તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
પદ્માસન-શીર્ષાસનમાં શ્રી બીડલાદાસ બાપુની સિધ્ધિઓનું કાલે સન્માન
રાજકોટની હોટલ ગ્રાન્ડ રીજન્સીમાં સમારોહ : મુળ પંજાબના અને હાલ ગીરનાર તળેટીમાં શ્રી પ્રગટેશ્વર મહાદેવની જગ્યામાં સ્થાન જમાવનાર શ્રી બીડલાદાસબાપુ સિધ્ધ યોગી શ્રી બનારસદાસ બાપુના શીષ્ય છે : પદ્માસનમાં ૩ કલાક અને શીર્ષાસન સાથે પદ્માસનમાં ૧ કલાક રહીને વિશ્વભરનું ધ્યાન ખેંચ્યુ : જીનીયસ અચીવર્સ સહીત અનેક એવોર્ડ હાંસલ કર્યા છે

રાજકોટ તા. ૧૯ : પદ્માસનમાં ૩ કલાકથી વધુ અને શીર્ષાસન સાથે પદ્માસન અવસ્થામાં ૧ કલાકથી વધુ સમય રહીને વિશ્વભરનું ધ્યાન ખેંચનાર ગીરનાર તળેટીના સંત શ્રી બિડલાદાસ બાપુનું અદકેરૂ સન્માન કરવા આવતીકાલે તા. ૨૦ ના રાજકોટ ખાતે ગૌરવાંકિત સમારોહનું આયોજન વિશ્વાસ ફાઉન્ડેશન દ્વારા થયુ છે. વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયાના ચેરમેન શ્રી પવન સોલંકીના હસ્તે શ્રી બિડલાદાસ બાપુને ‘યોગ પુરૂષ એવોર્ડ' એનાયત કરાશે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પૂ. બાપુએ જણાવ્યુ હતુ કે મને નાનપણથી જ યોગ પ્રત્યે લગાવ હતો અને આજે ૭૦ વર્ષની વયે આ સાધનાને આટલે સુધી પહોંચાડી પદ્માસન અને પદ્માસન સાથે શીર્ષાસનની આ અવસ્થા સુધી પહોંચાડી શકયો છુ. યોગ તો સૌ કરે પણ પદ્માસન અને શીર્ષાસન એવા આસનો છે જે જ્ઞાન વગર નુકશાન પણ પહોંચાડી શકે છે. કેમ કે સતત આ આસનની સ્થિતિમાં બેસવાથી બ્લડ સર્કયુલેશનને મોટી અસર થતી હોય છે. પરંતુ જાણકારના માર્ગદર્શન હેઠ જો આ આસનો કરવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ ફાયદા પણ આપે છે.
ઉલ્લેખનીય છે કે મુળ પંજાબના ગોલ્ડન ટેમ્પલના અગ્રીમ પંક્તિના સેવક એવા શ્રી બીડલાદાસ બાપુ ૧૯૭૬ માં ગુજરાત આવ્યા હતા. અહીં ગીરનાર તળેટીમાં આવેલ શ્રી પ્રગટેશ્વર મહાદેવની જગ્યામાં તેઓ સિધ્ધ ગુરૂશ્રી બનારસદાસ બાપુના સાનિધ્યમાં રહ્યા અને આ જગ્યાને વધુ દીપાવી છે.
૭૦ ની વયે પહોંચેલા શ્રી બિડલાદાસ બાપુ એવા યુગ પુરૂષ છે. જેમણે યોગ ક્ષેત્રમાં વિશ્વ સ્તરે ભારતની પ્રતિષ્ઠાને ઉંચાઇ પ્રદાન કરી છે. પોતાની અદ્વીતીય સાધના વડે તેઓએ પહેલીવાર ૨૦૨૨માં ર કલાક અને ૪૫ મીનીટ સુધી પદ્માસનમાં બેસી રહી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. ઉપરાંત પદ્માસન સાથે જ શીર્ષાસન અવસ્થામાં ૧ કલાક અને ૩ મીનીટ સ્થિર રહેવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. જે બદલ વલ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા તેમને બીરદાવવામાં આવ્યા હતા.
આટલેથી ન અટકતા બાપુએ હાલ ૨૦૨૫માં પદ્માસન અવસ્થામાં ૩ કલાક અને ૧૫ મીનીટ તથા પદ્માસન સાથે શીર્ષાસનમાં ૧ કલાક અને ૧૦ મીનીટ રહી પોતેજ પોતાનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. જેની પણ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ટીમે નોંધ લીધી છે. આ ઉપરાંત ૨૦૨૨માં જીનયસ ઇન્ડિયનનો અચીવર્સ એવોર્ડ પણ તેઓ હાંસલ કરી ચુકયા છે.
