News of Saturday, 19th July 2025
રસ્તાઓની હાલત બદતરઃ વિપક્ષ પાટા-પીંડી સાથે બોર્ડમાં પહોંચ્યુ! હાંકી કઢાયા
મનપાના જનરલ બોર્ડમાં ‘ખાડારાજ' સામે કોંગ્રેસ આક્રમક : અધિકારીઓની ઢાલ બનતા શાસકોઃ ખાડાઓ કયાંય છે નહિ, રાત-દિવસ કામગીરી સહિતના મુદાઓની ભાજપના સભ્યોની ટીપ્પણીઓઃ ફરી બોર્ડ વાહ-વાહમાં પૂર્ણઃ રસ્તા પ્રશ્નની ચર્ચા અભેરાઇયે

જનરલ બોર્ડમાં રાબેતા મુજબ તુ-તુ મેં-મેં : આજે મેયરના અધ્યક્ષસ્થાને મળેલ જનરલ બોર્ડ પ્રથમ પ્રશ્નની ચર્ચા સાથેપૂર્ણ થયું હતું. જેમાં વિપક્ષ દ્વારા ખાડાની ચર્ચાની માંગ કરી હતી. ઉપરોકત તસવીરમાં સભાધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા,ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા,મ્યુ.કમિ.તુષાર સુમેરા તથા રૂપારેલીયા દર્શાય છે. જયારે નિચેની તસવીરમાં કોંગ્રેસ કોર્પોરેટર વશરામભાઇ દ્વારા પ્લે કાર્ડ સાથે વિરોધ કરાયો હતો અને સ્ટે,ચેરમેન જયમીન ઠાકર, વિનુભાઇ ધવા, પ્રદીપ ડવ, દંડક મનીષભાઇ રાડીયા, મહિલા કોર્પોરેટર અને ધારાસભ્ય ડો.દર્શિતા બેન શાહ,સુરેન્દ્રસિંહવાળા સહિતના સભ્યો દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. નિચેની તસવીરમાં પોલીસ સાથે રકઝક કરતા વશરામભાઇ નજરે પડે છે. (તસવીરઃ અશોક બગથરીયા)(૨.૨૯)
રાજકોટ તા.૧૯: મનપાની બે મહિને મળતી સામાન્ય સભા આજે સવારે ૧૧ કલાકે સેન્ટ્રલ ઓફીસના રમેશભાઇ છાયા સભાગૃહમાં મળી હતી. જેમાં પ્રજાના પ્રશ્ને શાસક-વિપક્ષ વચ્ચે ચર્ચા થતી હોય છે. પણ દર વખતની જેમ પ્રથમ પ્રશ્નના જવાબમાં જ સભા પૂર્ણ થઇ હતી. વિપક્ષ રોડ-રસ્તાની બદતર હાલત હોય કોંગ્રેસના નગરસેવકોએ શરીર ઉપર પાટા-પીંડી તથા પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવી ખાડા અંગે ચર્ચાની માંગ કરી હતી. ત્યારે ભાજપે અધિકારીની ઢાલ બની કામ પૂર્ણ થયાનું જણાવી બચાવ કર્યો હતો. સભાના અંતે કોંગ્રેસના સભ્યોને ટીંગાટોળી કરી સભાગૃહની બહાર કરાયા હતા.
મ્યુનિ. કોર્પોરેશનની દ્વિમાસીક સામાન્ય સભા આજે શનીવારે સવારે ૧૧ કલાકે બોલાવવા મેયર નયનાબેન પેઢડિયાએ સપ્તાહ પુર્વે એજન્ડા બહાર પાડયો હતો. આ બોર્ડમાં કોંગ્રેસના સભ્યો રોડ, રસ્તા, આજી રીવર ફ્રન્ટ સહિતના પ્રશ્નો પુછયા હતા. જયારે ભાજપના નગરસેવકોએ રાબેતા મુજબના વેરાની આવક, નવા ભળેલા વિસ્તારોમાં કામગીરી, સીટી બસ કેટલી ચાલે છે? વગેરે સમાન્ય પ્રશ્ન રજુ કર્યા હતા. વિપક્ષના સભ્યોનો બીજો પ્રશ્ન હોય સરકારી જેવા શાસક પક્ષના સભ્યોનાં પ્રથમ પ્રશ્નોમાં વિપક્ષ દ્વારા ખાડા મુદ્દે સટાસટી જોવા મળી હતી.
સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના ૧૭ નગરસેવકો દ્વારા ૩૨ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા છે. ગત સપ્તાહે એજન્ડા બહાર પડયા બાદ કુલ ૧૭ કોર્પોરેટરોએ પ્રશ્નો મૂકયા હતા. જેનો ચિઠ્ઠી ખેંચીને ડ્રો કરવામાં આવતા ભાજપના વોર્ડ નં. ૧૭ના કોર્પોરેટર કિર્તીબા રાણાના નવા ભળેલા વિવિધ વિસ્તારોમાં બાંધકામ, રસ્તા, ડ્રેનેજ, વોટર વર્કસ, રોશની, સો.વે.મે. વિભાગ દ્વારા કઇ કઇ કામગીરી કરવામાં આવી અને તેમાં કેટલો ખર્ચ થયેલ છે સહિતની માહિતીના પ્રશ્નથી બોર્ડની ચર્ચાનો પ્રારંભ થયો હતો.
આજના જનરલ બોર્ડમાં વિરોધ પક્ષ દ્વારા ખાડા-ખબડા પ્રશ્ને ચર્ચા કરવાની જોરદાર માંગ કરવામાં આવી હતી. જોકે શાસકો દ્વારા મ્યુ.કમિશનર સહિતના અધિકારી રાત-દિવસ ફિલ્ડમાં હોવાનું જણાવી બચાવ કરવા ઉતરી પડયા હતા. ઉપરાંત ખાડા બુરાઇ ગયાની વાતો પણ કરી હતી.
સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે વિપક્ષને ટોણો મારતા જણાવેલ કે, વિરોધ કરવાનો લોકશાહીમાં વિરોધ પક્ષને અધિકાર છે પણ સામાન્ય સભામાં સમયસર આવવું જોઇએ. સભામાં કરવામાં આવેલ ૩ શોક ઠરાવ વખતે પણ તેઓ હાજર ન રહેલ. કોંગ્રેસ આ બધા સ્ટંટ હાઇલાઇટમાં રહેવા માટે જ કરે છે, તેઓ ફકત બોર્ડથી બોર્ડમાં જ હાજરી પુરાવે છે. અત્યાર સુધીમાં તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નો લઇને એકવાર પણ મારી ચેમ્બરમાં આવ્યા નથી. આ કોંગ્રેસનું રાજકીય નાટક માત્ર છે.
વિપક્ષ દ્વારા સભાના અંતિમ સમય સુધી ચર્ચાની માંગ કરવામાં આવતા સભા અધ્યક્ષે માર્શલોને વિપક્ષી સભ્યોને ગૃહની બહાર કરવા આદેશ આપતા કોંગ્રેસના ચારેય નગરસેવકોને ટીંગાટોળી કરી બહાર કરી દેવાયા હતા.(૨.૨૮)
(2:21 PM IST)










