<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

રાજકોટના નામચીન મીહીર ઉર્ફે મિલન શુકલ સહિત ત્રણ શખ્‍સો ૩૦ કાર્ટીસ સાથે રાજસ્‍થાનમાં ઝડપાયા

સ્‍વરૂપગંજ ટોલનાકા નજીક રાજકોટ પાસીંગની કાળા કલરની શંકાસ્‍પદ સ્‍કોર્પીયોને પોલીસે અટકાવતા ભાંડો ફુટયોઃ ગેરકાયદે કાર્ટીસ રાજસ્‍થાનથી લાવી રાજકોટમાં ગુન્‍હાહીત કૃત્‍યને અંજામ આપવાના હતા?

રાજકોટ તા.૧૮: રાજસ્‍થાનના સિરોહી જીલ્લાના સ્‍વરૂપગંજ ટોલનાકા પાસેથી રાજસ્‍થાન પોલીસે ઝડપી લીધેલી રાજકોટ પાસીંગની સ્‍કોર્પીયોમાંથી ૩૦ જીવતા કાર્ટીસ સાથે રાજકોટના નામચીન મીહીર (મીલન) રમેશ શુકલ અને તેના પુત્ર હિરેન શુકલ સહિત ત્રણને ઝડપી લીધા હતા. ગેરકાયદે કાર્ટીસ ભીલવાડા તરફથી લઇ રાજકોટમાં કોઇ ગુન્‍હાહીત કૃત્‍યને અંજામ આપવા આવી રહ્યાની શંકા સેવાઇ રહી છે.

જીજે-૦૩-એનકે-૬૮૯૧ નંબરની સ્‍કોર્પીયોને આબુ નજીક સ્‍વરૂપગંજ ટોલનાકા પાસે પોલીસે અટકાવી ત્‍યારે અંદર બેઠેલા ત્રણ શખ્‍સો ગભરાઇ ગયા હતા. જેને લઇ પોલીસે સ્‍કોર્પીયોની તલાશી શરૂ કરતા આગળના ડેસબોર્ડમાંથી ૩૦ જીવતા કાર્ટીસ મળી આવ્‍યા હતા. આ કાર્ટીસ પીસ્‍તલમાં વપરાય છે. જે કાર્ટીસ મળ્‍યા તે હથિયાર કોનું? ગેરકાયદે છે કે લાયસન્‍સ વાળુ? તે સહિતના પ્રશ્નો ઉદભવ્‍યા છે.ઝડપાયેલા શખ્‍સોમાં રાજકોટના ભગવતીપરામાં રહેતા રાજેશ પ્રભાત આહિર (ઉ.વ.૪૦) મોરબી રોડ જકાતનાકા પાસે જમનાપાર્કમાં રહેતા મુળ ભાડલાના મીહીર ઉર્ફે મીલન રમેશ શુકલ (ઉ.વ.૪૯) અને તેનો પુત્ર હિરેન શુકલ (ઉ.વ.૨૫)નો સમાવેશ થાય છે. આ ત્રણેય શખ્‍સો ભીલવાડાથી રાજકોટ આવી રહ્યા હતા. મુખ્‍ય સુત્રધાર મીહીર ઉર્ફે મીલન રાજકોટના જુદા-જુદા પક્ષોના રાજકીય શખ્‍સોની છાંયામાં કામ કરતો હોવાની માહીતી મળી રહી છે. રાજસ્‍થાન પોલીસે વધુ પુછપરછ હાથધરી છે. આ શખ્‍સોનો ગુન્‍હાહીત ઇતિહાસ પણ કઢાવવામાં આવી રહ્યો છે.(૨.૧૬)

(2:31 PM IST)