<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

વધુ ત્રણ ડ્રગ્‍સ પેડલર સાજીદશા, જીતુદાન અને રાજવીરસિંહ પીઆઇટી હેઠળ જેલહવાલેઃ દોઢ મહિનામાં ૭ સામે કાર્યવાહી

સુરત અને નવસારી જેલમાં ધકેલી દેવાયાઃ એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમની કાર્યવાહી

રાજકોટ,તા.૨૧: શહેરમાં ડ્રગ્‍સના કેસમાં પકડાયેલા સાજીદશા જાહિદશા શાહમદાર (ઉ.વ.૨૭, ૨ રહે. નવાગામ-આણંદપર), જીતુદાન બાણીદાસ જેસાણી (ઉ.વ.૨૮, રહે. રૈયાધાર) અને રાજવીરસિંહ અશોકસિંહ ડોડીયા (ઉ.વ.૨૬, રહે. નહેરૂનગર શેરી નં.૨ નાનામવા રોડ)ની એસઓજીએ પીઆઈટી એનડીપીએસ હેઠળ અટકાયત કરી રાજ્‍યની જુદી-જુદી જેલોમાં ધકેલી દીધા છે. અગાઉ પણ એક મહિલા પેડલર સહિત ત્રણને એક સાથે પીઆઇટી હેઠળ જેલમાં ધકેલાયા હતાં. ઉલ્લેખનીય છે કે દોઢ મહિનામાં કુલ સાતને પીઆઇટી હેઠળ જેલમાં ધકેલાયા છે.

જાણવા મળ્‍યા મુજબ સાજિદશા સામે બી ડીવીઝન પોલીસ મથકમાં, જીતુદાન સામે એરપોર્ટ પોલીસ મથકમાં અને રાજવીરસિંહ સામે પણ એરપોર્ટ પોલીસ મથકમાં એનડીપીએસ હેઠળ એક-એક કેસ નોંધાયો હતો. આ અંતર્ગત ત્રણેય વિરૂધ્‍ધ  એસઓજીએ પીઆઈટી એનડીપીએસ હેઠળ દરખાસ્‍ત તૈયાર કરી સીઆઈડી ક્રાઈમના એડીશનલ ડીજીને મોકલી આપી હતી. જેમણે વોરન્‍ટ ઇશ્‍યુ કરતાં સાજિદશાને ભરૂચ, જીતુદાનને સુરત અને રાજવીરસિંહને નવસારી જેલહવાલે કરવામાં આવ્‍યા હતાં.ઉલ્લેખનીય છે કે અગાઉ ચોથી તારીખે   પણ પીઆઈટી એનડીપીએસ હેઠળ સુધા ધામેલિયા, ચેતન સમેચા અને અંકુર ઉર્ફે બાડો સંચાણિયાની પીઆઈટી એનડીપીએસ હેઠળ અટકાયત કરાઈ હતી. એ પહેલા ગઇ અઢારમી જૂનના રોજ હર્ષ ચાવડિયાની પણ પીઆઈટી એનડીપીએસ હેઠળ અટકાયત કરાઈ હતી. આમ દોઢ માસમાં જ કુલ સાતની પીઆઈટી એનડીપીએસ હેઠળ અટકાયત કરવામાં આવી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ  વી.વી.ધ્રાંગુ, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા, એએસઆઇ  રાજેશભાઇ બાળા, દિગ્‍વીજયસિંહ ગોહીલ, ફીરોઝભાઇ રાઠોડ, સિધ્‍ધરાજસિંહ જાડેજા, યોગેન્‍દ્રસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર, મહીલા કોન્‍સ. મોનાબેન  તેમજ પીસીબી  પીઆઇ એમ. આર. ગોંડલીયા, રાજુભાઇ દહેકવાડ તથા ઇન્‍દ્રજીતસિંહ સીસોદીયા અને સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરના હેડકોન્‍સ. પારસભાઇ ટાંકએ કરી હતી.

(2:03 PM IST)