીંગ કરી આત્‍મહત્‍યા કરી લેતાં પરિવારજનોમાં, બહોળા મિત્રવર્તુળો અને ફાયનાન્‍સર મિત્રોમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. બનાવની જાણ ૧૦૮ના ઇએમટી તબીબ દ્વારા આજીડેમ પોલીસને કરવામાં આવતાં પીએસઆઇ આર. એમ. સાખરા સહિતના સ્‍ટાફે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

વધુ માહિતી મુજબ બીશુભાઇ વાળા તેમના વતન સરધારના ભંગડા ગામે ગયા હતાં. જ્‍યાં વહેલી સવારે ચારેક વાગ્‍યે શ્રી ગાત્રાળ માતાજીના મઢે ગયા હતાં અને દર્શન કર્યા બાદ ત્‍યાં હાજર માણસને ચા બનાવવાનું કહ્યું હતું. ચા પીધી હતી પછી થોડીવાર બાદ ફરીથી માણસને ચા બનાવવા મોકલ્‍યો હતો અને બાદમાં તેમણે પોતાની પરવાનાવાળી રિવોલ્‍વરથી ફાયરીંગ કરી લીધુ હતું. ઘટનાને પગલે ગામમાં પણ અરેરાટી વ્‍યાપી ગઇ હતી. પીએસઆઇ આર. એમ. સાખરા સહિતે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. બિમારીથી કંટાળીને કદાચ પગલુ ભર્યુ હોઇ શકે તેવી પ્રાથમિક ચર્ચા છે.

(11:59 AM IST)