તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
સિવીલ હોસ્પીટલ-એઇમ્સમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કલેકટરને આવેદનઃ પગલાની માંગણી
હાથ સે હાથ જોડો કોંગ્રેસ પાર્ટીએ રજૂઆતો કરીઃ જવાબદારો સામે કાર્યવાહી કરો...

સિવીલ-એઇમ્સ હોસ્પીટલમાં વ્યાપક ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન અપાયું હતું. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૬: હાથ સે હાથ જોડો કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કલ્પેશ કુંડલીયા અને અન્યોએ કલેકટરને આવેદન પાઠવી રાજકોટ સિવિલ હોસ્પિટલ અને એમ્સ હોસ્પિટલમાં થતા વ્યાપક ભ્રષ્ટાચાર અંગે યોગ્ય પગલાં લેવા માંગણી કરી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારે ભરડો લીધો છે તે હવે જગ જાહેર છે અને આ ભ્રષ્ટાચાર ઉજાગર કરીને વારંવાર ફરિયાદ કરવા છતાં તંત્ર નીંભર બનીને તમાશો જોઇ રહ્યું હોય તેમ લાગે છે મસ મોટા કૌભાંડો સિવિલમાં જોવા મળી રહ્યા છે. હાલમાં જ બે ગ્રુપ દ્વારા ૩૦ લાખનો ચૂનો સિવિલ હોસ્પિટલને લગાડવામાં આવ્યો છે. આ ગ્રુપનું ટેન્ડર પાસ ન થતા સિવિલ હોસ્પિટલના વોશિંગ માટે આપેલા કપડાં આશરે ૩૦ લાખના હોય જે હજુ સુધી હોસ્પિટલને પરત કરેલ નથી ને આ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી સ્પષ્ટ જણાઇ આવે છે કે આ બધું મીલીભગત હોય શકે...આ ઉપરાંત સિવિલના ફાયર સેફટીનું કરોડો રૂપિયાનું કૌભાંડ થયેલ હતું જેની પણ તપાસ માંગવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઇજ પગલા લેવામાં આવ્યા નથી અને થોડા સમય પહેલા રાજકોટ સિવિલ અધ્યક્ષની ખાનગી હોસ્પિટલ અંગે ફરિયાદ કરવામાં આવી હતી જેમાં તેમનું નામ મોટા અક્ષરોએ બહાર લાગેલ હતું જે વિરોધ થતા હટાવી લેવામાં આવેલ પરંતુ હાલ ફરીથી એજ નામ ત્યાં જોવા મળી રહ્યું છે જે સીધું જ શંકા ઉપજાવે છે.
એમ્સ હોસ્પિટલ પણ ભ્રષ્ટાચાર કરી રહી છે ત્યાં પણ આવી રહ્યા તાજેતરમાં જ એડમિન વિભાગમાં આગ લાગી હતી તેમાં આઉટ સોર્સ સ્ટાફ દાજી પણ ગયેલ તો શું વધુ લોકોની જાનહાનિ થાય તેની રાહ જોવાઇ રહી છે એ પણ પ્રશ્ન ઉદ્ભવે છે એમ્સ હોસ્પિટલમાં પૂર્વ સીડી દ્વારા પોતાના પુત્રની ગેર વાજબી રીતે ફિટનેસ ફિટ ના હોવા છતાં કાયમી ભરતી કરી દીધેલ છે પણ મોટું કૌભાંડ છે અને ફર્નિચરમાં પણ માસ મોટું કૌભાંડ બહાર આવેલ છે. કેન્ટીન, ગાર્ડન તેમજ ઘણા ખરા ટેન્ડર પુરા થયા ઘણા વર્ષો થઇ ગયા છતાં પણ કરતા નથી રાજકોટમાં આ બન્ને હોસ્પિટલમાં વ્યાપક ભ્રષ્ટાચારને શા માટે છાવરવામાં આવી રહ્યા છે એ પ્રશાસન સામે પણ સવાલ ઉભો કરે છે.
આપને આ આવેદન દ્વારા વિનંતી કરીએ છીએ કે ઉપર મુજબ જે કંઇ પણ વિગતો આપવામાં આવી છે તેની ઇમાનદારી પૂર્વક તપાસ કરવામાં આવે અને જવાબદાર કોઇપણ વ્યકિત હોય તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આવેદન આપવામાં વશરામભાઇ સાગઠીયા, જયેશભાઇ ઠાકોર, દીપકભાઇ મકવાણા, નંદાભાઇ ડાંગર, કેશુભાઇ કોળી, દીપકભાઇ ભાટિયા, હસુભાઇ ગોસ્વામી, દિલીપભાઇ અસવાની, કેતનભાઇ તાળા, અજયભાઇ પરમાર, જયુભાઇ ગઠતરા, રસીકભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ ગઢવી વિગેરે જોડાયા હતા.
(3:05 PM IST)










