તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
રવિ-ઋષિ સોસાયટી પાછળ ગંદકી-દારૂ મુદ્દે લોકો ત્રાટકશે
ડિમોલીશનના સૂરસૂરિયાઃ માથાભારે તત્વોએ ફરી બાંધકામો કરી લીધા : હજાર લોકોના ટોળા દારૂના અડ્ડા પર ત્રાટકીને તેના વીડિયો ગૃહમંત્રી, મુખ્યમંત્રીને મોકલવા એલાન : ગંદકી -દારૂથી ધર્મનગરના ર૦ હજાર લોકો ત્રાહીમામ હવે રજૂઆત ન કરવા નિર્ણય : ભયાવહ ગંદકીથી લોકો ત્રાહીમામ : રોગચાળો ફાટવાની સંભાવના : દારૂડિયા-દારૂના ધંધાર્થીઓ બેફામઃ ખુલ્લેઆમ ધંધા-દાદાગીરી : જનતા રેડ કરીને લોકો પોલીસનું નાક કાપશે : તંત્રની નિસ્ક્રીયતાથી તીવ્ર આક્રોશ : અધિકારીઓ-કોર્પોરેટરના ઘેર ગંદકી સાથે હલ્લો કરવા એલાન

રાજકોટ તા.૧૬: મહાનગરપાલિકા તથા પોલીસ તંત્રની નિસ્ક્રીયતાથી ત્રાહીમામ બની ગયેલા લોકોનો આક્રોશ ફાટ્યો છે અને તંત્ર પર હલ્લાબોલનું એલાન કર્યુ છે. રામાપીર ચોકડી પાસે ધર્મનગર એરિયામાં કાયમી ગંદકીના થર જામેલા રહે છે. અનેક વખત રજૂઆતો થઇ તંત્ર સામાન્ય કાર્યવાહી કરીને સંતોષ માને છે. પ્રશ્નનું કાયમી નિરાકરણ આવતું નથી. હવે ત્રાહીમામ લોકોએ રજૂઆત કરવાને બદલે જવાબદાર અધિકારીઓ અને કોર્પોરેટરના ઘેર ગંદકી સાથે ત્રાટકવાનું આયોજન મજબૂર બનીને કર્યું છે.
ધરમનગર વિસ્તારના લોકો અને રવિ રેસીડેન્સી તથા ઋષિવાટિકા સોસાયટી હરસિધ્ધિ સોસાયટી,શિવમ પાર્ક વગેરે વિસ્તારની આશરે ૨૦ હજાર જેટલી વસ્તી તીવ્ર ગંદકી અને દારૂની રેલમછેલમથી ત્રાહીમામ પોકારી ગઇ છે. ચારે બાજે લથડિયા ખાતા દારૂડિયા અને દાદાગીરી કરતા દારૂના ધંધાથીઓ બેફામ બન્યા છે.
સોસાયટીના અગ્રણીઓ ઘનશ્યામ ભાઇ ગીડા, કેતનભાઇ સુચક, કેતનભાઇ લખતરિયા,ચિરાગભાઇ છગ,નિખિલભાઇ ઠાકર, રાજુભાઇ ભટ્ટ વગેરેએ જણાવ્યું હતું કે, ગંદકી અને અસામાજિક પ્રવૃતિ, નશાના બેફામ ધંધાથી ધર્મનગર એરિયો ત્રાહીમામ પોકારી ગયા છે. તંત્ર કંઇ ખાસ કરતું નથી.
આ વિસ્તારના લોકોની સહનશકિતની હદ આવી ગઇ છે. તંત્રની નિસ્ક્રિયતાથી લાચાર બનેલા લોકો હવે ગંદકી સાથે અધિકારીઓ તથા કોર્પોરેટરના ઘર પર હલ્લો કરીને ગંદા માહોલમાં લોકોની મુશ્કેલીનો અનુભવ કરાવશે.
