News of Wednesday, 16th July 2025
દેશળદેવ નગરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં અલ્પેશભાઇને ખૂનની ધમકી
પડોશમાં રહેતો અમિત વારંવાર ઝઘડા કરતો હોવાની ફરિયાદઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૬: સોરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે દેશળદેવ નગરમાં રહેતાં ઇલેક્ટ્રીશીયને પડોશી શખ્સને દારૂ પી ઘર પાસે, શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં આ શખ્સે તેને પણ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે કાર્યવાહી કરી હતી. આ અંગે ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ સોૈરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે જ્ઞાનજીવનની બાજુમાં દેશળદેવ નગરમાં રહેતાં અલ્પેશભાઇ મનુભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી તેની જ શેરીમાં રહેતાં અમિત સુરેશભાઇ સાગર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
અલ્પેશભાઇ ચોૈહાણ ઇલેક્ટ્રીક કામ કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે અમારી શેરીમાં અમિત સાગર રહે છે જે અવાર-નવાર ઝઘડા કરતો રહે છે. ગત ૧૪મીએ રાતે દસેક વાગ્યે હું ઘરે હતો ત્યારે અમિત નશાની હાતલમાં મારા ઘર પાસે ઉભો રહી જાહેરમાં ગાળો બોલતો હોઇ મેં તેને ઘર પાસે અને શેરીમાં ગાળો બોલવાની ના પાડી હતી. આથી તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને મારી સાથે ઝઘડો કરી મને ગાળો દેવા માંડયો હતો.
દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં આજુબાજુના માણસો ભેગા થઇ ગયા હતાં. ત્યારે અમિતે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી અમારા પડોશી પ્રવિણભાઇ પરમારે પોલીસને ફોન કર્યો હતો. જે તે વખતે પોલીસ સાગરને લઇ ગઇ હતી. એ પછી બીજા દિવસે મેં તેના વિરૂધ્ધ ધમકીની ફરિયાદ કરી હતી. તેમ વધુમાં અલ્પેશભાઇએ કહેતાં હેડકોનસ. મયુરસિંહ જાડેજાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
(2:00 PM IST)










