News of Saturday, 19th July 2025
વર્ષમાં બેવાર કેમ રોડ બને છે? ભ્રષ્ટાચારની ગંધ
વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાનો સણસણતો આક્ષેપ : શાસકો દ્વારા પ્રજા પ્રશ્નની ચર્ચા ન કરી વિપક્ષની ટીંગાટોળી કરી બહાર કાઢી મુકાયાઃ ઉહાપોહ થાય પછી જ સ્વયંભુ રામનાથ મહાદેવ મંદિરની સફાઇ કરવામાં આવે છે

વિરોધ પક્ષની ટીંગાટોળીઃ ગૃહમાંથી બહાર
શહેરમાં રોડ-રસ્તાના ખાડા પ્રશ્ને આજના જનરલબોર્ડમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા ચર્ચાની સતત માંગ કરાતા સભા ખોરંભે ચડી હતી. અંતે સભાધ્યક્ષ દ્વારા વિપક્ષી સભ્યોને બહાર કાઢવાનો આદેશ અપાતા માર્શલ દ્વારા ટીંગાટોળી કરી ગૃહમાંથી લઇ જવામાં આવ્યા ત્યારની તસ્વીરો. (તસવીરઃ અશોક બગથરીયા)
રાજકોટઃ તા.૧૯: આજની મનપાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ખાડા પ્રશ્ને પાટા-પીંડીં કરી પ્રવેશ કરાયો હતો. જોકે શાસકો દ્વારા પ્રશ્નની ચર્ચા કરવામાં આવી ન હતી અને સભા પૂર્ણ થાય તે પહેલા વિપક્ષના ૪ નગરસેવકોને બહાર કાઢવાના આદેશ આપવામાં આવ્યા હતા.
આ અંગે વિરોધ પક્ષના સભ્ય વશરામભાઇ સાગઠીયાએ આક્ષેપો સાથે જણાવેલ કે, આજ રોજના જનરલ બોર્ડમા મારા પ્રજાની સમસ્યાઓને વાચા આપતાં ત્રણ સવાલો હતા જેમાં શાસક પક્ષ પાસે કોઈ જવાબ નથી. રાજકોટ શહેરમાં ભાજપ શાસનમાં રસ્તાઓ તો બને છે પરંતુ ભુવા પડી જાય છે. જયયીનભાઇ ઠાકરે મિડિયાને જણાવેલ છે કે રસ્તાઓ વર્ષમા બે વાર બને છે. અને પેચવર્ક તો ચાલુ જ હોય છે. મતલબ એ થાય કે જો રસ્તાઓ વર્ષ મા બે વાર બનાવવા પડતાં હોય અને પેચવર્ક સતત ચાલુ હોય તો ટેન્ડર પાસ કરતી વખતે રસ્તાઓ બે-ત્રણ કે ચાર વર્ષ ટકાવવાની કોન્ટ્રાક્ટર પાસેથી ગેરંટી લેવામાં આવે છે અને એ હિસાબ થી કોન્ટ્રાક્ટરને રકમ ચુકવવામાં આવે છે તો પછી વર્ષમાં બે વાર રસ્તા કેમ બનાવવા પડે છે અને પેચ વર્ક કેમ ચાલુજ રાખવુ પડે છે?
મ્યુનિસિપલ કમિશનરએ સ્વિકાર્યુ છે કે અલગ અલગ ચાર પ્રકારની ટેકનોલોજી થી રસ્તા ઉપરના ૨૪૦૦ ખાડા બુરવામા આવેલ છે. તેમજ તા. ૧૭ માર્ચ ૨૦૨૪ ના જનરલ બોર્ડ ના ઠરાવ મુજબ સફાઈ કામદાર તરીકે ૫૩૨ કર્મચારીઓ ની નવી ભરતી કરવાનો ઠરાવ એવી શરત સાથે કરવામાં આવ્યો કે આ ભરતીમાં માત્ર જેમના માતા-પિતા અને દાદા-દાદી એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મા સફાઇ કામદાર તરીકે નોકરી કરી હોય તેમનાજ વારસદારો ની ભરતી કરવામાં આવશે! આવા ઠરાવ થી વાલ્મીકિ સમાજના તેમજ જરૂરિયાત મંદ બેરોજગારો, વિધવા તયક્તા બહેનો નોકરી વિહોણા રહી જશે.
ઉપરાંત યોગ્ય ભરતી ન થવાના કારણે શહેરમાં ગંદકી અને રોગચાળો ફાટી નિકળવાની પણ શકયતાઓ છે. જ્યારે ભાજપના શાસકો શ્રાવણ મહિનો આવી રહ્યો હોય રામનાથ મંદિર જેવા ધાર્મિક સ્થળો પાસે થતી ગંદકીઓ હટાવવાની પણ તસ્દી લેતા નથી.
ડો.બાબાસાહેબ આંબેડકર આધુનિક ભારતના શિલ્પી છે. લોકશાહી ના જનક છે ભારત સહિત આખુ વિશ્વ તેમને સન્માનથી જુએ છે ખુદ પ્રધાનમંત્રી પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં નમન કરતા હોય ત્યારે લગભગ ૨૦૧૨ મા ડૉ.બાબાસાહેબ આંબેડકરનુ તેલચિત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના પરીસરમા સારી જગ્યા ઉપર મુકવાનો ઠરાવ થયેલ છે. મે કોર્પોરેટર તરીકે વારંવાર આ બાબતે રજૂઆત કરેલ છે. પરંતુ આજ દિન સુધી શાસકોએ તૈલચિત્ર ન મુકતા કોંગ્રેસ પાર્ટી નિંદા કરે છે તેમ વશરામભાઈ સાગઠીયાએ અંતમાં જણાવ્યું હતું.
(3:26 PM IST)










