તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
હિરાસર એરપોર્ટઃ ૧૮મીએ સિકયોરીટી બ્યુરોની ટીમ આવશેઃ કાર્ગો ઓપરેશન્સની વિગતો ચકાસશે
કાર્ગો અંગે કામગીરી ઓગષ્ટમાં શરૂઃ ૩૧ જૂલાઇથી વાઇ-ફાઇ સૂવિધા...

રાજકોટ તા.૧૬: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા રાજકોટના માનનીય લોકસભા સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાએ કરી હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રાજકોટના પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા (IPS) અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મુસાફરોની સુવિધાઓને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં Wi-Fi, મોબાઈલ નેટવર્ક કનેક્ટિવિટી, કાર ર્પાકિંગ અને કાર્ગો ઓપરેશન્સનો સમાવેશ થાય છે.
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એરપોર્ટ ડાયરેક્ટર શ્રી દિગંત બોરાહે માહિતી આપી હતી કે ૩૧ જુલાઈ, ૨૦૨૫ થી Wi-Fi સુવિધા ઉપલબ્ધ થશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સિવિલ એવિએશન સિકયોરિટી બ્યુરો (BCAS) અમદાવાદના રિજનલ ડાયરેક્ટર ૧૮ જુલાઈએ એરપોર્ટની મુલાકાત લેશે. તેઓ પેસેન્જર ટર્મિનલ દ્વારા કાર્ગો ઓપરેશન્સની સુરક્ષા ચકાસણી કરશે. આ અંગેની મંજૂરી જુલાઈના અંત સુધીમાં મળવાની અપેક્ષા છે, અને કાર્ગો કામગીરી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે.
(10:17 AM IST)










