તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
ભાજપના ચીલાચાલુ પ્રશ્નો સામે કોંગ્રેસ પ્રજાલક્ષી સવાલો પૂછી બાથ ભીડશે
કાલે મનપાનું જનરલ બોર્ડઃ લોકોની સમસ્યા ચર્ચાશે કે સમય પુરો કરાશે? : વિપક્ષના સભ્યોએ શહેરના રોડ, રસ્તામાં ખાડામાં થયેલ ખર્ચ, સફાઇની કામદારની ભરતી, પ્રિ મોન્સુન કામગીરી, આજી રીવરફ્રન્ટ સહિતના સવાલો પૂછયાઃ ભાજપના નગરસેવકોએ નવા ભળેલા વિસ્તારોમાં વિવિધ કામગીરી, ટી.પી.ના કેટલા પ્લોટ, સીટી બસ કેટલી ચાલે છે સહિતના સામાન્ય પ્રશ્નોની પૃચ્છા કરીઃ પ્રથમ પ્રશ્ન વોર્ડ નં.૧૭ના કિર્તીબા રાણાના સરકારી જેવા સવાલથી ચર્ચા શરૂ થશે

રાજકોટ તા. ૧૮ : મ્યુનિ. કોર્પોરેશનની દ્વિમાસીક સામાન્ય સભા કાલે શનીવારે સવારે ૧૧ કલાકે બોલાવવા મેયર નયનાબેન પેઢડિયાએ સપ્તાહ પુર્વે એજન્ડા બહાર પાડયો હતો. આ બોર્ડમાં કોંગ્રેસના સભ્યો રોડ, રસ્તા, આજી રીવર ફ્રન્ટ સહિતના પ્રશ્નો પુછયા હતા. જયારે ભાજપના નગરસેવકોએ રાબેતા મુજબના વેરાની આવક, નવા ભળેલા વિસ્તારોમાં કામગીરી, સીટી બસ કેટલી ચાલે છે? વગેરે સમાન્ય પ્રશ્ન રજુ કર્યા હતા. વિપક્ષના સભ્યોનો બીજો પ્રશ્ન હોય સરકારી જેવા શાસક પક્ષના સભ્યોનાં પ્રથમ પ્રશ્નોમાં વિપક્ષ દ્વારા ખાડા મુદ્દે સટાસટી થવાની પુરેપુરી શકયતા છે.
આવતીકાલ મળનાર સભામાં ભાજપ અને કોંગ્રેસના ૧૭ નગરસેવકો દ્વારા ૩૨ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા છે. ગત સપ્તાહે એજન્ડા બહાર પડયા બાદ બપોર સુધીમાં કુલ ૧૭ કોર્પોરેટરોએ પ્રશ્નો મૂકયા હતા. જેનો ચિઠ્ઠી ખેંચીને ડ્રો કરવામાં આવતા ભાજપના વોર્ડ નં. ૧૭ના કોર્પોરેટર કિર્તીબા રાણાના નવા ભળેલા વિવિધ વિસ્તારોમાં બાંધકામ, રસ્તા, ડ્રેનેજ, વોટર વર્કસ, રોશની, સો.વે.મે. વિભાગ દ્વારા કઇ કઇ કામગીરી કરવામાં આવી અને તેમાં કેટલો ખર્ચ થયેલ છે સહિતની માહિતીના પ્રશ્નથી બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશે.
જયારે બીજો પ્રશ્ન વોર્ડ નં.૮ના બીપીન બેરાએ મહાનગરપાલિકા વેરા વસુલાત શાખાને ગત નાણાકીય વર્ષ દરમ્યાન વ્યવસાય વેરા પેટે તથા વાહન વેરા પેટે કુલ કેટલી આવક થયેલ છે? ચાલુ નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરાની આવક વધારવા માટે શું આયોજન છે? વાંચનાલયમાં કેટલા સભ્યો નોંધાયેલા છે? સહિતના સવાલો રજુ કર્યા છે.
ઉપરાંત વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર સુરેશ વસોયાએ શહેરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઇઝ નિયમિત સરેરાશ કેટલી ઓ.પી.ડી. છે? આરોગ્ય કેન્દ્ર ખાતે કઇ કઇ સારવાર અને ચકાસણી રીપોર્ટ કરવાની સગવડતા ઉપલબ્ધ છે?, મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ફુલબજારમાં કુલ કેટલા થડાઓ છે? આ થડાઓ પૈકી કેટલા થડાઓની ફાળવણી કરવામાં આવેલ છે અને બાકી રહેતા થડાઓની ફાળવણી કરવાનું શું આયોજન છે? સહિત પ્રશ્નો પુછયા છે.
આ ઉપરાંત ક્રમાનુસાર ડો.દર્શનાબેન પંડયાએ એનિમલ હોસ્ટેલનો, દેવાંગ માંકડએ રાત્રી સફાઇ, ઓનલાઇન સેવા આપવામાં આવે છે સહિતના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા છે.
