તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Thursday, 17th July 2025
આજીડેમ ચોકડીથી કાળીપાટ પાટીયા સુધી ૮ કિ.મી.ના રસ્તે ટ્રાફિક પોલીસની ભારે કનડગત
ચેકીંગના નામે ત્રણ પોઇન્ટ પર ઉઘરાણા થતાં હોવાનો આક્ષેપઃ હેરાનગતિ બંધ નહિ થાય તો આંદોલન : પાંત્રીસ ગામોના સરપંચોની તાલુકા પંચાયત સદસ્ત નિશીત ખુંટની આગેવાનીમાં ડીસીપી ટ્રાફિકને રજૂઆત

ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગના નામે રાજકોટની આજીડેમ ચોકડીથી કાળીપાટ સુધીના આઠ કિ.મી.ના રસ્તા પરના ગામોના વાહનચાલકોને ખોટી રીતે હેરાન કરવામાં આવતાં હોવાના રોષ સાથે પોલીસ કમિશનર કચેરીએ તા.પં. સદસ્ય નિશીત ખુંટની આગેવાનીમાં સરપંચો, ગ્રામજનોએ રજૂઆત માટે પહોંચ્યા હતાં (ફોટોઃ અભીજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૭: શહેર પોલીસની હદમાં આવતી આજીડેમ ચોકડીથી કાળીપાટના પાટીયા સુધીના આઠ કિલોમીટરના રસ્તામાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગના નામે ત્રણ-ત્રણ પોઇન્ટ રાખી ઉઘરાણા કરવામાં આવતાં હોવાની ચોંકાવનારી રજૂઆત રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય નિશીત બી. ખુંટની આગેવાની હેઠળ ૩૫ ગામના સરંપચ અને ગામલોકોએ પોલીસ કમિશનર અને ડીસીપી ટ્રાફિકને કરી હતી. ચેંકીંગના નામે થઇ રહેલા ઉઘરાણા અને હેરાનગતિ બંધ નહિ થાય તો આંદોલનનો રસ્તો અપનાવવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઇ હતી.
રજૂઆતમાં જણાવાયું છે કે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવે તે સારી બાબત છે પરંતુ ચેંકીગના નામે વાહન ચાલકોને ખંખેરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસની ટીમ કોઠારિયાથી ખોખડદળ, કસ્તુરબાધામથી હલેન્ડા વચ્ચે ચેંકીગના નામે વાહનચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસની ટીમ રોડ ઉપર ઉતરી પડે છે અને ૩૫ ગામના વાહનચાલકોને ટ્રાફિક કાયદાની બીક બતાવી દંડ સ્વરૂપે આર્થિક રીતે હેરાન કરવામાં આવે છે. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોટા વાહન ચાલકો માટે બનાવવામાં આવેલી ચકલા-પોપટની સ્કીમની અમલવારી જેમ ટુવ્હીલર ચાલકોને પણ આવી સ્કીમમાં સામેલ કરી લેવાય તો હેરાનગતિ બંધ થાય તેમ વધુમાં સરપંચો, આગેવાનોએ જણાવ્યું હતું.
આગળ જણાવાયું હતું કે રાજકોટ નજીક હોવાથી. નાની-મોટી ખરીદી કરવા ગામડાના લોકો શહેરમાં આવે છે પરંતુ ટ્રાફિક પોલીસની આવી કનડગતના કારણે રાજકોટ આવતા ડર અનુભવે છે. તેવી રજૂઆત તાલુકા પંચાયતના સભ્ય નિશિત ખૂંટ, યુવરાજસિંહ જાડેજા, ભાવેશ પીઠવા, ચોથાભાઈ ડાભી, નારણભાઈ ખેર, યોગભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓએ કરી હતી. તેમજ ટ્રાફિક શાખાના ડીસીપી પૂજા યાદવને રૂબરૂ મળી એવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે તાકીદે ભાવનગર રોડ ઉપર ત્રણ જગ્યાએ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી કરવામાં આવતા ઉઘરાણા બંધ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં આ મામલે આંદોલનના મંડાણ થશે. (૧૪.૬)
(10:53 AM IST)










