તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
સ્વચ્છ સર્વેક્ષણનું કાલે પરિણામઃ સ્માર્ટસિટી રાજકોટ કેટલામાં ક્રમે ?

રાજકોટઃતા.૧૬: કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોને ગંદકી મુક્ત બનાવવા સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધા શરૂ કરાઇ છે. દરમિયાન સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪નું પરિણામ આવતીકાલે નવી દિલ્હી ખાતેથી જાહેર થનાર હોવાનું જાણવા મળે છે. રાજકોટ શહેર અગાઉ ટોપ ટેનમાં આવ્યા બાદ ૨૦૨૩માં છેક ૩૭મા ક્રમે ફેંકાઇ ગયું હતું. હવે કાલે જાહેર થનારા પરિણામોમાં રાજકોટ કેટલામાં ક્રમે આવશે તે જોવાનું રહેશે.
દેશના શહેરોની મહાનગરપાલિકાઓ અને સ્થાનિક વહીવટીતંત્રોને વધુ સ્વચ્છતા જાળવવા માટે પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકારનું આવાસ અને શહેરી બાબતો મંત્રાલય સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દર વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ હાથ ધરે છે.સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ના પરિણામો આવતીકાલે તા.૧૭ જુલાઇના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહ દરમિયાન જાહેર કરવામાં આવશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે સુપર કલીનનેસ લીગ નામની એક અલગ કેટેગરી બનાવી છે. જેમાં પાછલા વર્ષોમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લીગમાં વધુ શહેરો ઉમેરવામાં આવ્યા હતા, જેનાથી કુલ શહેરોની સંખ્યામાં પણ વધારો થયો છે.
(3:59 PM IST)










