<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

માલિયાસણ પાસે ડમ્‍પરે કારને ઉલાળતાં રાજકોટના શિતલબેન ભોજકનું મોતઃ પતિ સહિત ચારને ઇજા

ચોટીલા દર્શન કરવા જતી વખતે ‘હિટ એન્‍ડ રન' : કોઠારીયા રોડ કૈલાસપાર્કના પરિવારમાં ગમગીનીઃ મૃતકના પતિ જયેશભાઇ ભોજક, કુટુંબી ભાભી મીનાબેન ભોજક, ભત્રીજા રવિ ભોજક અને દિકરી તન્‍વીને ઇજાઃ કુવાડવા પોલીસે ડમ્‍પર ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૧: કુવાડવા નજીક માલિયાસણ પાસે હિટ એન્‍ડ રનનો બનાવ બન્‍યો હતો. ડમ્‍પરે કારને ઉલાળી દેતાં કોઠારીયા રોડ પર કૈલાસ પાર્કમાં રહેતાં કારચાલક, તેના દિકરી, ભાભી અને ભત્રીજાને ઇજાઓ થઇ હતી. જ્‍યારે કારચાલકના પત્‍નિનું ગંભીર ઇજા થતાં મોત થયું હતું. આ પરિવારના સભ્‍યો ચોટીલા દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ પર કૈલાસ પાર્ક-૩માં રહેતાં જયેશભાઇ ભોજક (ઉ.વ.૪૫) ગઇકાલે પોતાની વેગનઆર કાર જીજે૦૧આરબી-૯૨૮૭માં પત્‍નિ શિલતબેન (ઉ.વ.૪૨), પુત્ર, પુત્રી તેમજ કોૈટુંબીક ભાભી કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે રહેતાં મીનાબેન હરેશભાઇ ભોજક (ઉ.વ.૫૫) તથા ભત્રીજા યશ હરેશભાઇ ભોજક (ઉ.વ.૨૨)ને કારમાં બેસાડી ચોટીલા દર્શન માટે જઇ રહ્યા હતાં ત્‍યારે રાજકોટ અમદાવાદ હાઇવે પર માલિયાસણના ઓવરબ્રીજ પાસે પહોંચ્‍યા ત્‍યારે ડમ્‍પરના ચાલકે કારને ઠોકરે લેતાં તમામને નાની મોટી ઇજા થઇ હતી. ઘાયલ થયેલા જયેશભાઇ ભોજક, તેમના પત્‍નિ શીતલબેન, ભાભી મીનાબેન, ભત્રીજા યશ તેમજ જયેશભાઇની દિકરી તન્‍વીને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જેમાં  ગંભીર ઇજાગ્રસ્‍ત શિતલબેને દમ તોડી દીધો હતો. જ્‍યારે મીનાબેન અને યશ અને તન્‍વીને દાખલ કરાયા હતાં. જયેશભાઇને પ્રાથમિક સારવાર અપાઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, પરેશભાઇએ જાણ કરતાં કુવાડવાના એએઅસાઇ મયુરભાઇ એમ. અજાગીયાએ હોસ્‍પિટલ પહોંચી ઘાયલ પૈકીના યશ  હશેરભાઇ ભોજક (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી ડમ્‍પર ચાલક સામે ગુનો નોંધ્‍યો હતો. યશના કહેવા મુજબ ડમ્‍પર ચાલકે કારને પાછળથી ટક્કર મારતાં કાર પલ્‍ટી ખાઇ ગઇ હતી. અકસ્‍માત સર્જી ડમ્‍પર ચાલક ભાગી ગયો હતો.

 આ પરિવારના સભ્‍યો ચોટીલા દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્‍યારે બનાવ બન્‍યો હતો. મૃત્‍યુ પામનાર શિતલબેનને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. પતિ મસાલાની કંપનીના સેલ્‍સમેન તરીકે  કામ કરે છે. બનાવથી ભોજક-રાવળદેવ પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(11:02 AM IST)