<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

રાજકોટ-મુંબઇના ભેજાબાજોએ જુદા-જુદા રાજયોના ગેમીંગના રવાડે ચડેલા લોકોના ૧૨.૫૦ કરોડ ઉસેડી લીધાઃ ૫ ની ધરપકડ

સાયબર ફ્રોડ અંગે સરકારના સમન્‍વય પોર્ટલ અને સી.આઇ.ડી. ઇનપુટ પરથી રાજકોટ સાયબર ક્રાઇમના પી.આઇ. એમ.એ. ઝણકાત, પી.આઇ. ડોબરીયાની ટીમની કાર્યવાહીઃ જુદા-જુદા રાજયોમાં થયેલી છેતરપીંડીની ફરિયાદોમાં ઉપયોગમાં લેવાયેલા ખાતાઓ અંગે પોર્ટલ પર માહિતી પ્રસિધ્‍ધ થાય છે : નોટરી જીજ્ઞાશા બાંભવાની સંડોવણી અંગે ઉંડી તપાસ બાદ થશે ધરપકડની કાર્યવાહી

 

રાજકોટ તા.૧૬: રાજકોટની બેન્‍કમાં ખોલાવાયેલા આઠેક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.૧ર.પ૦ કરોડ જમા થયાનો ઘટ્ટસ્‍ફોટ થયો છે. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે નોટરી સહિત કુલ ૧૧ આરોપીઓ સામે બે અલગ-અલગ ગુના દાખલ કરી તપાસ હાથધરી ૫ ખાતાધારકોની ધરપકડ કરી છે. રાજકોટમાં આ પ્રકારે સાયબર ફ્રોડ અંતર્ગત સોૈ પ્રથમ કાર્યવાહી થઇ છે. ગર્વમેન્‍ટના સમન્‍વય પોર્ટલ અને સી.આઇ.ડી. ક્રાઇમના ઇનપુટના આધારે એક અઠવાડીયાની મહેનતના અંતે સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના પી.આઇ. એમ.એ. ઝણકાત અને ટીમે નવતર પ્રકારની છેતરપીંડી શોધી કાઢી છે. જે તે ખાતાધારકોને ભેજાબાજો તેમના ખાતાના ઉપયોગ બદલ તગડુ કમીશન ચુકવતા હોવાનું બહાર આવ્‍યું છે.

સાયબર સેન્‍ટીનલ લેબની મદદથી સાયબર  ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલા બેન્‍ક ખાતાઓ અંગે તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન ઈન્‍ડિયન ઓવરસીઝ બેન્‍કમાં ખોલાવાયેલા ૭ ખાતામાં સાયબર ફ્રોડના રૂા.૯.પ૦ કરોડ જમા થયાનો ઘટ્ટસ્‍ફોટ થયો હતો. જે ૭ પેઢીના નામે આ બેન્‍ક ખાતા ખોલાવાયા હતા તે તમામ પેઢીનું કોઈ અસ્‍તિત્‍વ નથી.

જેથી બેન્‍ક ખાતા ખોલાવનાર મયુર હિતેન્‍દ્ર ખુંગલા , રોમેશ અમીરભાઈ મુખીંડા (રહે. બંને  મનહર સોસાયટી શેરી નં.૧૦, આરટીઓ પાછળ), મીત લાલબહાદુર ગુપ્તા અને લાલબહાદુર નરોતમ ગુપ્તા (રહે. બંને જલારામ સોસાયટી, મોરબી રોડ)ની પુછપરછ કરતાં ચારેયે એવી કબુલાત આપી હતી કે સારૂ કમિશન મેળવવા માટે રાજેન્‍દ્ર નવલ ખુંગલા અને પ્રવીણ પરસોતમ સંખારવાની મદદથી જુદી-જુદી પેઢીના ખોટા સિકકા, ખોટી પાર્ટનરશીપ ડીડની મદદથી, જુદી-જુદી પેઢીના નામના પાનકાર્ડ કઢાવી અને અન્‍ય દસ્‍તાવેજોની મદદથી બેન્‍ક ખાતા ખોલાવ્‍યા હતા.

બે પૈકીના એક એવા મુખ્‍ય સુત્રધાર પ્રવીણ સંખારવા (રહે. તીરૂપતિ પાર્ક-૧, બેડીપરા)ની પુછપરછ કરતાં તેણે કહ્યું કે મુંબઈના આશિષને ઓનલાઈન ગેમીંગ અને ફ્રોડના રૂપિયા જમા કરાવવા માટે આ તમામ બેન્‍ક ખાતા આપ્‍યા હતા. જેના બદલામાં તમામ ખાતાધારકોને તગડું કમિશન આપતો હતો.

