તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
નહેરૂનગરમાં મકાન ખાલી કરાવવા આતંક મચાવનાર ટોળકીના ૩ શખ્સોએ હાથ જોડી લોકોની માફી માંગી
ક્રાઇમ બ્રાંચે ગઇકાલે ભોમેશ્વરવાડીના અહેમદ સાંધ, યુસુફ ઉર્ફ ઇશો સાંધ અને પોપટપરાના ફારૂક શેખને ઝડપી લઇ આકરી કાર્યવાહી કરી : ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણી અને ડી. સ્ટાફ ટીમે ઘટના સ્થળે લઇ જઇ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું: કાર્યવાહી જોવા લોકોના ટોળા ઉમટયા

તસ્વીરમાં જ્યાં માથાકુટ કરી તોડફોડ કરવામાં આવી હતી તે નહેરૂનગરની ફોૈજી હોટલ ખાતે કાર્યવાહી કરવા પહોંચેલી ગાંધીગ્રામ પોલીસની ટીમ, એકઠા થયેલા લોકો, ત્રણેય આરોપીઓએ જાહેરમાં લોકોની માફી માંગી હતી તે દ્રશ્ય, ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણીમેડમ અને ડી. સ્ટાફની ટીમ તથા કાર્યવાહી નિહાળવા એકઠા થયેલા લોકો અને પીઆઇ મેઘાણી સાથે હાથ મીલાવી આભાર વ્યક્ત કરી રહેલા એક ગૃહિણી જોઇ શકાય છે (ફોટોઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૯: રૈયા રોડ પર નેહેરૂનગરમાં રવિવારે રાતે ફોૈજી રેસ્ટોરન્ટ પાસેનું ભાડુતી મકાન ખાલી કરાવવા ભોમેશ્વરની ટોળકીએ સશષા ધમાલ મચાવી આતંક મચાવ્યો હતો અને હોટેલમાં તોડફોડ કરી ડખ્ખો કરતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતાં. ગાંધીગ્રામ પોલીસે આ મામલે ૧૫ની ટોળકી સામે ગુનો નોંધ્યો હતો. તે પૈકી ત્રણ આરોપીને ગઇકાલે ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપ્યા હતાં. આ ત્રણેયને આજે બપોરે ગાંધીગ્રામ પોલીસની ટીમ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઇ ગઇ ત્યારે કાર્યવાહી નિહાળવા લોકોના ટોળા ઉમટી પડયા હતાં. સરાજાહેર આતંક મચાવી ભય ફેલાવનારાઓને ગઇકાલે જ ક્રાઇમ બ્રાંચે બરાબરનો પદાર્થપાઠ ભણાવી દીધો હતો. આજે ઘટના સ્થળે ત્રણેયએ લોકોની હાથ જોડીને માફી માંગી ભુલ થઇ ગયાનું કહ્યું હતું. રહેવાસીઓ પોલીસની કામગીરીથી ખુશ થયા હતાં.
માથાકુટની આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે રોજીનાબેન સમીરહુશેન સૈયદ (ઉ.વ.૩૯-રહે. રઝાનગર-૨ નહેરૂનગર)ની ફરિયાદ પરથી ભોમેશ્વરના અહેમદ ઉર્ફ આમદભાઇ સાંધ, ઇશુ ડાડો, અજીત ઉર્ફ ટકો, સદામ દલવાણી, ફારૂક શેખ, તથા અજાણ્યા દસ સામે ગુનો નોંધ્યો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાંચનના હેડકોન્સ. અર્જુનભાઇ ડવ, કોન્સ. ગોપાલભાઇ પાટીલને મળેલી બાતમી પરથી અહેમદ અબ્દુલભાઇ સાંધ (ઉ.વ.૪૦-રહે. ભોમેશ્વરવાડી-૧ યુસુફ મંજીલ), યુસુફ ઉર્ફ ઇશો ડાડો અબ્દુલભાઇ સાંધ (ઉ.વ.૫૫-રહે. ભોમેશ્વરવાડી-૧, યુસુફ મંજીલ) તથા ફારૂક અબ્દુલભાઇ શેખ (ઉ.વ.૫૬-રહે. પોપટપરા મેઇન રોડ રઘુનંદન સોસાયટી-૧/૪)ને પકડી લીધા હતાં.
આ ત્રણેય માથાકુટ બાદ ભાગી નીકળ્યા હતાં. તેને વીટારા કાર જીજે૦૩એમઆર-૭૧૩૦ સાથે પકડી લેવાયા હતાં. બાદમાં ત્રણેય પોપટપરા સ્મશાન પાસેથી ત્રણેય કાર લઇને નીકળતાં હોવાની બાતમી મળતાં ત્રણેયને પકડી લઇ આકરી પુછતાછ કરવામાં આવી હતી. બાદમાં ગાંધીગ્રામ પોલીસને સોંપાયા હતાં. દરમિયાન આજે આ ત્રણેય આરોપીઓને સાથે રાખી ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણી અને ડી. સ્ટાફની ટીમ ઘટના સ્થળે લઇ આવી હતી અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ વખતે ત્રણેયએ લોકોની હાથ જોડી માફી માંગી હતી. પોલીસની આ કામગીરીને રહેવાસીઓએ બીરદાવી હતી અને પીઆઇ મેઘાણી સાથે એક રહેવાસી મહિલાએ હાથ મીલાવી તેમને આ કડક કામગીરી બદલ અભીનંદન પાઠવ્યા હતાં. બાકીના આરોપીઓને તાકીદે ઝડપી લેવાની લોકોએ માંગણી કરી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ તથા ટીમના પીએઅસાઇ એ. એન. પરમાર, અર્જુનભાઇ ડવ, ક્રિપાલસિંહ ઝાલા, ગોપાલભાઇ પાટીલ, પ્રશાંતભાઇ ચુડાસમા, મયુરસિંહ જાડેજાએ ત્રણેયને ઝડપી લેવાની કામગીરી કરી હતી. આગળની તપાસ ગાંધીગ્રામ પોલીસ કરે છે. ઝડપાયેલામાં યુસુફ ઉર્ફ ઇશોડાડો અગાઉ મારામરી, જૂગાર સહિત છ ગુનામાં સંડોવાઇ ચુક્યો હતો. (૧૪.૧૧)
(3:13 PM IST)










