તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
નવાગામમાં ગભરૂ સાસકીયાને બાઇક સહિત બોલેરોથી ઉલાળી નરેશનો હત્યાનો પ્રયાસ
ગભરૂના મોટા ભાઇ શૈલેષની આયસર દિવેલીયાપરાના નરેશની બોલેરોનો સ્હેજ અડી જતાં બોલાચાલી થઇ હતીઃ ગભરૂ સમજાવવા માટે નરેશના ઘરે જતાં મનદુઃખ રાખી ડખ્ખોઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૬: નવાગામ આણંદપરમાં રહેતાં યુવાનના મોટાભાઇની આયસર આ વિસ્તારના જ શખ્સના બોલેરોનો સ્હેજ અડી ગઇ હોઇ બોલાચાલી થતાં આ યુવાનનો નાનો ભાઇ બોલેરો ચાલકને સમજાવવા તેના ઘરે ગયો હોઇ આ બાબતનો ખાર રાખી યુવાનને બોલેરોની ઠોકરે બાઇક સહિત ચડાવી દઇ પછાડી દઇ તેમજ બાદમાં રિવર્સમાં બોલેરો હંકારી માથે ચડાવી દેવાનો પ્રયાસ કરતાં અને બાઇક ઉપરથી બોલેરો હંકારી ભાગી જતાં કુવાડવા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર દિવેલીયાપરામાં સરકારી નીશાળની સામે રહેતાં મુળ ચોટીલાના મહિધર ગામના ગભરૂભાઇ વિરજીભાઇ સાસકીયા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી નવાગામના જ નરેશ જીલુભાઇ ઠાકોર વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો છે. ગભરૂ સાસકીયાએ જણાવ્યુ઼ હતું કે હું ટ્રક ડ્રાઇવીંગ કરીને ગુજરાન ચલાવુ છું. અમે ત્રણ ભાઇઓ છીએ. જેમાં મોટાભાઇ ભાવેશભાઇ, તેનાથી નાના શૈલેષભાઇ અને સોૈથી નાનો હું છું. મારા પિતાનું છએક મહિના પહેલા અવસાન થયું છે. માતા મંજુબેન અમારી સાથે રહે છે. ગત ૧૨/૭ના રોજ સાંજે સાડા ચારેક વાગ્યે હું ઘરે ગયો ત્યારે માતા મંજુબેને વાત કરી હતી કે દિવેલીયાપરામાં નરેશ ઠાકોરના ઘર પાસેથી આપણો શૈલેષ આયસર લઇને નીકળતાં નરેશની બોલેરો સાથે આયસર સ્હેજ અડી જતાં નરેશ અને શૈલેષ વચ્ચે ઝઘડો થયો હતો.
આથી હું આ બાબતે નરેશને સમજાવવા તેના ઘરે ગયો હતો. પરંતુ તે હાજર નહોતો. તેની તેના માતાને કહેલુ કે જે બનાવ બન્યો છે તે બાબતે હું નરેશ સાથે વાત કરવા આવ્યો છું. આટલુ કહી હું નરેશના ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં સાંજે સાડા છએક વાગ્યે હું મારુ બાઇક જીજે૦૩અજેએસ-૬૦૩૭ હંકારીને મારા ઘર તરફ જતો હતો ત્યારે ઘર નજીક પહોંચ્યો ત્યારે નરેશ ઠાકોર તેની બોલેરો લઇને આવતો હતો. જે મને જોઇ જતાં વધુ સ્પીડથી ગાડી હંકારી મને મારી નાખવાના ઇરાદે મારી તરફ ધસી આવ્યો હતો. મને બાઇક સહિત ઉલાળી દીધો હતો. હું નીચે પડી જતાં તે બોલેરો રિવર્સમાં લઇ પાછળ આવ્યોહ તો. હું દૂર ખસી જતાં તેણે ફરીથી બોલેરો પુરઝડપે હંકારી મારુ બાઇક રસ્તા પર પડયું હોઇ તેની ઉપરથી ચલાવીને જતો રહ્યો હતો. તેની બોલેરોના નંબર જીજે૦૭ટીયુ-૨૦૯૩ હતાં.
મને ઠોકરે ચડાવ્યો હોઇ જમણા હાથના પંજામાં, ડાબા ઢીંચણ, પંજામાં ઇજા થઇ હતી. બંને હાથની કોણી પણ છોલાઇ ગઇ હતી. આ પછી મેં ૧૦૮ને ફોન કર્યો હતો અને મિત્ર કિશન જાદવને પણ જાણ કરતાં તે પણ મારી સાથે સારવાર માટે આવ્યો હતો. અમે સારવાર બાદ રજા લીધી હતી અને ઘરે ગયા હતાં. બાદમાં ફરી દુઃખાવો થતાં મેડિકલમાંથી દવા લીધી હતી. નરેશ સાથે સમાધાનની વાત ચાલુ હોઇ ફરિયાદ કરી નહોતી. પણ સમાધાન ન થતાં અમે પોલીસને જાણ કરી હતી. મારા ભાઇ શૈલેષનું આયસર દિવેલીયાપરાના નરેશ ઠાકોરની બોલેરોમાં સ્હેજ અડી જતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હોઇ હું આ બાબતે નરેશને સમજાવવા ગયેલ પણ તે ઘરે ન હોઇ તેના માતા સાથે વાત કરી નીકળી ગયો હોઇ આ બાબતનો ખાર રાખી તેણે મને બોલેરોની ઠોકરે લઇ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમ વધુમાં ગભરૂ સાસકીયાએ કહેતાં પીઆઇ બી. પી. રજયા અને સ્ટાફે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
(2:05 PM IST)










