<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

મહાનગર પાલિકા કચેરીમાં સુરક્ષા અધિકારીને બે શખ્‍સે ધક્કો મારી ગાળો દીધીઃ ફરજમાં રૂકાવટ

આધારકાર્ડ કેન્‍દ્ર સામે બાઇકને વ્‍યવસ્‍થિત પાર્ક કરવાનું કહેતાં માથાકુટ સુખસાગર સોસાયટીના અલ્‍ફેઝ અને સરફરાઝ વિરૂધ્‍ધ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૬: ઢેબર રોડ પર મહાનગર પાલિકાની કચેરી ખાતે સુરક્ષા શાખાના ઇન્‍સ્‍પેકટર સાથે બે શખ્‍સે વાહન પાર્કિંગ મામલે માથાકુટ કરી તેને ધક્કો મારી ગાળો દઇ ફરજમાં રૂકાવટ કરતાં આ બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે મ્‍યુ. કોર્પોરેશનના ઇઆરઆઇ કૃષ્‍ણસિંહ મહાવીરસિંહ જાડેજા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી ભગવતીપરા મેઇન રોડ સુખસાગર સોસાયટી-૩/૪ના ખુણે રહેતાં સરફરાઝ અને અલ્‍ફેઝ હનીફમિંયા ગોંડલીયા વિરૂધ્‍ધ ગાળો દઇ ધક્કો મારી ફરજમાં રૂકાવટ કરવાનો ગુનો નોંધ્‍યો છે.

કૃષ્‍ણસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મહાનગર પાલિકામાં ત્રણ વર્ષથી અન્‍ક્રોચમેન્‍ટ રીમુવલ ઇન્‍સ્‍પેકટર (ઇ.આર.આઇ.) તરીકે ફરજ બજાવુ છું. હાલમાં મહાપાલિકાની સુરક્ષા શાખામાં બે મહિનાથી ફરજમાં છું. મંગળવારે મારી નોકરી મહાનગર પાલિકા કચેરીમાં સુરખાા શાખામાં સવારે દસથી સાંજના છ સુધીની હતી. હું આધારકાર્ડ કેન્‍દ્ર પાસે વાહન પાર્કિંગમાં ફરજ પર હતો. ત્‍યારે એક શખ્‍સ સુખસાગર સોસાયટીમાં રહેતો અલ્‍ફેઝ ગોંડલીયા પોતાનું બાઇક પાર્કિંગમાં વ્‍યવસ્‍થિત રીતે રાખતો ન હોઇ તેને સમજાવતાં તેણે મારી સાથે માથાકુટ કરી હતી. આથી મેં તેને માથાકુટ ન કરવા સમજાવ્‍યો હતો. આ પછી તે વાહન મુકી મારે કચેરીમાં કામ છે કહી નીકળી ગયો હતો.

ત્‍યારબાદ અલ્‍ફેઝ તેના મિત્ર સરફરાજને લઇને સાંજે સાડા ચારેક વાગ્‍યે કેચરીના પાર્કિંગમાં ફરીથી આવ્‍યો હતો અને અલ્‍ફેઝે ઉશ્‍કેરાઇ જઇ મને ધક્કો મારતાં હું પડતાં પડતાં રહી ગયો હતો. સવારે પાર્કિંગ બાબતે મેં તેને સમજાવ્‍યો હોઇ તેનો ખાર રાખી તેણે મિત્ર સાથે મળી મારી સાથે ઝપાઝપી કરી ગેરવર્તન કરી ગાળો દઇ ફરજમાં રૂકાવટ કરી હતી. આથી મેં પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસ બોલાવી હતી અને ફરિયાદ કરી હતી. એ-ડિવીઝનના હેડકોન્‍સ. એન. બી. શિયાળે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. 

(2:02 PM IST)