શ્રી બીડલાદાસબાપુની આ સિધ્ધીઓનું સન્માન કરવા વિશ્વાસ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થાઓ દ્વારા કાલે તા. ૨૦ ના રવિવારે સવારે ૯ થી ૧૧ હોટલ ધી ગ્રાન્ડ રીજન્સી, ઢેબર રોડ, મહેતા પેટ્રોલ પંપની બાજુમાં રાજકોટ ખાતે વિશેષ સમારોહ યોજવામાં આવ્યો છે.
સમારોહના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પ્રેસીડેન્ટ શ્રી પવન સોલંકી, નાબાર્ડ (ઇફકો) ભારતના ચેરમેન શ્રી દીલીપભાઇ સંઘાણી, રાજય ખેતી બેંક ગુજરાતના ચેરમેન શ્રી ડોલરભાઇ કોટેચા તેમજ ᅠઇન્ટરનેશનલ યોગ ટ્રેનર ઓમજી શ્રી અભિજીતભાઇ જાડેજા ઉપસ્થિત રહેશે.
તેમજ અતિથી તરીકે જુનાગઢના ભીંડી જવેલર્સવાળા જીતુભાઇ સોલંકી, જુનાગઢના મેયર શ્રી ધર્મેશભાઇ પોસીયા, જુનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઇ કોરડીયા, જુનાગઢ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ ચેરપર્સન શ્રી પલ્લવીબેન ઠાકર, રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઇ ટીલારા, રાજકોટ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે સહીતના મહેમાનો ઉપસ્થિત રહેશે.
આવતીકાલે રાજકોટ ખાતે યોજાયેલ આ સમારોહને સફળ બનાવવા વિશ્વાસ ફાઉન્ડેશનના પ્રફુલભાઇ ત્રિવેદી, જયેશભાઇ ઉપાધ્યાય, પ્રોફેસર મનીષભાઇ જાની,
અમિતભાઇ ચરાડવાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવાઇ રહી છે. વધુ માહીતી માટે મો.૭૦૧૬૬ ૩૪૪૯૯ અને મો.૯૪૨૭૨ ૦૪૦૮૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શ્રી બીડલાદાસબાપુ ગુરૂશ્રી બનારદાસબાપુ અને તેમની સાથે પ્રફુલ્લભાઇ ત્રિવેદી, કિરણભાઇ દુધાત્રા, માધવ જશાપરા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
શ્રી બીડલાદાસબાપુનો સંદેશ : નશો છોડો યોગ અપનાવો, તંદુરસ્ત શરીર સુડોળ ભારતની શાન
રાજકોટ : ‘અકિલા'ની મુલાકાતે આવેલા શ્રી બીડલાદાસબાપુએ આમજનોને સંદેશો આપતા જણાવેલ કે નશા છોડો યોગ અપનાવો, તંદુરસ્ત શરીર સુડોળ ભારતની શાન છે. ભારતને મહાસત્તા તરફ આગળ લઇ જવુ હોય તો સૌએ શરીરને તંદુરસ્ત બનાવવુ પડશે. એ માટે યોગ શ્રેષ્ઠ રસ્તો છે. યોગમાં ઘણા આસનો આવે છે. પરંતુ તેમાં પદ્માસન અને શીર્ષાશન થોડા કઠીન છે. જો કે મને નાનપણથી જ આ બે આસનો તરફ લગાવ હતો એટલે મે મારી સાધનાને આ દિશામાં કેન્દ્રીત કરી છે. આ આસન કરવા ખુબ ધ્યાન રાખવુ પડે છે. કેમ કે આ આસનથી બ્લડ સર્કયુલેશનમાં નોંધનીય ફેરફારો થાય છે. ગીરનાર તળેટીમાં શ્રી પ્રગટેશ્વર મહાદેવના સાન્ધ્યિમાં મારી સાધનાને હું આગળ વધારૂ છુ. દરરોજ સવારે નિત્યક્રિયાઓ પતાવી આ આસન લગાવવાનો મારો નિત્યક્રમ બની ગયો છે. આ માટે મોટેભાગે સવારે ૮ થી ૯ વાગ્યાના સમયને વધુ પસંદ કરૂ છુ તેમ શ્રી બીડલાદાસબાપુએ જણાવ્યુ હતુ.
‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ટેલીફોનિક ચર્ચા કરી જય ગીરનારી કહ્યા
રાજકોટ : પદ્માસન અને શીર્ષાસનમાં અનન્ય સિધ્ધી હાંસલ કરનાર ગીરનાર તળેટીના શ્રી બીડલાદાસબાપુ ‘અકિલા'ની મુલાકાતે આવેલ તે સમયે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તેમના બહારગામના પ્રવાસને કારણે હાજર ન હોય પૂ. બાપુએ તેમની સાથે ટેલીફોનિક ચર્ચા કરી યોગ વિષે ગહન વાતો કરી હતી. જય ગીરનારી કહીને ગીરનાર તળેટીના શ્રી પ્રગટેશ્વર મહાદેવની જગ્યામાં પધારવા ભાવસભર નિમંત્રણ પાઠવ્યુ હતુ.
(2:25 PM IST)










