તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
રીઢો તસ્કર મનસુખ ઉર્ફ દિકુ અને ત્રણ સાગ્રીતો ઝડપાયાઃ બે ઘરફોડ ચોરી કબુલી
દિવસે ભંગારની ફેરીના બહાને રેકી કરી રાતે ચોરી કરતાં'તાઃ એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કાર્યવાહી :ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં અને લક્ષ્મીનગરમાં બે મકાનોમાંથી હાથફેરો અને ગુંદાવાડીમાં એક મકાનમાં પ્રયાસ કર્યો હતો : મનસુખ રાજકોટ, અમરેલી, જુનાગઢમાં ૧૭ ગુનામાં, કિશન ઉર્ફ બાઉ ૭ ગુનામાં, ચેતન ૯ ગુનામાં અને દિપક ૦૨ ગુનામાં સામેલ

રાજકોટ તા. ૧૮: શહેરમાં બંધ મકાનોની દિવસના સમયે રેકી કરી રાત્રીના સમયે રિક્ષામાં જઇ જે તે મકાનમાં ત્રાટકી ચોરીઓ કરતાં ચાર રીઢા તસ્કરને એલસીબી ઝોન-૨ ટીમે ઝડપી લેતાં ચોરીના ત્રણ ગુના ઉકેલાયા છે. જેમાં સુત્રધાર મનસુખ ઉર્ફ દિકુ ચોરી સહિત ૧૭ ગુનાઓમાં સામેલ છે.
જાણવા મળ્યા મુજબ શહેરમાં ચોરીના ગુના ઉકેલી કાઢવા સુચના મળી હોઇ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળતાં ૧૫૦ ફુટ રીંગ રોડ નાના મવા સર્કલ પાસેથી ચાર શખ્સને રિક્ષામાં તાંબા-પિત્તળના વાસણો અને જર્મન એન્ટીક વાસણો સાથે પકડી લઇ પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા હતાં. પણ ચારેય રીઢા ગુનેગારની છાપ ધરાવતાં હોઇ આકરી પુછતાછ થતાં ત્રણ મકાનોમાંથી ચોરીઓ કર્યાનું કબુલ્યું હતું.
પોલીસે મનસુખ ઉર્ફ દીકુ હરિભાઇ પરમાર (ઉ.વ.૨૪-ધંધો ભંગારની ફેરી, રહે. લોહાનગર બાપા સિતારામ મઢુલી સામે), દિપક બાબુભાઇ દાણીધારીયા (ઉ.વ.૨૦-ધંધો રિક્ષા ડ્રાઇવીંગ, રહે. રૈયાધાર મફતીયાપરા ધરમનગર ક્વાર્ટર પાછળ), કિશન ઉર્ફ બાઉ અરજણભાઇ ડાભી (ઉ.વ.૨૫-ધંધો ભંગારની ફેરી, રહે. કોઠારીયા સોલવન્ટ ગોૈશાળા પાસે) અને ચેતન કમલભાઇ સોલંકી (ઉ.વ.૨૬-ધંધો બકાલાનો, રહે. કાળવા ચોક, મુબારકબાગ, જુનાગઢ)ને ઝડપી લઇ ચારેય પાસેથી રૂા. ૫૦,૩૫૦ના તાંબા-પિત્તળના વાસણો અને જીજે૦૩એઝેડ-૪૩૬૫ નંબરની ૭૫ હજારની રિક્ષા કબ્જે કર્યા હતાં.
પુછતાછમાં ચારેયએ કબુલ્યું હતું કે ગત ૧૦/૭ના રાત્રીના સમયે ચારેયએ ભક્તિનગર સ્ટેશન પ્લોટ-૧ પાસે વિશ્વકર્મા બિલ્ડીંગ અંદર પહેલા માળે આવેલા મકાનમાં ત્રાટકી તળા તોડી ઘરમાંથી પિત્તળની ડોલ, ગોરી, હાંડી, છીબા, થાળીઓ, દવા છાંટવાનો પંપ, હાંડા નાના-મોટા, બરણી, ડબ્બો, દીવેલીયુ, બોઘેણી, તાંબાના તરભાણા ત્રણ, બરણી, પાણી ગરમ કરવાનો ભંભો વગેરે ૪૦ હજારના વાસણો ચોરી કર્યા હતાં. આ અંગે શ્રીરાજ રેસીડેન્સી-૧માં નાના મવા સર્કલ પાસે રહેતાં મકાન માલિક હિતેષભાઇ જમનાદાસભાઇ ભેસાણીયાએ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓ જ્યાં ચોરી થઇ ત્યાં નીચે કારખાનુ ચલાવે છે અને ઉપરના મકાનમાં બાપ-દાદા વખતનો જુનો સામાન, વાસણો વખેરે રાખે છે. તેમાં ઘુસી ચોરી કરવામાં આવી હતી.
જ્યારે બીજી ચોરી આ ચારેયએ માલવીયાનગર પોલીસની હદમાં કરી હતી. જેમાં લક્ષ્મીનગર મેઇન રોડ શ્રીનાથજી કૃપા નામના મકાનમાં ગત ૧૧મીએ કરી હતી. ગોૈતમભાઇ ગુલાબભાઇ રાજ્યગુરૂ નામના એડવોકેટના મકાનમાં ત્રાટકી તાંબા પિત્તળના વાસણો, સોના ચાંદીના ઘરેણા મળી ૯૦ હજારની માલમત્તા ચોરી લીધી હતી. તેઓ આ મકાનને અગિયારમીએ રાતે તાળુ મારી નજીકની ત્રણ નંબરની શેરીમાં નવા મકાને સુવા ગયા હતાં. એ દરમિયાન આ ચોરી થઇ હતી. તેમજ ગત ૧૧મીએ ગુંદાવાડીમાં આવેલા બંધ મકાનના તાળા તોડી અંદર ત્રાટક્યા હતાં. પણ ત્યાંથી કોઇ માલમત્તા ન મળતાં ખાલી હાથે બહાર નીકળી ગયાનું ચારેયએ કબુલ્યું હતું.
પીએસઆઇ આર. એચ. ઝાલાએ જણાવ્યા મુજબ મનસુખ ઉર્ફ દિકુ રીઢો તસકર છે. તે રાજકોટ, જુનાગઢ, અમરેલીમાં ચોરીના ૧૭ ગુનામાં પકડાઇ ગયો છે. જ્યારે કિશન ઉર્ફ બાઉ રાજકોટ, જુનાગઢ, અમરેલીમાં ૭ ગુનામાં અને ચેતન સોલંકી જુનાગઢમાં ૮ ગુનામાં તેમજ દિપક રાજકોટ યુનિવર્સિટીમાં ચોરીના બે ગુનામાં પકડાયો હતો.
આ ચારેય મોજશોખ માટે બંધ મકાનોમાં ચોરી કરવાની આદત ધરાવે છે. દિવસે ભંગારની ફેરીના બહાને ઘરની રેકી કરે છે અને રાતે રિક્ષામાં જે તે નક્કી કરેલા સ્થળે પહોંચી લોખંડના સળીયાથી તળા નકુચા તોડી કબાટના લોક તોડી દાગીના, તેમજ તાંબા-પિત્તળાના વાસણો ચોરી કરવાની ટેવ ધરાવે છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએઅસાઇ જે. વી. ગોહિલ, આર. એન. મિયાત્રા, હેડકોન્સ. રાહુલભાઇ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ. કુલદિપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી. (૧૪.૬)
(2:39 PM IST)










