<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

સાતમુ ધોરણ ભણતાં રૈયાધારના ૧૩ વર્ષના ભાવેશ બાંભવાનું અટલ સરોવરમાં હાર્ટએટેક આવી જતાં મોત

મેળામાં લટાર મારી કાકાએ બદામ શેકની લારી રાખી હોઇ ત્‍યાં પહોંચી પાણી પીતો હતો ત્‍યારે ઢળી પડયોઃ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૨૧: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોટી ઉમરના અને યુવાનોની સાથે સાથે બાળકોના પણ આવી ઘટનામાં મૃત્‍યુ થઇ રહ્યા છે. દરમિયાન શહેરના રૈયાધારમાં રહેતાં અને ધોરણ-૭માં અભ્‍યાસ કરતાં ૧૩ વર્ષના વિદ્યાર્થીનું અટલ સરોવર ખાતે ફરવા ગયો ત્‍યારે ત્‍યાં હાર્ટએટેક આવી જતાં મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ રૈયાધારમાં રાણીમા રૂડીમા ચોક તેર માળીયા ક્‍વાર્ટર સામે રહેતો ભાવેશ લક્ષમણભાઇ બાંભવા (ઉ.વ.૧૩) રાતે દસેક વાગ્‍યે અટલ સરોવર ખાતે હતો ત્‍યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, પરેશભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્‍યુ પામનાર ભાવેશ બે ભાઇમાં મોટો હતો અને હનુમાન મઢી નજીકની શાળામાં ધોરણ-૭માં અભ્‍યાસ કરતો હતો. તેના પિતા લક્ષમણભાઇ બાંભવા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. કાકા રવિભાઇએ વિગતો આપતાં જણાવ્‍યું હતું કે મેં હાલ અટલ સરોવર ખાતે મેળો ચાલુ હોઇ તેમાં બદામ શેકની લારી રાખી છે. રવિવારે રજા હોઇ ભાવેશ અટલ સરોવરમાં ફરવા આવ્‍યો હતો અને મેળામાં લટાર મારી બાદમાં મારી લારી પાસે ઉભો હતો અને પાણી પીધુ હતું. પાણી પીતા પીતા જ તે એકાએક ઢળી પડયો હતો. અમે તેને તુરત હોસ્‍પિટલે ખસેડયો હતો. પરંતુ જીવ બચ્‍યો નહોતો. તેને હાર્ટએટેક આવી ગયો હતો. લાડકવાયા દિકરાના મૃત્‍યુથી બાંભવા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(11:07 AM IST)