તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
વ્યાજખોરીમાં ફસાતાં ટૂર ટ્રાવેલ્સ સંચાલક ખુશાલ પરસાણાએ ઝેર પીધું: મહિલા સહિત ૪ સામે ગુનો
થોરાળા પોલીસે રિધ્ધી સિધ્ધી સોસાયટીના યુવાનની ફરિયાદ પરથી મુમતાઝબેન, બાબર, શિવરાજસિંહ અને યોગેન્દ્ર વિરૂધ્ધ ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૧૨: વ્યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ સુધી પહોંચ્યો છે. જેમાં દૂધસાગર રોડ પર રહેતાં અને ટૂર ટ્રાવેલ્સનું કામ કરતાં યુવાનને વ્યાજખોરી મામલે ત્રાસ અપાતાં તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં થોરાળા પોલીસે મહિલા સહિત ચાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
આ બનાવમાં થોરાળા પોલીસે દૂધસાગર રોડ પર ગુ.હા. ક્વાર્ટરમાં રિધ્ધિ સિધ્ધિ સોસાયટીમાં રહેતા અને માતા સાથે ટુર એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતાં ખોડાભાઈ ઉર્ફે ખુશાલ બાબુભાઈ પરસાણા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી મુમતાઝબેન, બાબર, શિવરાજસિંહ અને દેવેન્દ્ર સામે ગુનો દાખલ થયો છે. ખોડાભાઈએ પોલીસને જણાવ્યું કે તે માતા સાથે ટુર એન્ડ ટ્રાવેલ્સ બસની યાત્રા કાઢી ધંધો કરે છે. માતા ભારતીબેનને મણકાની ચાર ગાદી ખસી ગઇ હોવાથી સારવાર માટે પૈસાની જરૂરિયાત ઉભી થતાં છએક મહિના પહેલાં મુમતાઝબેન (રહે. એકતા સોસાયટી, જંગલેશ્વર) પાસેથી ૧૫ ટકા વ્યાજે રૂા. ૧.૫૦ લાખ લીધા હતાં. જેનું રૂા. ૩૦ હજાર વ્યાજ ચૂકવ્યું હતુ.આ સમયે આરોપીને તેના અને તેના માતાના નામનો એક-એક ચેક આપેલો હતો.
આ ઉપરાંત ત્રણ-ચાર માસ પહેલા આરોપી બાબર અને શિવરાજસિંહ પાસેથી ૧૦ ટકા વ્યાજે રૂા. ૧.૮૦ લાખ લીધા હતાં. જેના રૂા. ૯૦ હજાર ચૂકવ્યા હતા. આ બંને આરોપીઓને પણ તેનો અને તેના માતાના નામનો ચેક આપેલો હતો.ત્યારબાદ ત્રણેક માસ પહેલાં આરોપી દેવેન્દ્ર પાસેથી દરરોજનું રૂા. ૩૨૦૦ વ્યાજ લેખે ૮૦ હજાર લીધા હતાં. તેને પણ ચેક આપેલો હતો.કરતાં આ તમામ આરોપીઓ તેના ઘરે જઈ મૂળ રકમ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હેરાન-પરેશાન કરતાં હતાં. એટલું જ નહીં અવારનવાર તેને અને તેના માતા ભારતીબેનના ફોનમાં ફોન કરી વ્યાજ આપી દેવાં ધમકાવી ત્રાસ આપતા હતા. તેને આરોપીઓને અમારી પાસે સગવડ થશે ત્યારે તમને પૈસા આપી દઈશું તેમ કહી સમજાવ્યા હતા.
પરંતુ તે સમજતા ન હતાં. એટલું જ નહીં તેને વધુ પરેશાન કરી, ત્રાસ ગુજારી આરોપીઓએ તમે ગમે તે કરો કે મરી જાવ, પણ અમને સમયસર વ્યાજ અને મૂળ રકમ આપી દેજો તેમ કહેતાં કંટાળી જઈ તેને આજે બપોરે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં એએસઆઇ ઘેલુભાઇ શિયારે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. (૧૪.૧૨)
(3:00 PM IST)










