તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th July 2025
ગાયકવાડીના ધ્રુવ કક્કડને સસ્તામાં ફલેટની લાલચ આપી અક્ષય સિરોયાની ૧૭.૬૮ લાખની છેતરપીંડીઃ તાલુકા પોલીસે ગુનો નોંધ્યોઃ એએસઆઇ એસ. એમ. માડમે તપાસ હાથ ધરી

રાજકોટઃ ગાયકવાડીમાં રહેતા અને પેડક રોડ પર આઈસ્ક્રીમની દુકાનમાં નોકરી કરતા ધ્રુવ જીતેશભાઈ કક્કડ (ઉ.વ.૨૧) નામના યુવાન સાથે ફલેટના સોદાના નામે રૂા. ૧૭ લાખ ૬૮ હજારની ઠગાઇ થઇ છે. આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથી ધરી છે. ધ્રુવ કક્કડને સત્યસાંઈ રોડ પર આવેલો ફલેટ સસ્તામાં વેચાણ કરવાની લાલચ આપી અક્ષય રાજેશભાઈ સિરોયા નામના શખ્સે છેતરી લીધાનો આરોપ મુકાયો છે.
આ અંગેની ફરિયાદમાં ધ્રુવે પોલીસને જણાવ્યું કે તેને તેના મિત્ર કરણ મારફતે આરોપી અક્ષયનો સંપર્ક થયો હતો. તેણે આરોપી સાથે ફલેટ લેવા બાબતે વાતચીત કરી હતી. બાદમાં આરોપીનો ફલેટ કે જે સત્યસાંઈ રોડ ઉપર આસોપાલવ સ્-ીગલમાં બી-૧૦૨ છે. ત્યાં તે તેના મિત્રો તેમજ આરોપી અને તેના પિતા સહિતનાઓએ મિટીંગ કરી હતી. આ સમયે આરોપીએ તેના ફલેટનો દસ્તાવેજ બતાવી ફલેટની કિમત રૂા. ૭૦ લાખ જણાવી હતી. એટલું જ નહીં હાલ પૈસાની જરૂરિયાત હોવાથી આ ફલેટ રૂા. ૫૦ લાખમાં વેચવાની લાલચ આપી હતી. આથી તેણે ફલેટ લેવાનું નક્કી કરી દસ્તાવેજ જોતાં તે અન્યના નામે હોવાનું જણાયું હતું. આરોપીને આ અંગે પૂછતા તેણે ફલેટ મારો જ છે, દસ્તાવેજ બીજા મારા મિત્રના નામે કરાવેલો છે તેમ જણાવ્યું હતું.
તેમજ આરોપીએ હાલ મારે રૂપિયાની જરૂર હોવાથી હું તમારી પાસે જ્યારે-જ્યારે રૂપિયા માંગુ ત્યારે મને રૂપિયા આપજો. થોડા દિવસ બાદ હું દસ્તાવેજ કરી આપીશ, તમે ફલેટના દસ્તાવેજ ઉપર બેન્ક લોન લઇ ફલેટના બાકીના રૂપિયા મને આપી દેજો તેમ વાત કરી હતી. ત્યારબાદ તેણે તા. ૨૩-૨-૨૦૨૫થી તા. ૨૫-૩-૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અને રોકડા મળી કુલ રૂા. ૧૭.૬૮ લાખ આરોપીને આપ્યા હતાં. ત્યારબાદ તેણે આરોપીને દસ્તાવેજ કરવાનું કહેતા અલગ-અલગ બહાના બતાવી તેનો મોબાઇલ નંબર બ્લોક કરી નાખ્યો હતો. આથી આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં એએસઆઇ એસ. એમ. માડમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(12:01 PM IST)