એટલું જ નહીં તમામ બેન્‍ક ખાતા ખોલાવવા માટે રજૂ કરવામાં આવેલ પાર્ટનરશીપ ડીડનું નોટરાઈઝડ જીજ્ઞાાશા બાંભવા દ્વારા કરવામાં આવ્‍યું હતું. સાયબર ક્રાઈમ પોલીસે પાંચ ખાતા ધારકો મયુર, રોમેશ, લાલબહાદુર,  મીત, હાર્દિક જગદીશ લીંબાસીયા, બે મુખ્‍ય સુત્રધારો પ્રવીણ, રાજેન્‍દ્ર, નોટરી જીજ્ઞાષા અને મુંબઈના આશિષ સામે ગુનો દાખલ કર્યો છે. સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્‍યું હતું કે એક ખાતાધારકનું અકસ્‍માતમાં મોત થયું છે.

પીઆઈ પી.આર. ડોબરીયાએ સાયબર ફ્રોડમાં ઉપયોગ થયેલા અન્‍ય ખાતા અંગે તપાસ કરતાં આઈસીઆઈસીઆઈ બેન્‍કનું એક ખાતું મળી આવ્‍યું હતું. શ્રી રઘુવંશી એન્‍ટરપ્રાઈઝના નામે ખોલાવાયેલા આ કરંટ ખાતાની કેવાયસી ડિટેઈલ મેળવતાં ખાતું કેતન કિશોર બોપલીયાના નામનું હોવાનું જાણવા મળ્‍યું હતું.

જયારે પેઢીનું સરનામું રેલનગર, ૮૦ ફૂટ રોડ, એ-શ્‍યામા સ્‍કાય લાઈફ બિલ્‍ડીંગ, જયારે બીજું સરનામું સૌરાષ્‍ટ્ર હાઈસ્‍કૂલ પાસે હિંગળાજનગર શેરી નં.૭નું હતું. ખાતા ધારક કેતનના સરનામામાં આફ્રિકા કોલોની શેરી નં.૩ દર્શાવાયું હતું. જેથી તેના નામ-સરનામા અને મોબાઈલ નંબરના આધારે સાયબર ક્રાઈમ પોલીસે તેને શોધી લઈ પુછપરછ કરતાં તેણે કહ્યું કે આશરે ત્રણ વર્ષ પહેલાં ર્સ્‍ટલિંગ હોસ્‍પિટલમાં નોકરી કરતો હતો ત્‍યારે  સિકયુરીટીમાં નોકરી કરતો જીત ભરતભાઈ કુકડીયા (રહે. નાણાવટી ચોક, ગીરીરાજનગર) તેને મળ્‍યો હતો.

જેણે તેને કહ્યું કે જો તારા નામનું કરંટ બેન્‍ક એકાઉન્‍ટ હોય તો મને આપ, મારે તેમાં ઓનલાઈન ગેમીંગના રૂપિયા ટ્રાન્‍સફર કરાવવાના છે, જેનું તને કમિશન મળશે. ત્‍યાર પછી તેણે જીતની મદદથી શ્રી રઘુવંશી એન્‍ટરપ્રાઈઝ નામની પેઢીનું કરંટ બેન્‍ક એકાઉન્‍ટ આઈસીઆઈસીઆઈ બેન્‍કમાં ખોલાવ્‍યું હતું. બદલામાં કમિશન પેટે તેને કેતને રૂા.૩ હજાર આપતા તેણે કેતનને બેન્‍ક ખાતાની કિટ આપી દીધી હતી.

ત્‍યારબાદ આજ બેન્‍ક એકાઉન્‍ટમાં  ગઈ તા.૧૪-૬-ર૦ર૩ થી લઈ તા.૬-૯-ર૦ર૩ના સમયગાળા દરમિયાન જુદા-જુદા રાજયમાં થયેલા ઈન્‍વેસ્‍ટમેન્‍ટ ફ્રોડના રૂા.૩.૦૬ કરોડ જમા થયા હતા. સાયબર ક્રાઈમ પોલીસે જીતની પણ પુછપરછ શરૂ કરતાં અનેક ચોંકાવનારી માહિતી બહાર આવવાની શકયતા છે. સાયબર ક્રાઈમ પોલીસ સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે સરકારના સમન્‍વય પોર્ટલ ઉપરથી બહારના રાજયોમાં નોંધાયેલી ૧૪ ફરિયાદોમાં ઉપરોકત એકાઉન્‍ટનો ઉપયોગ થયાની માહિતી ઉપલબ્‍ધ હતી તેના આધારે અને સીઆઇડી ક્રાઇમના ઇનપુટના આધારે સતત ૮ દિવસ સુધી તપાસ હાથધરી તમામ ગુન્‍હાહિત માનસ ધરાવતા તત્‍વોને સંકજામાં લેવાયા હતા.

ઈન્‍ડિયન ઓવરસીઝ બેન્‍કના ખાતાધારક મયુર અને રોમેશની પાર્ટનરશીપ ડીડ અને બેન્‍ક એકાઉન્‍ટના કેવાયસીમાં કરવામાં આવેલી સહીઓ અલગ પડતી હોવાથી પુછપરછ કરતાં કહ્યું કે બેન્‍ક ખાતુ ખોલાવતી વખતે તેમણે સહીઓ કરી હતી. પરંતુ પાર્ટનરશીપ ડીડ વખતે તેમણે સહીઓ કરી ન હતી. મુખ્‍ય સુત્રધાર પૈકીના પ્રવીણે બંનેને કહ્યું હતું કે નોટરી જીજ્ઞાષાબેન તેના જાણીતા છે   અને  તમે બંને પાર્ટનરશીપ ડીડમાં સહી કરવા નહીં આવો તો ચાલશે. જેથી બંનેની સહીઓ બીજા કોઈએ કર્યાની શકયતા છે.  આરોપી મયુર વેપાર કરે છે. આરોપી રોમેશ ફુડની ડિલીવરી કરતી કંપનીમાં રાઈડર છે. આરોપી મીત અને તેના પિતા લાલબહાદુર ગેરેજ ધરાવે છે.

