તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
રકમ વ્યાજ સહિત પરત ચુકવવા એસ.બી.આઇ.બેંકને ગ્રાહક ફોરમનો હુકમ
એડવોકેટના ખાતામાંથી સાયબર ક્રાઇમ દ્વારા ઉપડી ગયેલ

રાજકોટ, તા.૨૧: અત્રે સબ-રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ રજીસ્ટર કરાવતી વખતે એડવોકેટના ખાતામાંથી ઉપડી ગયેલ રકમ વ્યાજ સહિત પરત ચુકવવા એસ.બી.આઈ બેંકને ગ્રાહક તકરાર નિવારણ પંચએ હુકમ કર્યો હતો.
હકીકત એવી છે કે, તેજસભાઈ હર્ષદભાઈ વજરીયા વકીલાતનો વ્યવસાય કરે છે. તેજસભાઈ વજરીયા સબ-રજીસ્ટ્રાર કચેરી રાજકોટ ઝોન-૪ માં દસ્તાવેજ રજીસ્ટર કરાવતા હતા ત્યારે ફીંગરપ્રિન્ટ આપતા તુરંત જ તેઓના એસ.બી.આઈ. બેંકમાં આવેલ સેવિંગ એકાઉન્ટમાંથી રૂ.૪૪,૭૦૦/- કોઈપણ જાતની ઓટીપી કે અન્ય સુચના વગર ઉપડી ગયેલ. તેજસભાઈ વજરીયાએ આ અંગે તુરંતજ બેંકમાં તેમજ સાઈબર ક્રાઈમ ડીપાર્ટમેન્ટને આ અંગેની ફરીયાદ કરેલ તેમજ રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાને પણ જાણ કરેલ હતી.
આ અંગે તેજસભાઈ વજરીયાએ બેંક તથા સાઈબર ક્રાઈમને ફરીયાદ કરવા છતા રકમ પરત મળેલ નહી. બેંકની તપાસમાં આ રકમ રાજસ્થાનનાં ડુંગરગઢ ગામના કસ્ટમર સર્વિસ પોઈન્ટ પરથી ડેબિટ થયાનું જાણવા મળેલ પરંતુ તેજસભાઈને આ રકમ પરત ચુકવેલ નહીં. જેથી તેજસભાઈએ રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ આયોગ સમક્ષ રાજકોટના એડવોકેટ રિધ્ધીબેન પીલોજપરા મારફત એવી ફરીયાદ રજુ કરેલ કે, ફરીયાદીના ખાતામાંથી ફરીયાદીની કોઈપણ સુચના વગર રકમ ડેબિટ થયેલ છે. ફરીયાદીને કોઈપણ ઓટીપી કે અન્ય સુચના મળ્યા વગર બેંકમાંથી રકમ ઉપડી ગયાનો મેસેજ આવેલ છે. પ્રથમ રૂા.૧૩,૭૦૦/- તથા તુરંત જ બીજી વખત રૂ&.૩૦,૦૦૦/- એમ કુલ રૂા.૪૪,૭૦૦૦૧-ફરીયાદીના ખાતામાંથી ઉપડી ગયેલ અને તેની બેંક અને સાયબર ક્રાઈમને તુરંત જ જાણ કરેલ છે. આરબીઆઈના નિયમ મુજબ ગ્રાહકની આ રકમ માટે કોઈ જવાબદારી નથી, ઉપડી ગયેલ રકમ અંગેની સંપુર્ણ જવાબદારી બેંકની આમ છતા બેંકએ ગ્રાહકને રકમ તેમના ખાતામાં જમા આપેલ નથી અને ગ્રાહકને આપવાની સેવામાં નિષ્કાળજી અને બેદરકારી દાખવેલ છે.
ફરીયાદી તરફે રિધ્ધીબેન પીલોજપરાએ આરબીઆઈના નિયમો તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી એવી દલીલો કરેલ કે, બેંક ગ્રાહકના એકાઉન્ટમાંથી કોઈપણ સુચના વગર રકમ ઉપડી જાય અને ગ્રાહક તેની ફરીયાદ આરબીઆઈના નિયમ મુજબ તેની જાણ બેંકને કરે તો તુરંત જ આ રકમ ગ્રાહકને મળવા પાત્ર થાય છે. ફરીયાદી તરફેની રજુઆત ધ્યાને લઈ રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ આયોગએ બેંકને એવો હુકમ કરેલ છે કે ગ્રાહકના ખાતામાંથી ઉપડી ગયેલ રૂપિયા છ ટકા વ્યાજ સહિત ચુકવવા તેમજ ફરીયાદ ખર્ચના રૂપિયા પાંચ હજાર ચુકવવા હુકમ કરેલ છે. આ ફરીયાદમાં તેજસભાઈ હર્ષદભાઈ વજરીયા તરફથી રાજકોટના એડવોકેટ નિલેશ જી. પટેલ, રિધ્ધીબેન પીલોજપરા તથા સહાયક દિપાલીબેન નકુમ રોકાયેલા હતા
(2:27 PM IST)










