તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
રાજકોટના હનુમાન મઢી ચોકમાં છાત્રાનું ડમ્પરની ઠોકરે મોત : જુઓ વિડીયો
સવારના પ્હોરમાં કરૂણ બનાવઃ અકસ્માત સર્જી ચાલક ડમ્પર મુકી ભાગી ગયોઃ બજરંગવાડીમાં રહેતી કણસાગરા કોલેજની છાત્રા જુહી નળીયાપરા (ઉ.વ.૧૯) તેની બહેનપણી નીશા રાણંગા સાથે જતી હતી ત્યારે બનાવઃ નિશાનો બચાવઃ દિકરીના મોતથી બજરંગવાડીના પ્રજાપતિ-નળીયાપરા પરિવારમાં શોકની કાલીમા

તસ્વીરમાં ઇજાગ્રસ્ત છાત્રા જુહી નળીયાપરા સારવાર હેઠળ હતી તે દ્રશ્ય, ટૂંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો. તેણીનો ફાઇલ ફોટો અને અને અકસ્માત સર્જનાર ડમ્પર તથા હોસ્પિટલે આક્રંદ કરતાં સ્વજનો જોઇ શકાય છે. (ફોટોઃ અભીજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૬: શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી ચોકમાં સવારે ડમ્પર ચાલકે જીવલેણ અકસ્માત સર્જયો હતો. અકસ્માત સર્જી ડમ્પર મુકીને ભાગીગયો હતો. ટુવ્હીલર પર કોલેજે જઇ રહેલી બે વિદ્યાર્થીનીના વાહનને ડમ્પર ચાલક ઠોકરે લઇ ભાગી જતાં એક છાત્રાનો બચાવ થયો હતો અને બીજી છાત્રાને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે આ વિદ્યાર્થીનીએ દમ તોડી દેતાં બજરંગવાડીમાં રહેતાં પ્રજાપતિ-નળીયાપરા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ બજરંગવાડીમાં રહેતી જુહી તરૂણભાઇ નળીયાપરા (ઉ.વ.૧૯) નામની વિદ્યાર્થીની સવારે તેની બહેનપણી નીશા મેરૂભાઇ રાણંગાના એક્ટીવા પાછળ બેસીને કોલેજ ખાતે જવા નીકળી હતી. બંને બહેનપણી હનુમાન મઢી ચોકમાં પહોંચી ત્યારે ડમ્પર નં. જીજે૩૬ટી-૦૧૯૭ના ચાલકે એક્ટીવાને ઉલાળી દેતાં બંને બહેનપણી તેના વાહન સહિત ફંગોળાઇ ગઇ હતી. જેમાં જુહી નળીયાપરા ડમ્પરની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતીે. પરંતુ અહિ સારવાર દરમિયાન જુહીનું મૃત્યુ થયું હતું.
આ અકસ્માતને પગલે લોકોનું ટોળુ ભેગુ થઇ જતાં ચાલક ડમ્પર મુકીને ભાગીગયો હતો. વિદ્યાર્થીની જુહી અને નીશા કણસાગરા કોલેજમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હોઇ બંને બહેનપણી દરરોજ સાથે જ કોલેજ જતી હતી. મૃત્યુ પામનાર જુહીના પિતા તરૂણભાઇ નળીયાપરાને નાના મવા રોડ આંબેડકરનગર સર્કલ પાસે મોબાઇલ ફોનની દૂકાન છે. તે સવારે ઘરેથી નીકળે ત્યારે દિકરી જુહીને પોતાના વાહનમાં બેસાડી શીતલપાર્ક પાસે ઉતારતાં હતાં. અહિથી તે જામનગર રોડ શેઠનગર પાસે નંદનવન સોસાયટીમાં રહેતી બહેનપણી નીશા રાણંગાના ટુવ્હીલરમાં બેસી જતી હતી.
આજે પણ બંને બહેનપણી નિત્યક્રમ મુજબ કોલેજ જવા નીકળી હતી અને હનુમાન મઢી ચોક હનુમાજીના મંદિર પાસે પહોંચી ત્યારે ડમ્પરની ઠોકરે ચડી ગઇ હતી. જેમાં એક્ટીવા ચાલક નિશાનો ચમ્તકારીક બચાવ થયો હતો. જ્યારે જુહી ડમ્પરની હડફેટે આવી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પ્રજાપતિ-નળીયાપરા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પોસ્ટમોર્ટમ રૂમ ખાતે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. મૃતકની સાથે ભણતી વિદ્યાર્થીનીઓ પણ દોડી આવી હતી. સ્વજનો પરિવારના આક્રંદથી ગમગીની વ્યાપી ગઇ હતી. મૃત્યુ પામનાર જુહી નળીયાપરા બે બહેન અને એક ભાઇમાં મોટી હતી.
આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ, પ્રકાશભાઇ, ધર્મેશભાઇએ ગાંધીગ્રામ પોલીસને કરતાં ડમ્પર મુકી ભાગી ગયેલા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા અને તેને શોધી કાઢવા પીઆઇ આર. એસ. મેઘાણીની રાહબરીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. (૧૪.૬)
(2:39 PM IST)