દરમ્‍યાન રાજકોટના વધુ ત્રણેક બેન્‍ક ખાતાનો સાયબર ફ્રોડમાં ઉપયોગની શંકા ઉપસી છે. બેન્‍કના સંબંધિત કર્મચારીઓની ભૂમિકાની પણ સાયબર ક્રાઈમ પોલીસ તપાસ કરશે.

સાયબર ક્રાઈમ પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્‍યું છે કે જીતે, કેતન પાસે ખાતું ખોલાવી તેનો સાયબર ફ્રોડની રકમ જમા કરાવવામાં ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત જીતે પોતાનું અને પિતાના નામનું ખાતું પણ આપી દીધાનું બહાર આવ્‍યું છે. આ બંને ખાતામાં પણ સાયબર ફ્રોડની રકમ જમા થયાની તપાસનીશોએ શંકા દર્શાવી છે. જો કે બંને ખાતામાં ખરેખર કેટલી રકમ જમા થઈ છે તે વિશે હજૂ સુધી માહિતી મળી નથી. તપાસ દરમ્‍યાન આ માહિતી મળી જાય તેવી શકયતા છે. ત્‍યાર પછી અનેક નવા ખુલાસા થવાની પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે. એટલું જ નહીં જીતની પુછપરછમાં સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા બીજા નામોનો પણ ખુલાસો થશે. ટુંકાગાળામાં મોટા વ્‍યવહારો થયા છતા બેન્‍કને કેમ શંકા ન ગઇ તેઓ પણ પશ્ન ઉઠયો છે.

બીજો ગુન્‍હો

રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા હર્ષરાજસિંહ સહદેવસિંહ જાડેજાએ આફ્રિકા કોલોનીમાં રહેતા અને આઈસીઆઈસીઆઈ બેન્‍કમાં કરંટ એકાઉન્‍ટ ધરાવતા કેતન કિશોરભાઈ બોપલીયા, ગિરિરાજનગરના જીત ભરતભાઈ કુકડીયા અને તપાસમાં ખુલે તેની સામે ૩,૦૬,૩૯,૦૩૦ રૂપિયા જે ફ્રોડની રકમ હોય તે પોતાના ખાતામાં જમા કરાવી ઉપાડી લઈ કમિશન મેળવ્‍યા અંગે ફરિયાદ નોંધાવી છે. શંકાસ્‍પદ ખાતાઓની તપાસ કરવા મળેલી સૂચના અન્‍વયે શ્રી રઘુવંશી એન્‍ટરપ્રાઈઝ પેઢીના વ્‍યવહારો ચકાસતા આ પેઢી કેતન બોપલીયાના નામની હોવાનું જાણવા મળતા તેની પૂછપરછ કરતા તેણે જણાવ્‍યું હતું કે ૩ વર્ષ પહેલા તે ર્સ્‍ટલિંગ હોસ્‍પિટલમાં સિકયોરિટીમાં નોકરી કરતા હતા ત્‍યારે સાથે નોકરી કરતા જીત કુકડીયાએ મને જણાવ્‍યું હતું કે તારા નામનું નામનું કરંટ એકાઉન્‍ટ હોય તેમાં ઓનલાઈન ગામિંગના પૈસા ટ્રાન્‍સફર કરવાનું કમિશન મળશે જેથી તેણે જીતની મદદથી ખાતું ખોલાવ્‍યું હતું જેમાં જેમાં તેને ૩૦૦૦ કમિશન મળ્‍યું હતું.

બાદમાં બેન્‍ક ખાતાની કીટ જીતને આપી દીધી હતી ૧૪ જૂન ૨૦૨૩થી ૬ સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ સુધીમાં ખાતામાં ૩,૦૬,૩૯,૦૩૦ રૂપિયા જમા કરાવી કમિશન મેળવી લીધાનું જાણવા મળ્‍યું હતું જેથી બંને સામે ફરિયાદ નોંધાવી હતી આ અંગે પીઆઇ પિયુષ ડોબરીયાએ જણાવ્‍યું હતું કે આ એક ખાતામાં જ પૈસા જમા થયા છે હાલ બંનેને નોટિસ આપવામાં આવી છે વિધિવત ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. વધુ તપાસ પી.આઇ. એમ.એ. ઝણકાત, પી.એસ.આઇ. આલ, એ.એસ.આઇ. વિવેક કુછડીયા, ભરત ખોડભાયા સહિતની ટીમ ચલાવી રહી છે.(૨.૧૮)

(2:39 PM IST)