તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
ચંદ્રેશનગર ચોકમાં ફાકી ખાઇ પૈસા ન દીધાઃ સોડા બોટલોના ઘા કરી દૂકાન બંધ કરી દેવાની ધમકી
પહેલા દિવસે એક શખ્સ ફાકી ખાઇ જતો રહ્યો, બીજા દિવસે બીજાને સાથે લાવી ધમાલ મચાવીઃ મવડી રોડની દૂકાને જઇને પણ ધમકી આપીઃ માલવીયાનગર પોલીસે શક્તિસિંહ અને ધનરાજસિંહને સકંજામાં લીધા : મોમાઇ પાનવાળા નાગજીભાઇ મુંધવાની ફરિયાદઃ બોટલોના ઘાથી તેને અને ચાવાળાને ઇજા

રાજકોટ તા. ૧૯: શહેરના મવડી ફાયર બ્રિગેડ મેઇન રોડ ચંદ્રેશનગર ચોક પાસે આવેલી મોમાઇ કોલ્ડ્રીંક્સ એન્ડ પાન નામની દૂકાને પરમ દિવસે રાતે નવેક વાગ્યે એક અજાણ્યા શખ્સોએ આવી ફાકી લઇ પૈસા આપ્યા વગર ચાલતી પડકતાં દૂકાનદારે પૈસા માંગતા તેણે પૈસા આપ્યા નહોતાં. બાદમાં બીજા દિવસે શુક્રવારે આ શખ્સ બીજા શખ્સ એક શખ્સને સાથે લાવ્યો હતો અને સોડા બોટલો ઘા કરી આતંક મચાવતાં દૂકાનદારને હાથમાં ઇજા થઇ હતી અને બોટલ ફુટી ગઇ હતી. બીજી બોટલનો ઘા બાજુમાં ચાની હોટલ ચલાવતા યુવાનને લાગ્યો હતો. પોલીસે ગુનો નોંધી બંને શખ્સને સકંજામાં લઇ લીધા છે.
આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નવા થોરાળા રામનગર-૩માં રહેતાં નાગજીભાઇ વિહાભાઇ મુંધવા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. નાગજીભાઇએ કહ્યું હતું કે મારે ચંદ્રેશનગર ચોકમાં પાન-કોલ્ડ્રીંક્સની દૂકાન છે. ગુરૂવારે સત્તરમીની રાતે નવેક વાગ્ે હું દૂકાને હતો ત્યારે એક શખ્સ મારી દૂકાને આવ્યો હતો અને ફાકી માંગી હતી. મેં તેને ફાકી આપી હતી અને તે પૈસા આપ્યા વગર ચાલતો થઇ ગયો હતો.
આ પછી શુક્રવારે અઢારમીએ રાતે આ શખ્સ બીજા એક શખ્સની સાથે બાઇક પર આવ્યો હતો અને મારી દૂકાન પર સોડાની બોટલોના ઘા ચાલુ કર્યા હતાં. જેમાં એક બોટલ મારા હાથમાં લાગીને ફુટી જતાં મને ઇજા થઇ હતી. જ્યારે બોટલનો બીજો ઘા બાજુની ચાની હોટલવાળા મનોજભાઇને પગમાં લાગી ગયો હતો.
બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. મેં આ શખ્સોને સમજાવતાં તેણે તારાથી થાતું હોય એ કરી લેજે, કાલથી તું આ દૂકાન બંધ કરી દેજે નહિતર સારાવટ નહિ રહે કહી ધમકી આપી જતાં રહ્યા હતાં. આ પછી આ બંને મવડી રોડ પર આવેલી મારી બીજી મોમાઇ પાન નામની દૂકાને ગયા હતાં ત્યાં પણ દૂકાન બંધ કરવાની ધમકી આપી હતી. આથી મેં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં નાગજીભાઇએ જણાવતાં માલવીયાનગર એએસઆઇ કે. બી. શેખલીયાએ ગુનો દાખલ કર્યો હતો. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમે શક્તિસિંહ અને ધનરાજસિંહ નામના શખ્સોને પુછતાછ માટે સકંજામાં લીધા હતાં. (૧૪.૯)
(2:35 PM IST)