રવિ રેસીડેન્સી પાછળના મેદાનમાં ગંદકીના ડુંગરા સર્જીયા છે. ચોમાસામાં ભેજવાળા માહોલના કારણે મચ્છરો તથા ઝેરી જીવાતોથી રોગચાળાની દહેશત સર્જાઇ છે. અનેક વખત રજૂઆત બાદ પણ કાયમી ઉકેલ ન આવતા હવે લોકોએ રજૂઆત કરવાને બદલે ગંદકી અધિકારીઓ-નગરસેવકોના ઘરમાં ફેકવાનું એલાન કર્યું છે.
ધરમનગર વિસ્તારના લોકોએ- અગ્રણીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ એરિયા પાછળ આવેલી ઝૂપડપટ્ટીમાં દેશી દારૂના ધંધા બેફામ ચાલે છે. આ ઉપરાંત અસામાજિક પ્રવૃતિનું કેન્દ્ર પણ આ વિસ્તાર બની ગયો છે. ખુલ્લેઆમ ગેરકાયદે નશા અને દાદાગીરી સામે પોલીસ તંત્ર સાવ નિસ્ક્રીય છે.
અગ્રણીઓ કહે છે કે, પોલીસ કમિશનર અચાનક રૂબરૂ આવીને જુએ તો તેના પોલીસ તંત્રની નિસ્ક્રીયતાનો ખ્યાલ આવે. ત્રાહીમામ બનેલા લોકોએ જણાવ્યું હતું કે, દેશીદારૂના અડ્ડા અને દાદાગીરી અંગે હવે રજૂઆત કરાશે નહિ. હજારો લોકોના ટોળા જ દારૂના ધંદ્યાર્થીના અડ્ડાઓ પર ત્રાટકીને ઓપરેશન કરીને પોલીસ તંત્રનું નાક કાપશે. આ ઓપરેશનોની વીડિયોગ્રાફી કરીને ગૃહપ્રધાન, મુખ્ય પ્રધાનને મોકલવામાં આવશે. લોકો આક્રોશભેર કહે છે કે, વડાપ્રધાનને પણ ગુજરાત - રાજકોટની અવદશાથી વાકેફ કરવા વીડિયા મોકલવા પ્રયાસ થશે.
લોકો-અગ્રણીઓ કહે છે કે, ધર્મનગર પાછળની ઝૂપડપટ્ટીમાં તાજેતરમાં અસામાજિક તત્વોના રહેણાકોના ડિમોલીશન કરાયા હતાં. અધિકારીઓએ જમીન ખુલ્લી કર્યાની બડાશો હાંકી હતી. આ ડિમોલીશનના સૂરસૂરિયા માથા ભારે - અસામાજિક તત્વોએ કર્યા છે. ડિમોલીશન થયા ત્યાં ફરી પાકા બાંધકામો કરીને અધિકારીઓને પડકાર ફેંકયા છે.
અગ્રણીઓ કહે છે કે, ગંદકી, દારૂ, ગેરકાયદે બાંધકામો અંગે તંત્ર માત્ર દેખાડો જ કરે છે. આ વિસ્તારના લોકોને મહાપાલિકા તથા પોલીસ તંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હવે વીસ હજાર લોકોના ટોળા જ પ્રશ્નના ઉકેલ લાવશે.
અગ્રણીઓએ સ્પષ્ટ કહ્યું છે કે, બે દિવસમાં ગંદકી દૂર નહિ થાય અને દારૂ તથા દારૂડિયા બંધ નહિ થાય તો લોકો લાચાર બનીને કાયદો હાથમાં લેશે. આ વિસ્તારના ગંદકી મુદ્્ે અને દારૂના અડ્ડાઓ પર ત્રાટકીને વીડિયોગ્રાફી કરીને પ્રશ્ન ઉકેલીને તંત્રનું નાક કાપશે. અગ્રણીઓએ અંતમાં કહ્યું હતું કે, બે દિવસમાં માત્ર દેખાડો કરવા કાર્યવાહી ન કરતા ગંદકી અને દારૂના અડ્ડાના કાયમી નીકાલ લાવવા સક્રિય થજો.
(3:09 PM IST)










