<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

પૂ.ગુરુમા સમાનંદ સરસ્‍વતીજીના શ્રીમુખેથી ‘મહિમા મહાદેવનો-સત્‍સંગ શ્રેણી

રાજકોટવાસીઓને પવિત્ર શ્રાવણ માસના આરંભે જ ભગવાન શિવજીની લીલાના પુનિત શ્રવણનો લ્‍હાવો : પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ ખાતે તા.૨૫ થી ૨૯ દરરોજ યોજાશે શ્રદ્ધા-શ્રૃંખલાઃ પૂ.પરમાત્‍માનંદજી દ્વારા ઉદ્‌ઘાટન

રાજકોટઃ પવિત્ર શ્રાવણ માસના આરંભે જ રાજકોટવાસીઓને ગાંધીનગરના સમદર્શન આશ્રમના પ.પૂ.ગુરુમા સમાનંદ સરસ્‍વતીજીના શ્રીમુખેથી ભગવાન શિવજીની લીલાના પુનિત શ્રવણનો લ્‍હાવો મળવાનો છે. રોટલી ક્‍લબ ઓફ રાજકોટ ગ્રેટર તથા સમદર્શન આશ્રમ, ગાંધીનગરના રાજકોટ આતેના સાધકો દ્વારા તા.૨૫ થી ૨૯ જુલાઈ, દરમિયાન શિવભક્‍તિ પ્રવચનમાળા ‘મહિમા મહાદેવનો'નું આયોજન કરવામાં આવ્‍યું છે.

પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે તા.૨૫ થી ૨૯ જુલાઈ દરમિયાન દરરોજ સાંજે ૪:૩૦ થી ૬:૪૫ વાગ્‍યા દરમિયાન યોજાનારી આ શ્રદ્ધા-શૃંખલાનો શુભારંભ આર્ષ વિદ્યામંદિર, મુંજકાના પ.પૂ.સ્‍વામી શ્રી પરમાત્‍માનંદજી કરશે અને આશીર્વચન આપશે. દરરોજ સાંજે શિવજીની લીલાના શ્રવણ પછી ભક્‍તજનોને દ્વાદશ જ્‍યોતિર્લિંગઃ શ્રી કેદારનાથ, શ્રી ત્ર્યંબકેશ્વર, શ્રી કાશી વિશ્વનાથ, શ્રી સોમનાથ અને શ્રી મહાકાલેશ્વર મંદિરે ધરાવેલ પવિત્ર પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

‘મહિમા મહાદેવ'નો કહેનારા- શિવનીની લીલાઓનુ અમૃતપાન કરાવવા રાજકોટ આવનાર પ.પૂ.ગુરુમા સમાનદ સરસ્‍વતીજી અદ્વિતીય આધ્‍યાત્‍મિક વ્‍યક્‍તિત્‍વ છે. ભારતની આધ્‍યાત્‍મિક પરપરામાં પૂજ્‍ય ગુરુમા સમાનંદ સરસ્‍વતીજી એક ઉજ્જવળ પ્રવાહરૂપે પ્રગટ થયા છે. તેમના જીવનની પ્રત્‍યેક પળ આધ્‍યાત્‍મ પ્રાતિ સમર્પિત છે, જ્‍યા ભક્‍તિ, જ્ઞાન અને સદાચારનો સુમેળ છે.

પૂજ્‍ય ગુરુમા સમાનદ સરસ્‍વતીજીામ જીવનમાં પૂર્વજન્‍મના સંસ્‍કારો બાળપણથી જ પ્રતિફલિત થવા લાગ્‍યા. માતા-પિતાનાં સંસ્‍કાર અને આત્‍મીય ઉષ્‍માથી તેમનો આધ્‍યાત્‍મિક ઝોક વધુ પ્રબળ બન્‍યો. સાદગીભર્યા બાળપણમાં તેઓ ઈશ્વરપ્રાપ્તિની ઉર્જાથી ઓતપ્રોત રહ્યા. શ્રદ્ધા અને સમર્પણથી ભરપૂર હૃદયમાં તેમણે નાની વયે જ ઈશ્વરપ્રાપ્તિને જીવનના પરમ ધ્‍યેય તરીકે સ્‍વીકારી લીધું.

છેલ્લા ૨૭ વર્ષથી પૂજ્‍ય ગુરુમા ગાંધીનગરમાં સમદર્શન આશ્રમ ખાતે સાધકોને અધ્‍યાત્‍મમાર્ગે પ્રેરિત કરી રહ્યા છે. તેમનો સંવેદનશીલ સ્‍વભાવ, કરુણાસભર હૃદય અને ભક્‍તિથી ઓતપ્રોત જીવન કોઈપણ સાધકને પ્રભાવિત કર્યા વિના રહેતું નથી. ગાંધીનગરના સેક્‍ટર-૧માં સ્‍થિત સમદર્શન આશ્રમ સાધકો માટે એક દિવ્‍ય ઉર્જા કેન્‍દ્ર સમાન છે. ભગવદ્‌ગીતા અને ઉપનિષદોના વિવેચનાત્‍મક પ્રવચનો દ્વારા વેદાંતચાર્ય પૂજ્‍ય ગુરુમા સાધકોના જીવનમાં આધ્‍યાત્‍મિક ઉજાશ પ્રસરાવી રહ્યા છે. ‘મહિમા મહાદેવ'નો- પ્રવચનમાળાના  આયોજકોએ જણાવ્‍યું છે કે, પ્રમુખસ્‍વામી ઓડિટોરિયમમાં બેઠક વ્‍યવસ્‍થા મર્યાદિત સંખ્‍યામાં હોવાથી ધર્મપ્રેમી નાગરિકોએ પ્રવચનના સમયની ૧૫ મિનિટ પહેલાં સમયસર પોતાનું સ્‍થાન મેળવી લેવું પ્રવચન સમયસર શરુ થશે. તેમ રોટરી ક્‍લબ રાજકોટ-ગ્રેટરના પ્રમુખ શ્રી જયદેવ શાહે અંતમાં જણાવેલ છે. તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સંસ્‍થાના આગેવાનો સર્વશ્રી જયદેવભાઈ શાહ, કિશોરભાઈ કોટેચા, કિશનભાઈ કોટેચા, મેહુલભાઈ નથવાણી, અનુપમભાઈ જોષી, નિલેશભાઈ ભોજાણી, રીટાબેન કોટક નજરે પડે છે.

(2:49 PM IST)