તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
સર્વેશ્વર ચોકમાં નાલા ઉપર અંતિમ સ્લેબ ભરાઈ ગયોઃ યાજ્ઞિક રોડ હવે ટુંક સમયમાં ખુલી જશે
સર્વેશ્વર ચોકનું મોટાભાગનું કામ પૂર્ણ : કોર્પોરેશન ઈચ્છે તો એક સપ્તાહમાં ચોક આડેના પતરા હટાવી શકે

રાજકોટ, તા.૧૯: રાજકોટના હાર્દસમા યાજ્ઞિક રોડ ઉપર આવેલ નાલાનો અંતિમ તબક્કાના સ્લેબ ભરવાનું કાર્ય ગઈ કાલે પૂર્ણ થઈ જતાં હવે ટૂંક સમયમાં યાજ્ઞિક રોડ વાહન ચાલકો - રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી શકયતા છે એટલું જ નહી, જો સત્તાધીશોની ઈચ્છા હોય અને પ્રજા-દુકાનદારોની પીડા ઓછી કરવી હોય તો સર્વેશ્વર ચોક આડેના પતરા ગમે ત્યારે હટાવી શકાય તેમ છે.
અત્રે એ નોંધનીય છે કે યાજ્ઞિક રોડ ઉપર આવેલ નાલાનો એક ભાગ તુટી જતા રાજકોટ મ્યુ.કોર્પો. દ્વારા સર્વેશ્વર ચોકથી યાજ્ઞિક રોડ સુધીનો રૂપિયા ૬ કરોડના ખર્ચે નવું નાલુ નવો સ્લેબ બાંધવાનો નિર્ણય લેવાયો હતો અને તે માટે સમગ્ર ચોક ફરતે પતરા અને યાજ્ઞિક રોડ બંધ કરી દેવાયો હતો.
રાજકોટ મ્યુ.કોર્પો.ની દેખરેખ હેઠળ કોન્ટ્રાકર દ્વારા તબક્કાવાર સ્લેબ ભરવાનું મેહુલ્સ કીચન (સર્વેશ્વર ચોક)થી શરૂ કરાયું હતું. જે અંતર્ગત ગઈ કાલે રાત્રે યાજ્ઞિક રો. ઉપર સ્લેબ ભરવાનું કામ ગઈ કાલે રાત્રે પૂર્ણ કરવામાં આવ્યુેં હતું. આમ હવે સ્લેબ ભરવાનું મહાકાર્ય પૂર્ણ થયું છે અને હવે થોડું પરચુરણ કામ જ બાકી હોવાનું જણાય છે.
સ્થળ તપાસ કરતા હવે સર્વેશ્વર ચોક જો કોર્પો.ની ઈચ્છા હોય તો ગમેત્યારે પ્રજા માટે ખોલી શકાય તેમ છે હવે તેના પર માત્ર ડામર કામ જ બાકી છે જે રાત્રે પણ થઈ શકે તેમ છે. પતરા ખોલી અવરજવર માટે તે ખોલી શકાય તેમ છે. એવું જણાય છે કે યાજ્ઞિક રોડ પર હવે એક માત્ર નાની દીવાલ ચણી ખાડો બુરવાનું કામ બાકી છે તે પણ નાના કામની વ્યાખ્યામાં આવી શકે. જો વધુ ઝડપથી કાર્ય કરવામાં આવે તો આગામી સપ્તાહથી યાજ્ઞિક રોડ ચાલુ કરી શકાય તેમ છે. જો આ રોડ ચાલુ થાય તો આસપાસની શેરીઓને ટ્રાફિક જામથી મુકિત મળી શકે તેમ છે.
છેલ્લા બે વર્ષથી સર્વેશ્વર ચોક આસપાસના વેપારીઓ અને ઓફીસ ધારકોના કામધંધા ઠપ્પ છે તેઓને ભારે આર્થિક નુકસાની થઈ છે ત્યારે હવે કોર્પોરેશન વ્હેલીતકે કાર્ય પૂર્ણ કરે તેવું આપ બધા લોકો ઈચ્છી રહયાં છે.
(3:32 PM IST)