વિપક્ષના પ્રજાલક્ષી સવાલો
મનપાના કાલે મળનાર જનરલ બોર્ડમાં કોંગ્રેસના સભ્ય વશરામભાઇ સાગઠિયા, કોમલબેન ભારાઇ, ભાનુબેન સોરાણી તથા મકબુલ દાઉદાણીએ રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા ત્રણ વર્ષમાં રોડ રસ્તા પાછળ કેટલો ખર્ચ થયો? દરેક ઝોન વાઈજ માહિતી આપવી ઝોનલ કોન્ટ્રાક પાછળ કેટલો ખર્ચ થયો? ગેરંટી વાળા કેટલા રોડ બનાવ્યા? ઝોનલ કોન્ટ્રાક્ટ કેટલા ખાડાઓ બૂરીયા? તેની પાછળ એટલો ખર્ચ થયો ખાડાની ફરિયાદો કેટલી આવી? તમે તમામ માહિતી છેલ્લા ત્રણ વર્ષની આપવી
માર્ચમાં કુલ ૫૩૨ સફાઈ કામદારોની ભરતી અંગેનો જનરલ બોર્ડના આઠ ઠરાવ ભારતના બંધારણ મુજબ છે? મહાનગરપાલિકાને છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેતી અને કઈ કઈ પ્રકારની ગ્રાન્ટ મળેલ છે? તેમાંથી કેટલી ગ્રાન્ટ લેફટ થઈ છે? તે તમામ ગ્રાન્ટ ની આવક અને ખર્ચ ની વિગતો આપવી તથા મહાનગરપાલિકામાં કેટલી સ્કૂલો છે તેમાંથી નોટીપી એરિયામાં કેટલી સ્કુલ આવેલી છે અને તે કઈ કઈ સાલમાં બનેલી છે.
મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી શા માટે નકર કરવામાં આવેલ નથી તેની જવાબદારી કોની? વોર્ડ નંબર ૧૫ માં છેલ્લા પાંચ વર્ષમાં ટીપી શાખા દ્વારા કેટલા ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપી છે. આજે રિવર ફ્રન્ટ કયારે બનશે? કેટલા વર્ષ પહેલા જાહેરાત થઈ હતી? કોણે રીવર ફ્રન્ટ બનાવવાની જાહેરાત કરી હતી? કેટલા નાણા સરકારે ફાળવ્યા? કેટલી કામગીરી થઈ? બાકી કામગીરી કયારે થશે? હાલ રિવરફ્રન્ટમાં જે કામગીરી થઈ છે તેની સ્થિતિ શું છે? રિવરફ્રન્ટ ને લગતી તમામ વિગતો આપવી સહિતના સવાલો રજુ કરવામાં આવ્યા છે.(૨.૧૭)
સામાન્ય સભામાં ટી.પી.ઓની નિમણુંક- વિવિધ નામકરણ સહિતની દરખાસ્તો
રાજકોટ તા.૧૮: મનપાની કાલે સામાન્ય સભા મળનાર છે, ત્યારે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ટીપીઓની જગ્યા સતત ચર્ચામાં રહી છે ત્યારે કાલના જનરલ બોર્ડમાં ટીપીઓની નિમણુંક અંગેની દરખાસ્ત ઉપર બધાની નજર રહેલી છે. ઉપરાંત શહેરના વિવિધ જગ્યાઓના નામકરણ સહિતની દરખાસ્તો ઉપર પણ જનરલ બોર્ડમાં નિર્ણય લેવામાં આવનાર છે
કયા-કયા નગરસેવકોએ પ્રશ્ન પુછયા
વોર્ડ નં. કોર્પોરેટર
૧૭ કીર્તીબા રાણા
૦૮ બીપીનભાઇ બેરા
૧૫ કોમલબેન ભારાઇ
૧૬ સુરેશભાઇ વસોયા
૮ ડો.દર્શનાબેન પંડયા
૭ દેવાંગભાઇ માંકડ
૧ દુર્ગાબા જાડેજા
વિનુભાઇ સોરઠીયા
રણજીતભાઇ સાગઠીયા
૧૦ જયોત્સાબેન ટીલાળા
૧૫ વશરામભાઇ સાગઠીયા
૦૩ કુસુમબેન ટેકવાણી
૦૯ જીતુભાઇ કાટોડીયા
૦૫ ડો.હાર્દિક ગોહિલ
ભારતીબેન પાડલીયા
૧૫ મકબુલભાઇ દાઉદાણી
૧૫ ભાનુબેન સોરાણી
કયા પક્ષના કેટલા પ્રશ્નો
ભાજપ કોંગ્રેસ કુલ
કોર્પોરેટર ૧૩ ૪ ૧૭
પ્રશ્નો ૨૧ ૧૧ ૩૨
(2:37 PM IST)










